BREAKING NEWS

શાપરમાં શ્રમિક યુવકની તીક્ષ્ણ હથિયાર ઘા ઝીંકી હત્યા: છત ઉપરથી લોહી નીતરતી હાલતમાં લાશ મળી

  • November 19, 2026 11:13 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટના શાપર(વેરાવળ)માં આવેલા સુહાની એન્જીનીયરીંગ નામના કારખાનાની છત ઉપર શ્રમિક યુવકને તીક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા નિપજાવવામાં આવતા ચકચાર મચી જવા પામી છે. યુવકના કાન અને નાકમાંથી લોહી નીકળેલો મૃતદેહ મળી આવતા આસપાસના લોકોના ટોળા એકઠા થયા હતા બનાવની જાણ પોલીસને કરવામાં આવતા શાપર પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલમા ખસેડી તપાસ હાથ ધરી હતી. યુવકની હત્યા નિપજાવનાર પરપ્રાંતીય ધીરજ નામના શખસને પોલીસે ઝડપી લઈ પુછપરછ હાથ ધરી છે.


બનાવની પ્રાપ્ત વિગત મુજબ મૂળ બિહારનો અને હાલમાં શાપરમાં આવેલા કારખાનામાં કામ કરી ભાડાની ઓરડીમાં રહેતો ગુડુ બાલક મહંતો (ઉ.વ.28)ની લાશ સુહાની એન્જીનીયરીંગ નામના કારખાનાની છત ઉપરથી લોહી નીતરતી હાલતમાં મળી આવતા કારખાનામાં કામ કરતા શ્રમિકો અને આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા અને બનાવની પોલીસને જાણ કરતા શાપર પોલીસ ઘટના સ્થળે પહોંચી યુવકના મૃતદેહને પ્રથમ શાપર અને ત્યાંથી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડી જરૂરી કાર્યવાહી કરી હતી.


મૃતક મૂળ બિહારનો વતની હતો અને પાંચ ભાઇમાં બીજા નંબરે હતો, સંતાનમાં એક પુત્રી અને બે પુત્ર છે, ગઈકાલે બિહારના જ વતની ધીરજ ભલન તાંતી સાથે કોઈ કારણોસર માથાકૂટ થતા બંને વચ્ચે ઝપાઝપી થઇ હતી દરમિયાન ધીરજે ઉશ્કેરાઈ જઈ ધોકાના ઘા ગુડુને આડેધડ મારતા ત્યાંજ ઢળી પડ્યો હતો. ઝગડા દરમિયાન ધીરજને પણ ઇજા થઇ હતી. બનાવ અંગે શાપર પોલીસે મૃતકના કૌટુંબિક ભાઈ બહાદુર સુભાષ મહંતોની ફરિયાદના આધારે ધીરજ તાંતી વિરુધ્ધ હત્યાનો ગુનો નોંધી ગણતરીની કલાકોમાં જ સંકજામાં લઈ આગળની તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application