BREAKING NEWS

સુરત પૂર માટે 550 કરોડનું રાહત પેકેજઃ 30 લાખ સુધીની લોન પર 3 વર્ષ 7% વ્યાજ સરકાર ભરશે, 1 વર્ષ માટે મ્યુનિ. વેરામાંથી મુક્તિ

  • July 15, 2026 03:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગત 6 જુલાઈના રોજ સુરત શહેરમાં પડેલા ભારે વરસાદ અને તેને પગલે સર્જાયેલી પૂરની ગંભીર સ્થિતિ બાદ રાજ્ય સરકાર દ્વારા અસરગ્રસ્તો માટે એક મોટું અને ઐતિહાસિક રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પત્રકાર પરિષદ યોજીને વેપારીઓ, લારી-ગલ્લા ધારકો અને સામાન્ય નાગરિકો માટે કરોડો રૂપિયાની આર્થિક મદદની જાહેરાત કરી છે.


નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીએ સ્વયં સુરત આવીને પરિસ્થિતિની સમીક્ષા કરી હતી અને તંત્રને તાત્કાલિક સર્વેના આદેશ આપ્યા હતા. પૂર બાદ શહેરમાં યુદ્ધના ધોરણે સફાઈ અભિયાન હાથ ધરાયું હતું, જેમાં 9,000 જેટલા સ્વચ્છતાકર્મીઓએ અવિરત કામગીરી કરીને શહેરને બેઠું કર્યું છે. રાહત કામગીરીના ભાગરૂપે અત્યાર સુધીમાં 19,000 નાગરિકોને કેશડોલ અને રોજગારી ગુમાવનાર 36,000 લોકોને આર્થિક સહાય ચૂકવી દેવામાં આવી છે.


સરકારે વીમો ન ધરાવતા વેપારીઓને નુકસાનીમાંથી બહાર લાવવા સીધી આર્થિક સહાયની જાહેરાત કરી છે. જેમાં લારી-રેકડી ધારકોને રૂ. 7,500, નાના કેબિન ધારકોને રૂ. 25,000, 50 ફૂટથી વધુની દુકાન ધરાવનારાઓને રૂ. 50,000 અને પાકી દુકાન ધરાવતા વેપારીઓને રૂ. 1 લાખની સહાય અપાશે. આ લાભ મેળવવા માટે જીએસટી રિટર્ન ભર્યું હોવું આવશ્યક છે.


આ ઉપરાંત, વેપારીઓનો વ્યવસાય ફરી ધમધમતો કરવા માટે લોન પર આગામી 3 વર્ષ સુધી 7% વ્યાજ સહાય સરકાર આપશે. ટર્નઓવરના આધારે રૂ. 20 લાખથી લઈને રૂ. 30 લાખ સુધીની લોન અને રૂ. 5 લાખથી રૂ. 10 લાખ સુધીની વ્યાજ સહાયની જોગવાઈ કરવામાં આવી છે. આ સમગ્ર પેકેજને કારણે રાજ્ય સરકારની તિજોરી પર આગામી 3 વર્ષમાં રૂ. 550 કરોડનું વધારાનું ભારણ આવશે.


જેમના વેપારના સ્થળે કે ઘરમાં પાણી ભરાયા છે, તેમને ફોટોગ્રાફી કે વીડિયોના પુરાવાને આધારે એક વર્ષ માટે મ્યુનિસિપલ વેરામાંથી મુક્તિ આપવામાં આવશે. આ અંગે કલેક્ટર દ્વારા ટૂંક સમયમાં માર્ગદર્શિકા જાહેર થશે. આ સાથે, જે વિસ્તારોમાં ઓછો વરસાદ થયો છે ત્યાં પશુઓ માટે ઘાસચારાની વ્યવસ્થા કરવા પણ કલેક્ટરોને સૂચના આપવામાં આવી છે. નાયબ મુખ્યમંત્રીએ ભગવાન જગન્નાથની રથયાત્રાની તૈયારીઓ પૂર્ણ થઈ હોવાનું જણાવી નાગરિકોને રથયાત્રાની શુભેચ્છાઓ પાઠવી હતી. આ નિર્ણયથી પૂરના મારથી પીડાતા વેપારીઓમાં રાહતની લાગણી પ્રસરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application