BREAKING NEWS

વાંકાનેરમાં પૌત્રીના પ્રેમ પ્રકરણમાં દાદાનું ઢીમ ઢાળી દેવાયું, યુવકના પિતા સહિતનાએ ધોકા-લાકડીથી હુમલો કરતા મોત

  • October 08, 2026 12:08 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વાંકાનેરના ખાનપર ગામે પૌત્રીને ભગાડી જનાર યુવકના પિતા સહિતના શખસોએ યુવતીના પરિવાર ઉપર લાકડી ધોકા વડે હુમલો કરતા હુમલામાં વૃધ્ધને માથાના ભાગે લાકડીનો ઘા લાગી જતા લોહી લુહાણ હાલતમાં સારવાર માટે વાંકાનેર અને ત્યાંથી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા તેનું મોત નીપજ્યું હતું. આથી બનાવ હત્યામાં પલટાયો હતો. ઘટનાની જાણ થતા વાંકાનેર તાલુકા પોલીસ દોડી ગઈ હતી અને મૃતકના પુત્રની ફરિયાદના આધારે આઠ સખ્સો સામે હત્યાનો ગુનો નોંધ્યો છે. બનાવના મૃતકના પુત્ર અને તેના ફઈના દીકરા ભાઈને પણ ઈજાઓ થતા પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. બનાવના પગલે પરિવારમાં ગમગીની છવાઈ છે.

હત્યાના બનાવની પ્રાપ્ત વિગત મુજબ વાંકાનેરના ખાનપર ગામે રહેતા સગરામભાઈ સામતભાઈ સરવૈયા (ઉ.વ.65)ના વૃધ્ધના મોટા દીકરાની પૌત્રી હેતલ ગામના કિશન દેવાભાઇ મકવાણા નામના યુવક સાથે ભાગી જતા વૃધ્ધ સગરામભાઈ તેનો પુત્ર હેમુભાઈ, સુરેશભાઈ, કૌટુંબિક ગોરધનભાઈ, જેસાભાઇ, મેઘાભાઈ, અને રઘાભાઈ ડાભી સહિતના ગઈકાલે રાત્રીના દશેક વાગ્યે કિશનના ઘરે ગયા હતા અને ત્યાં હાજર તેના પિતા સહિતનાને દીકરી ક્યાં છે એ બાબતે પૂછતાં કિશનના પિતા દેવાભાઈ તેના પુત્રો કિરણ, અને વિપુલ તેમજ રાજુ છનાભાઈ મકવાણા, મનસુખ છનાભાઈ મકવાણા, ભરત મનસુખભાઈ મકવાણા, વિરમ મનસુખભાઈ મકવાણા, જેમાં સોમાભાઈ મકવાણા (રહે-ખાનપર) બધા બોલાચાલી કરી ધોકા-લાકડીથી હુમલો કર્યો હતો. દરમિયાન કિશનના પિતા દેવાભાઇ અને રાજુએ વૃધ્ધને માથામાં લાકડીનો ઘા મારી દેતા વૃધ્ધ ત્યાંજ ઢળી પડ્યા હતા.. તેના પુત્ર હેમુ અને ફઈના દીકરા રઘાભાઈ સહિતના છોડાવવા વચ્ચે પડતા બધાને લાકડી અને હાથના કડા વડે મારમાર્યો હતો. ત્યાંથી સગરામભાઈને લોહી લુહાણ હાલતમાં ત્યાંથી પ્રથમ વાંકાનેર સરકારી હોસ્પિટલમાં અને ત્યાંથી 108 મારફતે રાજકોટ સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા પરંતુ બેભાન હાલતમાં જ દમ તોડી દીધો હતો. બનાવ અંગે વાંકાનેર પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ દોડી ગઈ હતી અને પોસ્ટમોર્ટમ કરાવી મૃતક યુવકના પુત્રની ફરિયાદ પરથી

દેવા ઉકાભાઇ મકવાણા તેના બંને પુત્રો કિરણ, વિપુલ, કૌટુંબિક રાજુ છનાભાઈ મકવાણા તેનો ભાઈ મનસુખ, મનસુખનો પુત્ર ભરત અને વિરમ તેમજ જેમાં સોમાભાઈ મકવાણા તમામ સામે બીએનએસની કલમ 103(1), 115(2), 189(2), 190,191(2), 191(3),352 સહિત હેઠળ ગુનો નોંધી ધરપકડની તજવીજ હાથ ધરી છે.

હત્યા થઇ એ વૃધ્ધના મોટા દીકરાની દીકરીના લગ્ન થઇ ગયા હતા પરંતુ ગામના કિશન મકવાણા સાથે પ્રેમ સબંધ હોવાથી તે પકડાઈ જતા છૂટાછેડા કરી નાખ્યા હતા જે બાદ ગઈકાલે હેતલ ઘરમાં જોવા ન મળતા આમ તેમ તપાસ કરી હતી પરંતુ કોઈ ભાળ ન મળતા કિશન સાથે ભાગી ગયાની જાણ થઇ હતી આથી પરિવારના સભ્યો બે ત્રણ વાર કિશનના ઘરે ગયા હતા પરંતુ ત્યાં કોઈ મળ્યું ન હતું, દરમિયાન કિશનના પિતા દેવાભાઇ રસ્તામાં મળતા તેને હેતલ વિશે પૂછ્યું હતું. પરંતુ કોઈ જવાબ આપ્યો નહતો આથી મૃતક સહિતના પરિવારના સભ્યો રાત્રીના દીકરી વિશેની વાતચીત કરવા માટે ગયા હતા દરમિયાન હુમલો કરતા બનાવ બન્યો હતો. આગળની કાર્યવાહી વાંકાનેર તાલુકા પોલીસે હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application