ગુજરાત હાઇકોર્ટ દ્વારા રાજ્યની ન્યાયિક વ્યવસ્થાને વધુ સુદ્રઢ, અસરકારક અને ઝડપી બનાવવાના ઉદ્દેશ્ય સાથે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાત હાઇકોર્ટના માનનીય મુખ્ય ન્યાયમૂર્તિ અને અન્ય ન્યાયાધીશો દ્વારા ડિસ્ટ્રિક્ટ જજ કેડરના વિભિન્ન ન્યાયિક જજોની બદલી, નિમણૂક અને બઢતી અંગેનું સત્તાવાર જાહેરનામું જાહેર કરવામાં આવ્યું છે. આ આદેશ અંતર્ગત સમગ્ર રાજ્યના વિવિધ જિલ્લાઓ અને સત્ર અદાલતોમાં કાર્યરત ન્યાયાધીશોની વ્યાપક સ્તરે ફેરબદલી કરવામાં આવી છે.
મુખ્ય બદલીઓ અને પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજોની નિમણૂક
આ જાહેરનામા મુજબ, રાજ્યના ન્યાયિક વહીવટને સુચારુ બનાવવા માટે મોટી સંખ્યામાં પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ અને એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજોની બદલીઓ કરવામાં આવી છે. આ મહત્વપૂર્ણ બદલીઓમાં રાજકોટના પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ જિતેન્દ્ર રમેશચંદ્ર શાહની ભરૂચ ખાતે બદલી કરવામાં આવી છે, સી.કે.ચૌહાણની પ્રિન્સિપલ ડીસ્ટ્રીકટ જજ, રાજકોટ તરીકે નિમણુંક કરવામાં આવી છે. જ્યારે ભરૂચના પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ રાજેશ કરમરસિંહ દેસાઈની અમરેલી ખાતે બદલી કરાઈ છે. આ ઉપરાંત ભાવનગરના પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ હનીફઅહમદ સિદ્દીકહુસૈન મુલિયાની પાટણ ખાતે અને અમરેલીના પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ મિસ રિઝવાના વિલાયતહુસૈન બુખારીની ભાવનગરના પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ તરીકે નિમણૂક કરવામાં આવી છે.
રજિસ્ટ્રાર જનરલ અને સિટી સિવિલ કોર્ટના વડાઓની ફેરબદલ
હાઇકોર્ટના વહીવટી માળખામાં પણ ચાવીરૂપ ફેરફારો જોવા મળ્યા છે. ગુજરાત હાઇકોર્ટના રજિસ્ટ્રાર જનરલ તરીકે કાર્યરત સંજયકુમાર ડાહ્યાલાલ સુથારની નિમણૂક અમદાવાદ સ્થિત પ્રિન્સિપાલ જજ, સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટ તરીકે કરવામાં આવી છે. જ્યારે અમદાવાદ સિટી સિવિલ કોર્ટના પ્રિન્સિપાલ જજ હેમાંગ રાજેન્દ્ર રાવળ હવે ગુજરાત હાઇકોર્ટના નવા રજિસ્ટ્રાર જનરલ તરીકેની જવાબદારી સંભાળશે. આ સાથે જ હાઇકોર્ટના રજિસ્ટ્રાર (રિક્રુટમેન્ટ) પ્રશાંત જૈનની બદલી આણંદના પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ તરીકે કરવામાં આવી છે.
સિવિલ જજ ની વાત કરીએ તો રાજ્યની તાબાની અદાલતોમાં 63 જજીસની આંતર જિલ્લા બદલી કરવામાં આવી છે અને એક જ કોર્ટમાં આંતરિક બદલીની વાત કરીએ તો અમદાવાદમાં 02, ભરૂચમાં 02, ભાવનગરમાં 01, દાહોદમાં 01, ગાંધીનગરમાં 01, કચ્છમાં 03, મહેસાણામાં 03, મોરબીમાં 01, રાજકોટમાં 06, સાબરકાંઠામાં 01, સુરતમાં 06 અને વડોદરામાં 02 સિવિલ જજની આંતરકોર્ટ બદલી કરવામાં આવી છે.
સિનિયર સિવિલ જજ ની વાત કરીએ તો 26 જજીસની આંતરિક જિલ્લા બદલી કરવામાં આવી છે. જ્યારે 79 જજને પ્રમોશન આપવામાં આવ્યું છે. એક જ કોર્ટમાં આંતરિક બદલીની વાત કરવામાં આવે તો અમદાવાદમાં 37, અરવલ્લીમાં 01, બનાસકાંઠામાં 05, ભાવનગરમાં 02, દાહોદમાં 02, દ્વારકામાં 02, ગાંધીનગર 04, ગીર સોમનાથ 01, જામનગરમાં 08, જુનાગઢ 03, કચ્છમાં 01 l, ખેડા 07, મહેસાણા 06, મોરબી 03, નર્મદા 02, પાટણ 01 અને પોરબંદરમાં 02, રાજકોટ 21 સાબરકાંઠા 05, સુરત 19, સુરેન્દ્રનગર 2, વડોદરા 21 અને વલસાડમાં 02 નો સમાવેશ થાય છે.
