બનાસકાંઠા જિલ્લામાં રાત્રે અકસ્માતની બે અલગ-અલગ ઘટનાઓમાં કુરિયર અને અજાણ્યા વાહનોની ટક્કરથી પાંચ લોકોના કરુણ મોત નીપજ્યા હતા. પહેલો ગમખ્વાર અકસ્માત પાલનપુર-ડીસા હાઈવે પર બાદરપુરા પાટિયા નજીક સર્જાયો હતો, જેમાં રિક્ષામાં સવાર દંપતી અને રિક્ષાચાલકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે બીજી દુર્ઘટના અમીરગઢ નજીક પવન સિમેન્ટ ફેક્ટરી પાસે બની હતી, જેમાં બાઈક પર સવાર જીઆરડી જવાન અને તેમના મિત્રનું વાહનની અડફેટે આવતાં મોત નીપજ્યું હતું.
મળતી માહિતી અનુસાર, ડીસા તાલુકાના સોડિયા ગામનો એક પરિવાર પાલનપુર ખાતે હોસ્પિટલમાં સારવાર કરાવીને રિક્ષામાં બેસીને ડીસા તરફ પરત ફરી રહ્યો હતો. આ દરમિયાન પાલનપુર-ડીસા હાઈવે પર આવેલા બાદરપુરા પાટિયા નજીક પહોંચતાં જ એક પૂરપાટ ઝડપે આવતા અજાણ્યા વાહને રિક્ષાને ધડાકાભેર ટક્કર મારી હતી. અકસ્માત એટલો જોરદાર હતો કે રિક્ષાનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. આ ઘટનામાં સોડિયા ગામના પતિ-પત્ની અને સોતમલા ગામના રિક્ષાચાલકનું ગંભીર ઈજાઓને કારણે ઘટનાસ્થળે જ મોત થયું હતું.
બીજી તરફ, બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ નજીક પવન સિમેન્ટ ફેક્ટરી પાસે મોડી રાત્રે એક અન્ય દર્દનાક અકસ્માત સર્જાયો હતો. અહીં બાઈક પર સવાર થઈને જઈ રહેલા બે યુવાનોને કોઈ અજાણ્યા વાહને જોરદાર ટક્કર મારી હતી. આ દુર્ઘટનામાં બાઈકસવાર બંને યુવાનોએ ઘટનાસ્થળે જ જીવ ગુમાવ્યો હતો. પ્રાથમિક તપાસમાં મૃતકોમાં એક જીઆરડી જવાન અને તેનો મિત્ર હોવાનું જાણવા મળ્યું હતું. આ બનાવથી મૃતકના પરિવારજનોમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું હતું.
બંને ઘટનાઓ બન્યા બાદ અકસ્માત સર્જનારા અજાણ્યા વાહનચાલકો પોતપોતાના વાહનો સાથે સ્થળ પરથી નાસી છૂટ્યા હતા. ઘટનાની જાણ થતાં જ ગઢ પોલીસ અને અમીરગઢ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. ગઢ પોલીસે બાદરપુરા પાટિયા અકસ્માતના મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યા હતા, જ્યારે અમીરગઢ પોલીસે બંને મૃતદેહોને અમીરગઢ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે મોકલી આપ્યા હતા. બંને અકસ્માતો અંગે પોલીસે ગુનો નોંધીને ફરેલા અજાણ્યા વાહનચાલકોની શોધખોળ હાથ ધરી છે