ગુજરાત હાઇકોર્ટે એક અત્યંત સંવેદનશીલ અને મહત્વપૂર્ણ ચુકાદો આપતા ૧૬ વર્ષ અને ૭ મહિનાની દુષ્કર્મ પીડિત સગીરાને તેના 22 અઠવાડિયાથી વધુ સમયના ગર્ભનો ગર્ભપાત કરાવવાની મંજૂરી આપી છે. અત્રે નોંધનીય છે કે, રાજ્યમાં છેલ્લા ૪૯ દિવસના ટૂંકા ગાળામાં એટલે કે ૯ જૂનથી ૨૮ જુલાઈ દરમિયાન હાઇકોર્ટ દ્વારા આ પ્રકારના ગર્ભપાતની મંજૂરી આપવામાં આવી હોય તેવો આ ૮મો કિસ્સો છે. આ મામલે સગીરા સાથે થયેલા દુષ્કર્મ સંબંધે જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ભારતીય ન્યાય સંહિતા (BNS) અને પોક્સો (POCSO) એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.
પીડિતાના પરિવારજનો દ્વારા હાઇકોર્ટમાં અરજી દાખલ કરીને રજૂઆત કરવામાં આવી હતી કે, આ ક્રૂર ઘટનાના કારણે સગીરા ભારે માનસિક અને શારીરિક આઘાતમાંથી પસાર થઈ રહી છે. તેના ભાવિ જીવન, શારીરિક સ્વાસ્થ્ય અને સામાજિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તેના ૨૨ અઠવાડિયાના ગર્ભનો પાત કરાવવો અત્યંત જરૂરી છે. અરજીની ગંભીરતાને ધ્યાને લઈને હાઇકોર્ટે G.M.E.R.S. મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ, જૂનાગઢને સગીરાની તાત્કાલિક મેડિકલ તપાસ કરીને અહેવાલ રજૂ કરવાનો આદેશ આપ્યો હતો.
હોસ્પિટલના નિષ્ણાત તબીબોની પેનલ દ્વારા સગીરાની તબીબી તપાસ કરવામાં આવી હતી. ડોક્ટરોની પેનલે હાઇકોર્ટ સમક્ષ પોતાનો સ્પષ્ટ અભિપ્રાય રજૂ કરતા જણાવ્યું હતું કે, સગીરા આશરે ૨૨ અઠવાડિયાનો ગર્ભ ધરાવે છે. જો આ તબક્કે ગર્ભપાત કરાવવામાં નહીં આવે, તો તેનાથી સગીરાના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર ગંભીર અને કાયમી વિપરીત અસરો પડી શકે છે. તેથી, સગીરાના સર્વાંગી હિતમાં ગર્ભપાત કરાવવો જ યોગ્ય છે.
તબીબી પેનલના રિપોર્ટ, સગીરાની સામાજિક સ્થિતિ અને તેના માનસિક ત્રાસને ધ્યાનમાં રાખીને હાઇકોર્ટે ગર્ભપાતની આકરી શરતો સાથે મંજૂરી આપી હતી. અદાલતે આદેશ કર્યો હતો કે, તબીબી ટીમે પીડિતાની શારીરિક-માનસિક સ્થિતિની પુનઃ ચકાસણી કરી, જો સર્જરી સંપૂર્ણપણે સુરક્ષિત જણાય તો જ તાત્કાલિક ધોરણે આ પ્રક્રિયા હાથ ધરવી અને તેના સ્વાસ્થ્યની યોગ્ય સંભાળ રાખવી. આ સર્જરી પીડિતા પોતાના જોખમે કરાવી રહી છે તે અંગેનું યોગ્ય બાંહેધરી પત્રક પણ રજૂ કરવાનું રહેશે.
વધુમાં, કાનૂની અને તપાસ પ્રક્રિયાને વેગ આપવા માટે હાઇકોર્ટે આદેશ આપ્યો છે કે તબીબોએ ગર્ભના પેશીઓના જરૂરી નમૂના વૈજ્ઞાનિક પદ્ધતિથી એકત્ર કરીને તપાસ અધિકારીને DNA ટેસ્ટિંગ માટે સોંપવાના રહેશે, જે આરોપી સામેના પુરાવા તરીકે ઉપયોગી બનશે. અદાલતે એક માનવતાવાદી ચુકાદો આપતા એવું પણ સ્પષ્ટ કર્યું છે કે, જો પ્રક્રિયા દરમિયાન બાળક જીવિત જન્મે, તો હોસ્પિટલે તેને શ્રેષ્ઠ તબીબી સારવાર પૂરી પાડવાની રહેશે. જો પીડિતા કે તેનું કુટુંબ બાળકની જવાબદારી લેવા તૈયાર ન હોય, તો રાજ્ય સરકાર અને તેની સંબંધિત એજન્સીઓએ જ્યુવેનાઇલ જસ્ટિસ એક્ટ હેઠળ તે બાળકની સંપૂર્ણ કાનૂની જવાબદારી અને સારસંભાળ સ્વીકારવાની રહેશે.