ડિસ્ટ્રિક્ટ જજમાં 67 ડિસ્ટ્રિક્ટ જજની આંતરિક જિલ્લા બદલી કરવામાં આવી છે. ઉપરાંત પ્રમોશન સાથે ટ્રાન્સફર કરાયું હોય તેવા 57 જજીસનો સમાવેશ થાય છે. જ્યારે 86 જજીસને એડિશનલ સેશન્સ અથવા સેશન્સથી સેશન્સ ડિવિઝન ખાતે મુકવામાં આવ્યા છે. જેમાં અમદાવાદમાં 09, અમરેલીમાં 02, આણંદમાં 04, અરવલ્લીમાં 01, બનાસકાંઠામાં 06, ભરૂચમાં 05, ભાવનગરમાં 03, બોટાદમાં 01, છોટા ઉદેપુરમાં 01, ગાંધીનગરમાં 04, જામનગરમાં 02, કચ્છમાં 08, ખેડામાં 01, મહેસાણામાં 05, મોરબીમાં 01, નવસારીમાં 01, પાટણમાં 02, રાજકોટમાં 08, સુરતમાં 17, સુરેન્દ્રનગરમાં 04, વડોદરામાં 11નો સમાવેશ થાય છે.


ન્યાયિક અધિકારીઓની બઢતી અને ફેમિલી કોર્ટમાં નિયુક્તિઓ
આ જાહેરનામામાં ૫૦% અને ૨૫% ક્વોટા હેઠળ સીનિયર સિવિલ જજ કેડરમાંથી ડિસ્ટ્રિક્ટ જજ કેડરમાં પ્રમોશન મેળવનાર ન્યાયિક અધિકારીઓની યાદી અને તેઓના નવા પદસ્થાપનની વિગતો પણ સામેલ છે. બઢતી મેળવનાર અધિકારીઓને રાજ્યની વિવિધ જિલ્લા અદાલતો, સિટી સિવિલ કોર્ટ અને ફેમિલી કોર્ટમાં એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ અને પ્રિન્સિપાલ જજ તરીકે મૂકવામાં આવ્યા છે. કૌટુંબિક વિવાદોના ઝડપી અને સંવેદનશીલ નિકાલ માટે પાટણ, સુરત, અમદાવાદ, અમરેલી, રાજકોટ, ખેડા (નડિયાદ), અને ગાંધીનગર સહિતના અનેક જિલ્લાઓમાં ફેમિલી કોર્ટના પ્રિન્સિપાલ જજ તરીકે અનુભવી અધિકારીઓની ભલામણ અને નિયુક્તિ કરવામાં આવી છે.
સેશન્સ જજ તરીકે ન્યાયાધીશોની નિમણૂક
ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, ૨૦૨૩ની કલમ ૮ ની પેટા-કલમ (૨) અને (૩) હેઠળ મળેલ સત્તાઓની રૂએ હાઇકોર્ટ દ્વારા સંબંધિત ન્યાયિક ક્ષેત્રો માટે ન્યાયાધીશોની 'સેશન્સ જજ' અને 'એડિશનલ સેશન્સ જજ' તરીકે સત્તાવાર નિયુક્તિની જોગવાઈ પણ આ જાહેરનામાના ભાગ-૩ માં કરવામાં આવી છે, જેથી ફોજદારી ન્યાય પ્રણાલી પણ સુચારુ રીતે કાર્યરત રહે.
હોદ્દો સંભાળવાની તારીખ અને 'ગ્રીન ઇનિશિયેટિવ':
હાઇકોર્ટના રજિસ્ટ્રાર જનરલ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે આ તમામ ન્યાયિક અધિકારીઓએ પોતાના નવા સ્થાને ચાર્જ સંભાળવાની અસરકારક તારીખ ૧૭ ઓગસ્ટ, ૨૦૨૬ રહેશે. કેવળ કેટલીક ચોક્કસ જગ્યાઓ પર ચાર્જ સંભાળવાની પ્રક્રિયા ગુજરાત સરકારના લીગલ ડિપાર્ટમેન્ટ દ્વારા બહાર પાડવામાં આવનારા આખરી નોટિફિકેશનને આધીન રહેશે.
વિશેષ નોંધનીય બાબત એ છે કે પર્યાવરણ સુરક્ષા અને કાગળનો વપરાશ ઘટાડવાના હેતુથી ગુજરાત હાઇકોર્ટ દ્વારા 'ગ્રીન ઇનિશિયેટિવ' અપનાવવામાં આવ્યું છે. આ પહેલ હેઠળ, ડિજિટલ હસ્તાક્ષરિત આ નોટિફિકેશનની માત્ર એક જ હાર્ડ કોપી કચેરીના રેકોર્ડ પર રાખવામાં આવશે, જ્યારે અન્ય તમામ સંબંધિત વિભાગો અને અધિકારીઓને સોફ્ટ કોપી (PDF) મારફતે જ આદેશો મોકલવામાં આવશે.