પહેલગામ હુમલો અને ત્યાર બાદ ઓપરેશન સિંદુર હાથ ધરીને ભારતે પાકને જડબાતોડ જવાબ આપ્યા પછીથી બન્ને દેશો વચ્ચે તનાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ હતી. જો કે હવે સ્થિતિ ધીમે ધીમે સામાન્ય બની રહી હોવાનું અને લાંબા સમયથી અટકી પડેલી વાટાઘાટો ફરી શરુ થઈ શકે તેવો માહોલ બન્યો છે. ભારતે 20-22 નવેમ્બર દરમિયાન નવી દિલ્હીમાં યોજાનાર પ્રથમ ફોરમ ફોર સિવિલાઇઝેશનલ ડાયલોગમાં પાકિસ્તાનને આમંત્રણ આપ્યું છે.ઓપરેશન સિંદૂર પછી પાકિસ્તાનને આ પહેલું આમંત્રણ છે. ભારતે પાકિસ્તાન સહિત તમામ 10 સભ્ય દેશોને બેઠકમાં હાજરી આપવા માટે આમંત્રણ આપ્યું છે.
ઓપરેશન સિંદૂર મે 2025 માં ભારત દ્વારા પોતાની સુરક્ષા માટે શરૂ કરાયેલ લશ્કરી કાર્યવાહી હતી. તેમાં પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીરમાં આતંકવાદી ઠેકાણાઓ સામે લશ્કરી કાર્યવાહીનો સમાવેશ થતો હતો.
અગાઉ, પાકિસ્તાન સમર્થિત આતંકવાદીઓએ પહેલગામમાં એક ભયાનક ઘટનાને અંજામ આપ્યો હતો. પહેલગામ આવતા પ્રવાસીઓના નામ પૂછ્યા પછી તેમણે ઘણા માણસોને ગોળી મારી દીધી હતી. ત્યારબાદ, ભારતે બદલો લીધો અને પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીરમાં ઓપરેશન સિંદૂર શરૂ કર્યું.
એસસીઓમાં ચીન, રશિયા સહીત 10 દેશ સામેલ
ભારતના નવી દિલ્હીમાં યોજાનારી એસસીઓ બેઠક 20 નવેમ્બરથી શરૂ થશે અને 22 નવેમ્બર સુધી ચાલુ રહેશે. એસસીઓ સભ્યોમાં ચીન, રશિયા, ભારત, પાકિસ્તાન, કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન, તાજિકિસ્તાન, ઉઝબેકિસ્તાન, ઈરાન અને બેલારુસનો સમાવેશ થાય છે. આ સંગઠન યુરોપ અને એશિયાના દેશોનું સંગઠન છે. તેની ચર્ચાઓ મુખ્યત્વે શાંતિ, સુરક્ષા અને સ્થિરતા પર કેન્દ્રિત છે. રાજકીય અને આર્થિક સંગઠન તરીકે એસસીઓની ઓળખ તેનો પ્રાથમિક એજન્ડા છે.
એસસીઓ કરે છે વિશ્વની 42 ટકા વસ્તીનું પ્રતિનિધિત્વ
અગાઉ શાંઘાઈ-5 તરીકે ઓળખાતું હતું, પરંતુ પછીથી તેનું નામ બદલીને એસસીઓ રાખવામાં આવ્યું. 10 દેશોના સમાવેશ સાથે, આ સંગઠન હવે વિશ્વની 42 ટકા વસ્તીનું પ્રતિનિધિત્વ કરે છે. વધુમાં, તેના સભ્ય દેશોનો જીડીપી વિશ્વના જીડીપીનો લગભગ એક ચતુર્થાંશ હિસ્સો ધરાવે છે. જો આપણે વૈશ્વિક વેપારમાં તેમના હિસ્સા વિશે વાત કરીએ, તો તે લગભગ 15 ટકા છે.