અમરેલી લેટરકાંડના ચકચારભર્યા મામલામાં નેશનલ હ્યુમન રાઇટ્સ કમિશન દ્વારા પીડિતા પાયલ ગોટીની તરફેણમાં એક મોટો અને સીમાચિહ્નરૂપ ચુકાદો આપવામાં આવ્યો છે. ગેરકાયદેસર રીતે ધરપકડ કરી અને જાહેરમાં વરઘડો કાઢીને માનવ અધિકારોનું ઉલ્લંઘન કરવા બદલ હ્યુમન રાઈટ કમિશન દ્વારા ગુજરાત સરકારને પીડિતાને સાડા સાત લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો સખત આદેશ કર્યો છે.
આ પ્રકરણની વિગતો મુજબ, નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી ખાતે ગતરોજ માનવ અધિકારોના રક્ષણ માટે હ્યુમન રાઇટ્સ કમિશનનું વિશેષ કેમ્પ (ઓપર હિયરિંગ) યોજવામાં આવ્યું હતું. જેમાં ૨૯ ડિસેમ્બર ૨૦૨૪ના રોજ બનેલી અમરેલી લેટરકાંડની ઘટનાને કેન્દ્રમાં રાખવામાં આવી હતી. તે સમયે સ્થાનિક પોલીસ દ્વારા આરોપીઓનો જાહેરમાં વરઘડો કાઢવામાં આવ્યો હતો, જેમાં તે વખતે આરોપી તરીકે દર્શાવવામાં આવેલા પાયલ ગોટીને પણ અન્યાયી રીતે સંડોવી તેમનો વરઘડો કાઢવામાં આવ્યો હતો. કાયદાની સ્થાપિત પ્રક્રિયા અને નિયમોને નેવે મૂકીને કરવામાં આવેલી આ કાર્યવાહીથી તેમના મૂળભૂત માનવ અધિકારોનું સીધું હનન થયું હતું.
આ ગંભીર બાબતને ધ્યાને લઈને એડવોકેટ બ્રિજ શેઠ દ્વારા માનવ અધિકાર આયોગ સમક્ષ સત્તાવાર ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આ કેસની સુનાવણી દરમિયાન પાયલ ગોટી તરફથી હાજર રહેલા એડવોકેટ બ્રિજ શેઠે રજૂઆત કરી હતી કે અડધી રાત્રે કોઈપણ પ્રકારના સમન્સ કે નોટિસ આપ્યા વિના મહિલાની ગેરકાયદેસર ધરપકડ કરવામાં આવી હતી અને ત્યારબાદ જાહેરમાં તેમનો વરઘડો કાઢીને સામાજિક માનહાનિ કરવામાં આવી હતી. કાયદાકીય પ્રક્રિયાના પાલન વિના થયેલી આ કાર્યવાહીથી પીડિતાના અધિકારોનું ગંભીર ઉલ્લંઘન થયું છે, જેથી તેમને યોગ્ય ન્યાય અને આર્થિક વળતર મળવું અનિવાર્ય છે.
સામે પક્ષે અમરેલી પોલીસ દ્વારા એવી દલીલ કરવામાં આવી હતી કે આ મામલે જવાબદાર અધિકારીઓ સામે ખાતાકીય તપાસ હાથ ધરવામાં આવી છે અને કસૂરવાર અધિકારીઓને બરતરફ કે બદલી કરવાની શિસ્તભંગની કાર્યવાહી પણ કરાઈ છે.
બનાવના બંને પક્ષોની દલીલો અને પીડિતાના વકીલની લેખિત રજૂઆતોને ધ્યાનપૂર્વક સાંભળ્યા બાદ, માનવ અધિકાર આયોગ એ સ્પષ્ટપ કહ્યું હતું કે ધરપકડ વખતે કાનૂની જોગવાઈઓનું યોગ્ય પાલન કરવામાં આવ્યું ન હતું, જે સ્પષ્ટપણે માનવ અધિકારોનો ભંગ છે. આથી, ગુજરાત સરકારે પીડિત પાયલ ગોટીને વળતર પેટે સાડા સાત લાખ રૂપિયા ચૂકવવા પડશે, અને આ અંગેનો લેખિત હુકમ ટૂંક સમયમાં જ જારી કરવામાં આવશે. માનવ અધિકારના આ કિસ્સાને એક મોટી જીત તરીકે જોવામાં આવી રહી છે.