ભાવનગરમાં ફોરેસ્ટ અધિકારી શૈલેષ ખાંભલાએ પોતાની જ પત્ની અને બે સંતાનોની હત્યા કર્યાના બનાવથી ખળભળાટ મચી ગયો છે. આ ચકચારી ત્રેવડી હત્યા મામલે જિલ્લા પોલીસ વડાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, આરોપી શૈલેશ ખંભલાએ તા. પાંચમીએ સવારે પ્રથમ પત્ની નયનાબેનનું તકિયા વડે મોં દબાવી હત્યા નીપજાવ્યા બાદ પુત્ર ભવ્ય અને છેલ્લે પુત્રી પૃથાની એજ પદ્ધતિથી હત્યા કર્યાનું આરોપી શૈલેષે કબૂલાત આપી હતી.
શૈલેષે અગાઉથી જ હત્યાનો પ્લાન ઘડ્યો હતો
છેલ્લા ઘણા સમયથી પતિ અને પત્ની વચ્ચે સાથે રહેવા બાબત ઝઘડો ચાલતો હોય આરોપી શૈલેષ દ્વારા અગાઉથી જ હત્યાનો પ્લાન ઘડ્યો હતો. જેમાં તેણે તા. 1 અને 2ના રોજ ખાડા
ખોદાવ્યા હતા. તેમજ જિલ્લા પોલીસ વડાએ જણાવી ઉમેર્યું હતું કે, હાલ આરોપીની વધુ પૂછપરછ હાથ ધરી ત્રેવડી હત્યાને અંજામ આપવામાં તેની સાથે અન્ય કોણ સંડોવાયેલ છે.
મળતી માહિતી મુજબ, ભાવનગરમાં રહેતા અને ફોરેસ્ટ વિભાગમાં આસિસ્ટન્ટ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ તરીકે ફરજ બજાવતા શૈલેષ ખાંભલાના પત્ની અને બે સંતાનો 5મી નવેમ્બરે ગુમ થયા બાદ 16મી તારીખે ફોરેસ્ટ કોલોનીમાં તેમના ઘરથી 20 ફૂટ દૂર ખાડામાંથી મૃતદહે મળી આવ્યા હતા. શૈલેષ ખાંભલાએ 7 નવેમ્બરે ત્રણેય ગુમ થયાની પોલીસને જાણ કરી હતી. પરંતુ, 10 દિવસ બાદ ભાવનગરમાં આવેલા પોતાના ક્વાર્ટરની બાજુમાં જ વિશાળ ખાડો કરી દાટી દીધા હતા. આ સંદર્ભે પોલીસે તપાસ કરતા શૈલેષ ખાંભલાએ જ પત્ની, પુત્ર અને પુત્રીની હત્યા કરી ક્વાર્ટરના પાછળના ભાગમાં હત્યા કરી દાટી દીધા હોવાનો ખુલાસો થયો છે. આ મામલે ભરતનગર પોલીસ દ્વારા પરિવારના ત્રણ સભ્યોની હત્યા અંગે શૈલેષ ખાંભલા વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
રવિવારે રાત્રે ત્રણેયની અંતિમવિધિ કરવામાં આવી
આરોપી શૈલેષ ખાંભલાએ 2 નવેમ્બરે જ ફોરેસ્ટ વિભાગના સ્ટાફ પાસે એડવાન્સ પ્લાનિંગ કરી ખાડો ખોદી રાખ્યો હતો. ત્યારબાદ બે ગાડી માટી પણ મંગાવી રાખી હતી. આખું પ્લાનિંગ થઈ ગયા બાદ તેણે પત્ની, પુત્ર અને પુત્રીને 5-6 નવેમ્બરના રોજ પતાવી દીધા હતા. ગઈકાલે મૃતક નયનાબેન, દીકરી પૃથા અને દીકરા ભવ્યના મૃતદેહોના પોસ્ટમોર્ટમ બાદ પતિની ગેરહાજરીમાં અને અન્ય પરિવારજનોની ઉપસ્થિતિમાં રવિવારે રાત્રે અંતિમવિધિ કરવામાં આવી હતી.
ત્રણેય ભાવનગરથી સુરત જવા માટે નીકળ્યા હતા
બારેક દિવસ અગાઉ ફોરેસ્ટ અધિકારીના પત્ની, પુત્ર અને પુત્રી ત્રણેય ભાવનગરથી સુરત જવા માટે નીકળ્યા હતા. તેમજ આ ત્રણેય લોકો જશોનાથ સર્કલ પાસે રીક્ષામાંથી ઉતર્યા હતા જે તમામ હરકતો CCTV કેમેરામાં કેદ થઈ હોવાનું વાતો વહેતી કરાઈ હતી. તમામ વાતો ખોટી હોવાનું અને પોલીસને ગુમરાહ કરવાનું કામ કર્યું હોવાનું પોલીસ માની રહી છે.
ફોરેસ્ટ અધિકારીએ જ પોલીસને ગુમ થયાની જાણ કરી હતી
ફોરેસ્ટ વિભાગમાં ACF તરીકે ફરજ બજાવતા શૈલેષ ખાંભલા તળાજા રોડ પર કાચના મંદિર પાસે આવેલી ફોરેસ્ટ કોલોનીમાં પોતાને ફાળવાયેલા ક્વાર્ટરમાં રહેતા હતા. જ્યારે તેના પત્ની નયનાબેન, પુત્રી પૃથા અને પુત્ર ભવ્ય સુરતમાં સંયુક્ત પરિવારમાં રહેતા હતા. દિવાળી વેકેશન હોય નયનાબેન બંને સંતાનોને લઈ ભાવનગર પતિ શૈલેષ પાસે આવ્યા હતા. 5મી નવેમ્બરે નયનાબેન અને બંને સંતાનો સુરત જવા નીકળ્યા હતા. પરંતુ, સુરત ન પહોંચતા શૈલેષ ખાંભલા દ્વારા જ ભાવનગર પોલીસને ગુમ થયાની જાણ કરવામાં આવી હતી. પતિ દ્વારા નયનાબેનના પિયરપક્ષના લોકોને પણ જાણ કરતા તેઓ પણ ભાવનગર આવ્યા હતા અને સમાજના અન્ય લોકો સાથે મળી પોલીસને રજૂઆત કરી હતી.
ભાવનગર પોલીસને એક બાતમી મળ્યા બાદ ત્રણેય લાશ મળી આવી
ભાવનગર પોલીસની ટીમ ત્રણેય મૃતકોને શોધવા માટે અલગ અલગ દિશામાં તપાસ કરી રહી હતી. ત્યારે પોલીસને 15મી નવેમ્બરે એક બાતમી મળી હતી કે, જે ત્રણ લોકો ગુમ થયા છે તેના બંગલાની નજીક જ થોડા દિવસ પહેલા શંકાસ્પદ રીતે ખાડો ખોદવામાં આવ્યો હતો અને બાદમાં પૂરી દેવામાં આવ્યો છે. સવાર પડતા જ પોલીસ જેસીબી, ડોગ સ્કવોડ અને એફએસએલની ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચી હતી.