રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પરેશ પીપળિયાએ આજે આજકાલ સાંધ્ય દૈનિકની શુભેચ્છા મુલાકાત કરી હતી. તેઓએ આજકાલના એડિટર ઈન ચીફ ચંદ્રેશભાઈ જેઠાણી અને ગ્રુપ એડિટર કાનાભાઈ બાંટવા સાથે રાજકોટનો વિકાસ કેવી રીતે આગળ વધારશે તે વિશે ચર્ચા કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે ગઈકાલે રાજકોટની મુલાકાતમાં ટકોર હતી કે, હવે પછીના તમામ રસ્તાઓ ડામરના નહીં પણ સીસી રોડ બનાવજો. જેને લઈને અમે નિર્ણય કર્યો છે કે, રાજકોટમાં વોર્ડ નં.18માં પહેલો સાંઈબાબા સર્કલથી કોઠારિયા મેઈન રોડ રસ્તાને સીસી બનાવીશું.
પરેશ પીપળિયાએ આગળ વાત કરતા જણાવ્યું હતું કે, રાજકોટ મનપા જનતા માટે પાયાની સુવિધાઓ પાણી, સ્વચ્છતા, ગટરની ફરિયાદોનો નિકાલ જલ્દી કેવી રીતે લાવી શકે તે દિશામાં કામ કરી રહી છે. અઢી વર્ષના કાર્યકાળમાં રાજકોટની જનતાને પાયાની સુવિધાઓ સારામાં સારી રીતે મળી રહે તે માટે મારા પ્રયાસો રહેશે. આજકાલ દ્વારા પૂછવામાં આવ્યું કે, નવા ચૂંટાયેલા સત્તાધીશો આવ્યા પછી પાણીની સમસ્યાના પ્રશ્નો કેમ વધી રહ્યા છે? જેના જવાબમાં પીપળિયાએ જણાવ્યું હતું કે, મનપાની ચૂંટણીમાં અમે પ્રચાર માટે ઘરે ઘરે જતા ત્યારે પાણીના પ્રશ્નો નહોતા વોર્ડ નં. ચારમાં પાણીના પ્રશ્નો છે જ્યાં મનપા ટીપી પ્લોટમાં જીએસઆર બને તે માટે આગળ વધી રહી છે. નવા ડેવલોપિંગ એરિયામાં નોંધાયેલા ન હોય તેવા મકાનો વધી ગયા છે. જેનાથી પાણીની સમસ્યા વધી રહી છે.
આજકાલ દ્વારા પૂછવામાં આવ્યું કે, રસ્તાના કામો ધીમી ગતિએ કેમ થઈ રહ્યા છે? જેના જવાબમાં પીપળિયાએ જણાવ્યું હતું કે, ગત સ્ટેન્ડિંગમાં જેક પ્રેશરથી કામ ચાલું કર્યું છે. પહેલા મુખ્ય માર્ગોને આ સિસ્ટમ હેઠળ આવરવામાં આવ્યા છે. બાદમાં અંદરના રસ્તાઓ પર કામ થશે. સામાન્ય વરસાદમાં રોડ શા માટે ધોવાઈ જાય છે? જેના જવાબમાં પીપિળિયાએ કહ્યું કે, મુખ્યમંત્રીની ટકોર બાદ હવે પછીના રસ્તાઓ સીસીથી બનાવીશું. સીસી રોડ ડામર કરતા વધુ મોંઘા પડે છે. પણ મુખ્યમંત્રીની સૂચના મુજબ નવા રસ્તાઓ સીસી રોડ બનશે.
પાયાની સુવિધા પહેલા નગરરચના કેમ?
આજકાલના આ સવાલના જવાબમાં પરેશ પીપળિયાએ જણાવ્યું હતું કે, અમદાવાદમાં પહેલા પાયાની સુવિધાઓ અપાય છે પછી નગરરચના થાય છે. પણ આપણે અહીં આ સિસ્ટમ નથી. વોર્ડ નં. ચારમાં જયપ્રકાશ સોસાયટીમાં સીસી રોડનું કામ મંજૂર થયું હતું. પણ ડીઆઈનું કામ પુરૂ ન થાય ત્યાં સુધી સીસી રોડ કરી શકાય નહીં. એકવાર રોડ બને પછી ડીઆઈ આવે અને રોડ તોડવો પડે છે. જેને કારણે રોડ પછી પાંચ વર્ષ પછી મંજૂર થાય છે. અમદાવાદની જેમ રાજકોટમાંમ પણ નગરરચના પહેલા પાયાની સુવિધા અપાય તે દિશામાં આગળ વધીશું. શહેરના મુખ્ય રાજમાર્ગો પર ડીઆઈ લાઈનનું કામ થાય પછી સીસી રોડ બનાવીશું.
વરસાદી પાણીની સમસ્યા કેમ રહે છે?
આજકાલના આ સવાલના જવાબમાં પીપળિયાએ જણાવ્યું હતું કે, મનપા દ્વારા શહેરમાં વરસાદી પાણી ભરાવાના 95 પોઈન્ટ આઇડેન્ટીફાય કર્યા છે. જ્યાં વરસાદ પડ્યા પછી અડધા કલાકમાં પાણી ઓસરી જાય છે. સાત જગ્યા એવી છે જ્યાં લાંબા સમય સુધી પાણી ભરાયેલા રહે છે. જેમાં લલૂડી વોકળી સહિતના વિસ્તારો આવે છે. જ્યાં કામો કરવા માટે સ્થાનિક લોકો જગ્યા છોડવા તૈયાર નથી. 150 ફૂટ રિંગ રોડ પર સ્ટ્રોંગ વોટર લાઈન નાખેલી છે. પોપપરાના નાલાનો વર્ષોથી પ્રશ્ન છે. જેને ઉકેલવા માટે રેલવેએ મનપાને સાડા પાંચ કરોડ ભરવાના કહ્યા છે. આ અંગે મનપામાં વિચાર વિમર્શ ચાલી રહ્યો છે.
નેતા તરીકે મારો મોટો ગોલ નથી
પરેશ પીપળિયાએ જણાવ્યું હતું કે, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે કાર્યકર છું પરંતુ મારો મોટા નેતા તરીકેનો કોઈ ગોલ નથી. લોકોને પાયાની સુવિધાઓ મળે તે દિશામાં આગળ કામ કરવું છે. આજી નદી એકદમ સ્વચ્છ થઈ જાય તેવો ગોલ છે.
મલ્ટિલેવલ પાર્કિંગની દિશામાં આગળ વધીશું
આજકાલ દ્વારા પૂછવામાં આવ્યું કે, ટ્રાફિકની સમસ્યા કેમ હલ થતી નથી? જેના જવાબમાં પીપળિયાએ કહ્યું કે, ટ્રાફિક માટે ભૂતકાળમાં ઓવરબ્રિજ અને અંડરબ્રિજ બનાવવામાં આવ્યા છે તેમ ભવિષ્યમાં પણ જ્યાં જરૂર હશે ત્યાં ઓવરબ્રિજ અને અંડરબ્રિજ બનાવીશું. જૂના રાજકોટમાં ટ્રાફિકનો પ્રશ્ન હલ થઈ શકે તેમ નથી પણ ત્યાં અમદાવાદની જેમ મનલ્ટિલેવલ પાર્કિંગ બનાવવા માટેની દિશામાં આગળ વધીશું.