BREAKING NEWS

લગ્નની સીઝન પહેલાં રાહતઃ 1 મહિનામાં સોનું 17,000 અને ચાંદી રૂ. 48,000 સસ્તી, જાણો ભાવ ઘડાટા પાછળના કારણો

  • November 19, 2026 11:41 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


લગ્નની સીઝન શરૂ થાય તે પહેલાં સોના અને ચાંદીના ઘરેણાં ખરીદવા ઇચ્છતા ગ્રાહકો માટે મોટા રાહતના સમાચાર સામે આવ્યા છે. છેલ્લા એક મહિનામાં સોનાના ભાવમાં રૂ.17,000 સુધીનો નોંધપાત્ર ઘટાડો થયો છે, જ્યારે ચાંદીના ભાવ પણ રૂ.48,000 સુધી ગગડ્યા છે. આ સતત ઘટાડાને કારણે સોનું અને ચાંદી છેલ્લા 14 મહિનાના સૌથી નીચલા સ્તરે પહોંચી ગયા છે, જેનાથી ગ્રાહકોને ફાયદો થયો છે પરંતુ રોકાણકારોને મોટો ફટકો પડ્યો છે.   


આંતરરાષ્ટ્રીય બજારોમાં પણ સોના અને ચાંદીના ભાવ સપ્ટેમ્બર 2025 પછીના સૌથી નીચા સ્તરે આવી ગયા છે. તેની સીધી અસર ભારતના વાયદા બજાર એટલે કે એમસીએક્સ પર જોવા મળી છે. ગઈકાલે એમસીએક્સ પર 24 કેરેટ સોનું રૂ.3,200 તૂટીને પ્રતિ 10 ગ્રામ રૂ.1.30 લાખની આસપાસ આવી ગયું હતું. એક મહિના પહેલાં એટલે કે 18 ઓક્ટોબરના રોજ સોનાનો ભાવ રૂ.1,48,300 હતો, જે 18 નવેમ્બર સુધીમાં ઘટીને રૂ.1,31,164ના સ્તરે પહોંચ્યો છે. આમ, માત્ર એક મહિનામાં સોનું રૂ.17,000 જેટલું સસ્તું થયું છે.   


દેશના સ્થાનિક સરાફા બજારોમાં પણ બુધવારે સોનાના ભાવમાં આશરે રૂ.3,000નો ઘટાડો નોંધાયો હતો. બીજી તરફ, ચાંદીના ભાવમાં પણ મોટો કડાકો બોલ્યો છે. પ્રતિ કિલો ચાંદી રૂ.7,000 ઘટીને રૂ.1.62 લાખના સ્તરે આવી ગઈ છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ચાંદી 3.5 ટકા તૂટીને 45 ડોલર પ્રતિ ઔંસ પર આવી છે, જ્યારે સોનું 3,780 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ રહ્યું છે. જો ઓલ-ટાઇમ હાઈ સાથે સરખામણી કરીએ તો સોનું તેના રૂ.1.84 લાખના સર્વોચ્ચ સ્તરથી રૂ.48,000 સસ્તું થયું છે, જ્યારે ચાંદી રૂ.4.20 લાખ પ્રતિ કિલોના રેકોર્ડ હાઈથી રૂ.2.59 લાખ જેટલી ગગડી છે.   


જુદા જુદા શહેરોમાં સોનાના ભાવ પર નજર કરીએ તો આઈબીજેએ મુજબ 10 ગ્રામ સોનાના દરમાં તફાવત જોવા મળે છે. જયપુરમાં 24 કેરેટ સોનાનો ભાવ રૂ.1,35,500 અને 22 કેરેટનો ભાવ રૂ.1,25,800 નોંધાયો છે. ઇન્દોરમાં 24 કેરેટ સોનું રૂ.1,30,900 અને 22 કેરેટ સોનું રૂ.1,20,000 છે. નવી દિલ્હીમાં 24 કેરેટનો ભાવ રૂ.1,36,190 તથા 22 કેરેટનો ભાવ રૂ.1,24,840 છે, જ્યારે ઓલ ઇન્ડિયા ધોરણે 24 કેરેટનો ભાવ રૂ.1,31,164 અને 22 કેરેટનો ભાવ રૂ.1,20,459 છે. નોંધનીય છે કે આ ભાવમાં ત્રણ ટકા જીએસટી સામેલ નથી.   


સોના અને ચાંદીમાં આવેલા આ મોટા ઘટાડા પાછળ અનેક વૈશ્વિક અને આર્થિક કારણો જવાબદાર માનવામાં આવે છે. સૌથી મુખ્ય કારણ મજબૂત ડોલર છે. ડોલર ઇન્ડેક્સ 103.6ની આસપાસ પહોંચ્યો છે અને છેલ્લા ત્રણ મહિનામાં તેમાં પાંચ ટકાનો વધારો થયો છે. આ ઉપરાંત વ્યાજ દરો અંગેની અનિશ્ચિતતા પણ કારણભૂત છે, કારણ કે ફેડ દ્વારા વ્યાજ દરો વધારવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.   


બોન્ડ યીલ્ડમાં વધારો થવો પણ સોના માટે દબાણ ઊભું કરી રહ્યું છે. અમેરિકી ટ્રેઝરી યીલ્ડ 5.2 ટકાથી ઉપર રહેતા રોકાણકારોનો ઝુકાવ બોન્ડ તરફ વધી રહ્યો છે. સાથે જ ઔદ્યોગિક માંગમાં ઘટાડાની આશંકા પણ ચાંદીના ભાવ ઘટવા પાછળનું એક કારણ છે, જેમાં ચાંદીની માંગ પાંચ ટકા જેટલી ઘટવાની સંભાવના દર્શાવવામાં આવી છે. એકંદરે, લગ્નગાળા પહેલાં ઘટેલા આ ભાવ ઘરેણાં ખરીદનારા પરિવારો માટે આનંદદાયક સાબિત થઈ રહ્યા છે.   



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application