ગુજરાત સરકારની બહુચર્ચિત અને વિવાદાસ્પદ પાંચ વર્ષની ફિક્સ પે નીતિ સામે રાજ્યના સરકારી કર્મચારીઓએ આખરે દેશની સર્વોચ્ચ અદાલત, સુપ્રીમ કોર્ટનો દરવાજો ખટખટાવ્યો છે. છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પડતર રહેલી સ્પેશિયલ લીવ પિટિશન (એસએલપી) પર ઝડપી અને અંતિમ સુનાવણી હાથ ધરવા માટે સરકારી કર્મચારીઓ દ્વારા સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા (સીજેઆઈ) સમક્ષ અપીલ કરવામાં આવી છે. લાંબા સમયથી ન્યાયની રાહ જોઈ રહેલા હજારો કર્મચારીઓ માટે આ કેસનો આખરી નિર્ણય ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે.
મનોજ દાતલા નામના સરકારી કર્મચારીએ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસને એક વિશેષ ઈમેલ મોકલીને આ સમગ્ર બાબતે ધ્યાન દોર્યું છે. અરજદારે પત્રમાં સ્પષ્ટતા કરી છે કે, તેઓ ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (જીપીએસસી) અને ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (જીએસએસએસબી) જેવી બંધારણીય અને સરકારી એજન્સીઓ દ્વારા યોજાતી કઠિન પરીક્ષાઓ અને નિયમિત ભરતી પ્રક્રિયા મારફતે જ પાંચ વર્ષની ફિક્સ પે નીતિ હેઠળ સેવાઓમાં જોડાયા છે. આ વિનંતી પત્ર સુપ્રીમ કોર્ટમાં પડતર એસએલપી (સિવિલ) નં. ૧૪૧૨૪-૧૪૧૨૫/૨૦૧૨ના સંદર્ભમાં મોકલવામાં આવ્યો છે, જે જસ્ટિસ સૂર્યકાન્ત, જસ્ટિસ જોયમાલ્યા બાગચી અને જસ્ટિસ વિપુલ એમ. પંચોલીની બેન્ચ સમક્ષ છે.
તાજેતરમાં જ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ દ્વારા વર્ષોથી અટવાયેલા અને લાંબા સમયથી પડતર એવા જૂના સિવિલ તથા ક્રિમિનલ કેસોના ઝડપી નિકાલ અર્થે વિશેષ બેન્ચની રચના કરવામાં આવી છે. સર્વોચ્ચ અદાલતના આ નિર્ણયથી વર્ષોથી ન્યાયની આશા રાખીને બેઠેલા લાખો લોકોને નવી ઉમ્મીદ જાગી છે. આ જ દિશામાં ફિક્સ પે નીતિથી પીડાતા કર્મચારીઓએ પણ માંગ કરી છે કે, તેમના આ મહત્વપૂર્ણ કેસને યોગ્ય વિશેષ બેન્ચ સમક્ષ મૂકીને તેની આખરી અને ઝડપી સુનાવણી પૂરી કરવામાં આવે.
અરજદારે પત્રમાં ભારપૂર્વક રજૂઆત કરી છે કે આ કેસ માત્ર એક સામાન્ય કાનૂની વિવાદ કે ટેકનિકલ લડાઈ નથી, પરંતુ પોતાની યોગ્યતા સાબિત કરીને સરકારી સેવામાં પ્રવેશેલા રાજ્યના હજારો યુવાનો અને કર્મચારીઓના જીવન, કારકિર્દી અને ભવિષ્ય સાથે જોડાયેલો અત્યંત સંવેદનશીલ મુદ્દો છે. પૂરતો પગાર અને હક્કો ન મળવાને કારણે કર્મચારીઓને આટલા વર્ષોથી આર્થિક અને માનસિક મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે.
ઉલ્લેખનીય છે કે આ પૂર્વે ગુજરાત હાઈકોર્ટે આ બાબતના તમામ કાનૂની, બંધારણીય અને નૈતિક પાસાઓની ઊંડાણપૂર્વક તપાસ કરીને કર્મચારીઓના હિતમાં વિગતવાર ચુકાદો આપ્યો હતો. પરંતુ રાજ્ય સરકાર દ્વારા આ મામલાને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યા બાદ છેલ્લા ૧૪ વર્ષથી આ કેસ પેન્ડિંગ રહ્યો છે. હવે નવી વિશેષ બેન્ચની રચના બાદ કર્મચારીઓને આશા છે કે દેશની સર્વોચ્ચ અદાલત તરફથી તેમને સત્વરે અને ન્યાયી આખરી આદેશ પ્રાપ્ત થશે.