આજના ડિજિટલ યુગમાં ઓફિસ કે ઘરે લેપટોપ અને ડેસ્કટોપ પર કામ કરતી વખતે મોટાભાગના લોકો વોટ્સએપ વેબનો ઉપયોગ કરતા હોય છે. પરંતુ જો તમે પણ વોટ્સએપ વેબ દ્વારા તમારી બેંક વિગતો, ઓટીપી, પાસવર્ડ કે અન્ય કોઈ વ્યક્તિગત દસ્તાવેજો શેર કરો છો, તો હવે ચેતી જવાની જરૂર છે. તમારી આ એક નાની બેદરકારી સાયબર ગુનેગારો માટે મોટી તક બની શકે છે અને તમારું બેંક ખાતું ગણતરીની મિનિટોમાં ખાલી થઈ શકે છે. આ ગંભીર બાબતને ધ્યાનમાં રાખીને ભારતીય સાયબર ક્રાઇમ કોઓર્ડિનેશન સેન્ટર (I4C) દ્વારા તમામ યુઝર્સ માટે એક મહત્વપૂર્ણ ચેતવણી જાહેર કરવામાં આવી છે. એજન્સીના જણાવ્યા મુજબ, વોટ્સએપ વેબ પર સંવેદનશીલ માહિતી શેર કરવી અને કામ પત્યા બાદ સેશન ખુલ્લું રાખવું એ સાયબર ઠગોને સામેથી આમંત્રણ આપવા બરાબર છે.
I4Cના નેશનલ સાયબર ક્રાઇમ થ્રેટ એનાલિટિક્સ યુનિટ (NCTAU)ના અહેવાલ અનુસાર, સાયબર ગુનેગારો અલગ-અલગ રીતે તમારા વોટ્સએપ વેબના ચાલુ સત્રનો દુરુપયોગ કરીને તમારા એકાઉન્ટ પર કબજો મેળવી શકે છે. એકવાર હેકર્સ કે ઠગોને તમારા એકાઉન્ટની એક્સેસ મળી જાય, ત્યારબાદ તેઓ માત્ર તમારા ખાનગી મેસેજ, બેંક સ્ટેટમેન્ટ કે અંગત ફોટો-દસ્તાવેજો જ નથી ચોરતા, પરંતુ તમારી ઓળખનો પણ ખોટો ઉપયોગ કરે છે. તેઓ તમારા નંબર પરથી તમારા મિત્રો, પરિવારજનો અને ઓફિસના ગ્રુપ્સમાં છેતરપિંડી કરતી ફિશિંગ લિંક્સ મોકલીને અન્ય લોકોને પણ પોતાનો શિકાર બનાવી શકે છે.
સાયબર સુરક્ષા એજન્સીએ ખાસ ભાર મૂકતા જણાવ્યું છે કે ઓફિસના કમ્પ્યુટર, એકથી વધુ લોકો વાપરતા હોય તેવી શેર કરેલી સિસ્ટમ અથવા તો જાહેર સ્થળોએ રાખેલા કમ્પ્યુટર પર વોટ્સએપ વેબ ચલાવવું સૌથી વધુ જોખમી સાબિત થાય છે. ઘણીવાર ઉતાવળમાં લોકો કમ્પ્યુટર પર નાણાકીય કે ગુપ્ત ડેટા મોકલ્યા બાદ વ્યવસ્થિત રીતે લોગ આઉટ કરવાનું ભૂલી જાય છે, જેના કારણે પાછળથી તે કમ્પ્યુટરનો ઉપયોગ કરનાર કોઈપણ વ્યક્તિ તમારા એકાઉન્ટનું સંપૂર્ણ નિયંત્રણ પોતાના હાથમાં લઈ શકે છે.
તમારા વોટ્સએપ એકાઉન્ટ અને બેંક ખાતાને સુરક્ષિત રાખવા માટે આટલી બાબતોનું ખાસ ધ્યાન રાખો
ગોપનીય ડેટા શેર કરવાનું ટાળો: કમ્પ્યુટર પર વોટ્સએપ વેબના માધ્યમથી ક્યારેય પણ બેંક ખાતાની વિગતો, એટીએમ પિન, પાસવર્ડ, આધાર કાર્ડ, પાન કાર્ડ કે અન્ય કોઈ અત્યંત મહત્વના દસ્તાવેજો શેર ન કરો.
મેન્યુઅલી લોગ આઉટ કરો: ઘણા યુઝર્સ એવું માને છે કે બ્રાઉઝરની ટેબ કે વિન્ડો બંધ કરી દેવાથી વોટ્સએપ બંધ થઈ જાય છે, પરંતુ હકીકતમાં તમારું સત્ર ચાલુ જ રહે છે. તેથી કામ પૂર્ણ થયા બાદ હંમેશા સેટિંગ્સમાં જઈને મેન્યુઅલી 'Log out' કરવાનું રાખો.
છુપા મોડ (Incognito Mode)નો ઉપયોગ કરો: જો કોઈ વિશ્વસનીય કમ્પ્યુટર પર થોડા સમય માટે વોટ્સએપ વેબ વાપરવું અનિવાર્ય હોય, તો બ્રાઉઝરના 'ઇન્કોગ્નિટો' અથવા પ્રાઇવેટ મોડનો જ ઉપયોગ કરો અને કામ પતતાની સાથે જ લોગ આઉટ કરો.
સાર્વજનિક કોમ્પ્યુટરથી દૂર રહો: સાયબર કાફે, હોટેલના બિઝનેસ સેન્ટર, જાહેર કિઓસ્ક કે અન્ય કોઈ વ્યક્તિ પાસેથી માંગીને લીધેલા લેપટોપમાં ક્યારેય પણ તમારું વોટ્સએપ લોગ ઇન ન કરો.
શંકાસ્પદ ગતિવિધિ પર તુરંત પગલાં લો: જો તમને એવું લાગે કે તમારા નંબર પરથી એવા મેસેજ જઈ રહ્યા છે જે તમે મોકલ્યા જ નથી, અથવા તમારા સંપર્કો તરફથી કોઈ અજીબ પ્રતિસાદ મળે, તો ગભરાયા વિના તરત જ તમારા મોબાઈલ ફોનમાં વોટ્સએપ ખોલીને 'Linked Devices' (લિંક કરેલા ઉપકરણો)ના વિકલ્પમાં જાઓ અને તમામ ઉપકરણોમાંથી લોગ આઉટ કરી દો.
સિસ્ટમ અપડેટ રાખો: તમારા કમ્પ્યુટરની ઓપરેટિંગ સિસ્ટમ, વેબ બ્રાઉઝર અને એન્ટીવાયરસ સોફ્ટવેરને નિયમિતપણે અપડેટ રાખો. આ ઉપરાંત, કોઈપણ અજાણી લિંક પર ક્લિક કરવાનું કે બિનઅધિકૃત સોફ્ટવેર ડાઉનલોડ કરવાનું ટાળો.
સાયબર સુરક્ષા માટે માત્ર થોડી સતર્કતા અને આ નાની-નાની ટેવો અપનાવીને તમે તમારી મહેનતની કમાણી અને અંગત માહિતીને હેકર્સથી સુરક્ષિત રાખી શકો છો.