BREAKING NEWS

ગુજરાતમાં ભાદરવાની મેઘસવારી ધીમી પડી, પણ ચોમાસાની વિદાય હજી દૂર; 5 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી

  • September 16, 2026 12:30 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભાદરવા મહિનાના પ્રારંભથી સૌરાષ્ટ્ર-કચ્છમાં મેઘરાજાએ ફરી એક વખત ધમાકેદાર પધરામણી કરી છે, ત્યારે છેલ્લા ૨૪ કલાકમાં કચ્છના માંડવીમાં સાત ઇંચ સહિત અનેક વિસ્તારોમાં વરસાદ નોંધાયા બાદ આજે વરસાદી ગતિવિધિમાં ઘટાડો જોવા મળ્યો છે. જેના પગલે હવે ચોમાસાની વિદાયની શરૂઆત તો નથીને? તેવો સવાલ ઊભો થયો છે. જોકે હવામાન વિભાગના તાજા બુલેટિનને જોતાં ગુજરાતમાંથી ચોમાસાની વિદાય શરૂ થઈ ગઈ હોવાનું હાલ કહેવું વહેલું છે. અલબત્ત, પશ્ચિમ રાજસ્થાનમાં ચોમાસાની વિદાય માટેની પ્રક્રિયાના પ્રારંભિક સંકેતો ચોક્કસપણે દેખાવા લાગ્યા છે.

હવામાન વિભાગના ૧૫ સપ્ટેમ્બરના બુલેટિન મુજબ, દક્ષિણપશ્ચિમ રાજસ્થાન, નજીકના કચ્છ અને દક્ષિણપૂર્વ પાકિસ્તાન ઉપર લો-પ્રેશર સિસ્ટમ સક્રિય છે. આ સિસ્ટમની અસરથી કચ્છ સહિત સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં છેલ્લા દિવસોમાં સારો વરસાદ થયો છે. પરંતુ તેની અસર ધીમે ધીમે ઓછી થવાના સંકેતો વચ્ચે આગામી પાંચ દિવસ પણ સૌરાષ્ટ્ર-કચ્છના વિવિધ જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા જળવાઈ છે.


ગઈકાલે કચ્છના માંડવીમાં ૧૭૭ મિ.મી. એટલે કે સાત ઇંચ વરસાદ ખાબક્યો હતો. અબડાસામાં ૫૪, મુન્દ્રામાં ૪૩, નખત્રાણામાં ૩૩ અને ભુજમાં ૩૨ મિ.મી. વરસાદ નોંધાયો હતો. સૌરાષ્ટ્રમાં પણ અનેક સ્થળોએ મેઘમહેર થઈ હતી. ભાવનગરના શિહોરમાં ૧૮, ગારીયાધારમાં ૧૩, જામનગરમાં ૯, લોધિકામાં ૬, મેંદરડા અને માણાવદરમાં ૬-૬ તથા ઉનામાં ૯ મિ.મી. વરસાદ નોંધાયો હતો.

આજે સવારે ૬થી ૮ દરમિયાન પણ જૂનાગઢના કેશોદ, માંગરોળ, ગીર સોમનાથના ચોરવાડ, તાલાલા, સુત્રાપાડા, રાજકોટના ધોરાજી અને અમરેલીના રાજુલા સહિતના વિસ્તારોમાં હળવાથી મધ્યમ ઝાપટાં પડ્યાં હતાં.

દરમિયાન હવામાનના તાજા રાષ્ટ્રીય ઇનપુટ મુજબ ૧૯ સપ્ટેમ્બર આસપાસ પશ્ચિમ રાજસ્થાનના કેટલાક ભાગોમાંથી દક્ષિણપશ્ચિમ ચોમાસાની વિદાય માટે પરિસ્થિતિ અનુકૂળ બનવાની સંભાવના છે. પરંતુ ચોમાસાની વિદાય માત્ર વરસાદ ઘટવાથી જાહેર થતી નથી. IMDના માપદંડ પ્રમાણે સંબંધિત વિસ્તારમાં સતત પાંચ દિવસ વરસાદી પ્રવૃત્તિ અટકવી, નીચલા વાતાવરણમાં પ્રતિચક્રવાતી પરિભ્રમણ સ્થાપિત થવું અને વાતાવરણમાં ભેજનું પ્રમાણ નોંધપાત્ર ઘટવું જરૂરી છે.

આથી હાલની સ્થિતિને “ચોમાસાની વિદાયના પ્રારંભિક સંકેતો” તરીકે જોવી વધુ યોગ્ય છે. સૌરાષ્ટ્ર-કચ્છ માટે હજુ આગામી પાંચ દિવસ વરસાદની શક્યતા હોવાથી અહીં તાત્કાલિક વિદાયની જાહેરાત જેવી સ્થિતિ નથી. ખાસ કરીને કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં બાકી રહેલા ભેજ અને સ્થાનિક વાતાવરણીય અસ્થિરતાના કારણે છૂટાછવાયા ઝાપટાં ચાલુ રહી શકે છે.


ચોમાસાની વિદાય ક્યારે કહેવાય?

ચોમાસાની હાલ સત્તાવાર વિદાય માટે સતત ૫ દિવસ વરસાદી પ્રવૃત્તિમાં વિરામ જરૂરી, નીચલા વાતાવરણમાં પ્રતિચક્રવાત સ્થાપિત થવો જરૂરી, વાતાવરણની ભેજમાં નોંધપાત્ર ઘટાડો થવો જરૂરી હોવાથી હાલ સૌરાષ્ટ્ર-કચ્છમાંથી ચોમાસાની વિદાય શરૂ થઈ ગઈ છે એવું કહેવું વહેલું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application