નેપાળના નવા વડાપ્રધાન બાલેન શાહ ભારતની પ્રથમ સત્તાવાર મુલાકાતે આવ્યા છે. નવી દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બાલેન શાહ વચ્ચે મહત્વપૂર્ણ દ્વિપક્ષીય બેઠક યોજાઈ હતી. આ મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવવા ઊર્જા, જળવિદ્યુત, રેલવે, પરિવહન અને કનેક્ટિવિટી સહિતના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. પીએમ મોદીએ કહ્યું હતું કે નેપાળ વિના અમારા ધામ અને રામ અધૂરા છે જયારે બાલેન શાહે કહ્યું હતું કે ભારત-નેપાળના સંબંધો હિમાલયની જેમ મજબૂત છે.
રાષ્ટ્રપતિ ભવન ખાતે નેપાળના વડાપ્રધાનનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ બાલેન શાહે રાજઘાટની મુલાકાત લઈને મહાત્મા ગાંધીને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે મહાત્મા ગાંધીના જીવનમાંથી સાબિત થાય છે કે સત્યની શક્તિ દુનિયાની કોઈપણ શક્તિ કરતાં મોટી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને નેપાળના વડાપ્રધાન બાલેન શાહે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી અયોધ્યાથી જનકપુર જતી ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી. આ ઉપરાંત બંને નેતાઓએ ભારત-નેપાળ વચ્ચે કનેક્ટિવિટી અને ઊર્જા ક્ષેત્રના અનેક મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સનું સંયુક્ત રીતે ઉદ્ઘાટન કર્યું હતું. કેટલાક નવા પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ પણ કરવામાં આવ્યો હતો. આ પહેલથી બંને દેશો વચ્ચે પરિવહન અને માળખાગત સુવિધાઓના વિકાસને વેગ મળવાની અપેક્ષા છે.
સંયુક્ત પત્રકાર પરિષદને સંબોધતા વડાપ્રધાન મોદીએ નેપાળમાં તાજેતરમાં આવેલા વિનાશક પૂરમાં જાનહાનિ અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમણે કહ્યું કે ભારત નેપાળના લોકોની સાથે ઊભું છે. ભારતે નેપાળ માટે 24 હજાર કરોડ નેપાળી રૂપિયાના વિકાસ પેકેજની જાહેરાત કરી છે.
આ ઉપરાંત બંને વડાપ્રધાનોએ ભારતની ગતિશક્તિ યોજના અંગેનું પ્રેઝન્ટેશન પણ નિહાળ્યું હતું. આ દરમિયાન દેશમાં માળખાગત સુવિધાઓ અને કનેક્ટિવિટી વિકસાવવા માટે થઈ રહેલા કામ અંગે નેપાળના વડાપ્રધાનને માહિતી આપવામાં આવી હતી. આ મુલાકાતને ભારત અને નેપાળ વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોમાં મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.