વિશ્વમાં ચાલી રહેલા યુદ્ધો, ઊર્જાના પુરવઠામાં વિક્ષેપ અને અલ નીનોની મજબૂત અસરને કારણે વર્ષ 2026માં વૈશ્વિક બજારમાં ચીજવસ્તુઓના ભાવમાં મોટો ઉછાળો આવવાની શક્યતા છે. વિશ્વ બેંક જૂથના તાજેતરના કોમોડિટી માર્કેટ્સ આઉટલુક મુજબ, આ વર્ષે વૈશ્વિક કોમોડિટીના ભાવમાં સરેરાશ 23 ટકાનો વધારો થઈ શકે છે. આ ભાવવધારા સાથે કોમોડિટીના ભાવ 2013 પછીના બીજા સૌથી ઊંચા સ્તરે પહોંચવાની શક્યતા છે. જોકે, 2027માં ભાવમાં સાત ટકાનો ઘટાડો થવાની આગાહી પણ કરવામાં આવી છે.
પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષની સૌથી વધુ અસર ઊર્જા બજાર પર જોવા મળી રહી છે. વૈશ્વિક તેલના ભંડારમાં ઘટાડો થતાં 2026માં ઊર્જાના ભાવમાં 32 ટકાનો વધારો થવાની શક્યતા છે. આ સાથે છેલ્લા ત્રણ વર્ષથી ભાવમાં જોવા મળતો ઘટાડાનો ટ્રેન્ડ પણ બદલાઈ શકે છે. બ્રેન્ટ ક્રૂડ ઓઇલનો સરેરાશ ભાવ 2025ના 69 ડોલર પ્રતિ બેરલથી વધીને 2026માં 91 ડોલર થવાની આગાહી છે. 2027માં તે ઘટીને 79 ડોલર પ્રતિ બેરલ થઈ શકે છે.
વિશ્વ બેંકના અંદાજ પ્રમાણે, 2026માં વૈશ્વિક ક્રૂડ ઓઇલના પુરવઠામાં 5.2 ટકા એટલે કે પ્રતિદિન 55 લાખ બેરલનો ઘટાડો થઈ શકે છે. વર્ષ 2020ની વૈશ્વિક મંદી સિવાય ચાર દાયકાથી વધુ સમયમાં આ સૌથી મોટો ઘટાડો બની શકે છે. બીજી તરફ, વૈશ્વિક તેલની માંગમાં પણ 2.5 ટકાનો ઘટાડો થવાની શક્યતા છે. તેમ છતાં પુરવઠામાં મોટો ઘટાડો થવાથી તેલના ભંડારમાંથી સતત જથ્થો વપરાઈ રહ્યો છે.
ડીઝલ અને વિમાનમાં વપરાતા ઇંધણની અછતને કારણે રિફાઇનિંગ ક્ષેત્ર પર પણ દબાણ વધ્યું છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને આંતરરાષ્ટ્રીય ઊર્જા એજન્સીના સભ્ય દેશોએ જાન્યુઆરી 2027 સુધીમાં તેલના અનામત ભંડારમાંથી 10 કરોડ બેરલ તેલ બજારમાં મૂકવા સંમતિ આપી છે. બીજી તરફ, હોર્મુઝની સામુદ્રધુનીમાંથી પુરવઠો મર્યાદિત થવાથી યુરોપમાં કુદરતી ગેસના ભાવ 2026માં લગભગ 60 ટકા વધી શકે છે.
ઊર્જા અને ખાતરના ઊંચા ભાવ, બ્લેક સી વિસ્તારમાં વેપારના વિક્ષેપો અને અલ નીનોની અસરને કારણે ખાદ્ય ચીજવસ્તુઓના ભાવમાં વધારો થવાની શક્યતા છે. વિશ્વ બેંકના અંદાજ મુજબ, 2026માં ખાદ્ય કોમોડિટીના ભાવ 10 ટકા અને 2027માં વધુ સાત ટકા વધી શકે છે. આમ, બે વર્ષમાં કુલ વધારો 18 ટકા સુધી પહોંચી શકે છે.
અનાજના ભાવમાં 2026 દરમિયાન 14 ટકા અને 2027માં વધુ નવ ટકાનો વધારો થવાની શક્યતા છે. અલ નીનોની અસરને કારણે ચોખા, પામ ઓઇલ, ખાંડ અને કોફીના ઉત્પાદન પર અસર પડી શકે છે. ખાસ કરીને દક્ષિણ-પૂર્વ એશિયામાં સૂકા હવામાનને કારણે ચોખા અને પામ ઓઇલના ભાવમાં વધારો થઈ શકે છે. વર્તમાન અલ નીનોની ઘટના 1950 પછીની સૌથી મજબૂત ઘટનાઓમાંની એક બની શકે છે.
જોકે, કોફી અને કોકોના ઉત્પાદનમાં અગાઉની બીમારીઓ તથા હવામાનને કારણે થયેલા ઘટાડા બાદ સુધારો થતાં પીણાંની કોમોડિટી કિંમતમાં 2026 દરમિયાન 24 ટકાનો ઘટાડો થવાની આગાહી છે.
આવા આર્થિક આંચકાઓનો સામનો કરવા માટે વિશ્વ બેંક જૂથે વિકાસશીલ અને ઊભરતાં અર્થતંત્રો માટે હાલનાં નાણાકીય સાધનો મારફતે 50થી 60 અબજ ડોલરની સહાય ઉપલબ્ધ કરાવી છે. આ રકમનો ઉપયોગ સામાજિક સુરક્ષા, સરકારી નાણાકીય ક્ષમતા અને આર્થિક સ્થિરતા મજબૂત કરવા માટે પ્રાથમિકતાના ધોરણે કરવામાં આવશે.
ધાતુઓના ભાવમાં ઐતિહાસિક ઉછાળો આવી શકે
ઔદ્યોગિક ધાતુઓના ભાવમાં પણ મોટો વધારો થવાની શક્યતા છે. એલ્યુમિનિયમ, તાંબું અને ટીન જેવી ધાતુઓના ભાવ નવી ઊંચાઈએ પહોંચ્યા છે. રિન્યુએબલ ઊર્જા, ઇલેક્ટ્રિક વાહનો અને ડેટા સેન્ટરની વધતી માંગ તથા પુરવઠામાં વિક્ષેપ તેના મુખ્ય કારણો છે. કિંમતી ધાતુઓના ભાવમાં પણ 2026માં 40 ટકાનો વધારો થવાનો અંદાજ છે. ભૌગોલિક રાજકીય અનિશ્ચિતતાને કારણે સોના, ચાંદી અને પ્લેટિનમની માંગ વધી રહી છે.
યુદ્ધ વધશે તો સ્થિતિ વધુ ગંભીર બની શકે
વિશ્વ બેંકે ચેતવણી આપી છે કે જો પશ્ચિમ એશિયામાં સંઘર્ષ ફરી તીવ્ર બને, રશિયાના માળખાગત ક્ષેત્રમાં વિક્ષેપ ચાલુ રહે અને અલ નીનોની અસર વધુ ગંભીર બને, તો 2027માં બ્રેન્ટ ક્રૂડનો ભાવ સરેરાશ 105 ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી શકે છે. ખાદ્ય ચીજવસ્તુઓના ભાવ 2022ના સ્તરને પણ વટાવી શકે છે, જેના કારણે વૈશ્વિક મોંઘવારી અને ખાદ્ય અસુરક્ષાનું જોખમ વધશે.