ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના પૂર્વ ધારાસભ્ય અને ભાજપના પૂર્વ સંસદીય સચિવ જેઠા દાના સોલંકીએ વિધિવત રીતે આજે કોંગ્રેસમાં ઘરવાપસી કરી લીધી છે. રાજકોટ ખાતે યોજાયેલી કોંગ્રેસની સૌરાષ્ટ્ર ઝોનની મહત્ત્વની બેઠકમાં પ્રદેશ કોંગ્રેસ પ્રભારી રણદીપ સુરજેવાલાએ તેમને કોંગ્રેસનો ખેસ પહેરાવીને પાર્ટીમાં આવકાર્યા હતા. આ પ્રસંગે જેઠાભાઈએ ભાજપના નેતાઓ દિનુ બોઘા સોલંકી અને શિવા સોલંકીના ત્રાસથી કોડીનારની જનતા ત્રાહિમામ પોકારી ગઈ હોવાનો સંતોષ વ્યક્ત કરતાં ગંભીર આક્ષેપો કર્યા હતા.
કોંગ્રેસમાં જોડાયેલા જેઠા સોલંકીએ જણાવ્યું હતું કે, કોડીનાર તાલુકાના લોકોની લાગણી હતી કે, હું કોંગ્રેસમાં જોડાવ. આથી હું આજે કોંગ્રેસમાં જોડાયો છું. અમારે કોડીનારમાં અસમાજિક તત્વોનું રાજ ચાલે છે. આવા લોકોના ત્રાસને કારણે નાના અને ગરીબ લોકોના કામ થતા નથી. એટલે મેં ભાજપ છોડી દીધો હતો. દિનુભાઈ બોઘાભાઈ સોલંકીનો ત્રાસ કોડીનારમાં બહુ હોવાથી લોકો નારાજ છે. તેમજ શિવાભાઈ સોલંકીનો પણ ત્રાસ છે. તેઓ મને હેરાન નથી કરતા પણ સમગ્ર કોડીનાર તાલુકાની જનતાને હેરાન કરે છે.
વધુમાં જણાવ્યું હતું કે, ચૂંટણી માટે કોઈ આયોજન નથી. હું 1988થી જાહેર જીવનમાં છું. કોંગ્રેસમાં પાયાનો કાર્યકર છું. તમામ લોકો સાથે જમીન સાથે જોડાયેલો છું. મંત્રી હોવા છતાં બધા કામ આ બંને ભાઈઓ જ કરે છે. ખેડૂતોની મુશ્કેલી, બિયારણ અને ખાતરના ભાવમાં વધારો થાય છે. અમારા પૂર્વ વડીલોએ સંસ્થા ઉભી કરી હતી તે આ આવા લોકોના કહેવાથી ચાલે છે. મારો રાજકીય જન્મ 1981માં થયો હતો. હું છ ચૂંટણી જીત્યો પણ તેમાં અમારા મત વિસ્તારના લોકોએ મને ખૂબ સાથ આપ્યો છે.
રાજકોટના હેમુ ગઢવી હોલ ખાતે આજે કોંગ્રેસ પક્ષની સૌરાષ્ટ્ર ઝોનની એક ખાસ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ, પ્રભારી રણદીપ સુરજેવાલા, અમિત ચાવડા, સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા, સૌરાષ્ટ્ર ઝોનના ઈન્ચાર્જ, પૂર્વ પ્રદેશ પ્રમુખો, પૂર્વ સાંસદો સહિત સૌરાષ્ટ્રભરના કોંગ્રેસના તમામ સિનિયર નેતાઓ અને આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. બેઠકની શરૂઆતમાં જ જેઠા સોલંકીનું કોંગ્રેસમાં વિધિવત રીતે પુનઃસ્વાગત કરવામાં આવ્યું હતું, જેનાથી સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.
ઉલ્લેખનીય છે કે, જેઠા સોલંકી અગાઉ ભાજપમાં જોડાયા હતા અને વર્ષ ૨૦૧૨ની વિધાનસભા ચૂંટણીમાં વિજેતા બનીને કોડીનારના ધારાસભ્ય બન્યા હતા. આ ઉપરાંત તેમણે સંસદીય સચિવ તરીકે પણ મહત્વની જવાબદારી નિભાવી હતી. જોકે, પક્ષ સાથેના મતભેદોને કારણે તેમણે વર્ષ ૨૦૧૭માં ભાજપના ધારાસભ્ય પદ તેમજ તમામ હોદ્દા પરથી રાજીનામું આપી દીધું હતું. ત્યારથી જ તેઓ કોંગ્રેસમાં જોડાશે તેવી અટકળો ચાલી રહી હતી, જેનો આજે અંત આવ્યો છે.