આમ આદમી પાર્ટી (AAP) ના સીનિયર નેતા અને દિલ્હી સરકારના પૂર્વ મંત્રી સત્યેન્દ્ર જૈન ફરી એકવાર કાનૂની મુશ્કેલીઓમાં ઘેરાયા છે. એન્ટી કરપ્શન બ્યુરો (ACB) દ્વારા સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટના ટેન્ડરોમાં કથિત ગેરરીતિના ગંભીર આરોપસર સત્યેન્દ્ર જૈન સહિત કુલ ૬ લોકોની ધરપકડ કરવામાં આવી છે.
દિલ્હીની આમ આદમી પાર્ટીની સરકારમાં મંત્રી રહી ચૂકેલા સત્યેન્દ્ર જૈન સામે એન્ટી કરપ્શન બ્યુરો (ACB) એ મોટી કાર્યવાહી કરી છે. સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટના ટેન્ડર પ્રક્રિયામાં મનસ્વી રીતે ગેરરીતિ આચરીને ચોક્કસ કંપનીને આર્થિક ફાયદો પહોંચાડવાના કેસમાં ACBએ મંગળવારે સત્યેન્દ્ર જૈનની ધરપકડ કરી લીધી છે. જૈનની સાથે દિલ્હી જળ બોર્ડ (DJB) ના પૂર્વ CEO ઉદિત પ્રકાશ રાયની પણ ધરપકડ કરવામાં આવી છે.
ખાસ કંપનીને ફાયદો પહોંચાડવાનો આરોપ
ACB ની પ્રાથમિક તપાસ અને આરોપ મુજબ સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટના ટેન્ડરોની શરતો અને નિયમોમાં એવા ફેરફારો કરવામાં આવ્યા હતા જેથી એક જ ખાસ ખાનગી કંપનીને ટેન્ડર મળી શકે અને તેને સીધો ફાયદો થાય. તપાસ એજન્સીનો દાવો છે કે આ કૌભાંડ આચરવા માટે દિલ્હી જળ બોર્ડના પૂર્વ CEO ઉદિત પ્રકાશ રાયને આશરે ₹૧.૫૨ કરોડની લાંચ પણ આપવામાં આવી હતી. હાલ આ સમગ્ર મામલે ACB દ્વારા વધુ તપાસ તેજ કરવામાં આવી છે.
કેસમાં પકડાયેલા અન્ય આરોપીઓ
ACB દ્વારા સત્યેન્દ્ર જૈન અને ઉદિત પ્રકાશ રાય ઉપરાંત અન્ય ૪ લોકોની પણ ધરપકડ કરવામાં આવી છે. જેમાં દિલ્હી જળ બોર્ડના પૂર્વ કોન્ટ્રાક્ચ્યુઅલ કન્સલ્ટન્ટ અંકિત શ્રીવાસ્તવ તેમજ વિવિધ કંપનીઓના માલિકો નાગેન્દ્ર યાદવ, રાજા કુમાર કુર્રા અને પંકજ વર્માનો સમાવેશ થાય છે.
અગાઉ મની લોન્ડરિંગ કેસમાં જેલમાં રહ્યા હતા જૈન
અત્રે ઉલ્લેખનીય છે કે, સત્યેન્દ્ર જૈન મની લોન્ડરિંગના એક અન્ય કેસમાં અગાઉ ૨ વર્ષથી વધુ સમય જેલમાં વિતાવી ચૂક્યા છે. Enforcement Directorate (ED) દ્વારા ૩૦ મે ૨૦૨૨ના રોજ તેમની ધરપકડ કરવામાં આવી હતી અને આશરે ૮૭૨ દિવસ જેલમાં રહ્યા બાદ ૧૮ ઓક્ટોબર ૨૦૨૪ના રોજ દિલ્હીની અદાલતે તેમને જામીન આપ્યા હતા. જેલમાંથી બહાર આવ્યાના સમયગાળા બાદ હવે ટેન્ડર ગેરરીતિ કેસમાં ફરી એકવાર તેમની ધરપકડ થતાં રાજકીય વર્તુળોમાં ગરમાવો આવી ગયો છે.