BREAKING NEWS

પ્રધાનમંત્રી ઓફીસના ડાયરેક્ટરે જામનગરના ગ્લોબલ ટ્રેડિશનલ મેડીસીન સેન્ટરની કામગીરીની સમીક્ષા કરી

  • August 07, 2026 12:34 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પ્રધાનમંત્રી ઓફીસના ડાયરેક્ટરે જામનગરના ગ્લોબલ ટ્રેડિશનલ મેડીસીન સેન્ટરની કામગીરીની સમીક્ષા કરી 

૨૦ એકરમાં રૂ.૨૬૯.૭૩ કરોડના ખર્ચે બની રહેલા જીટીએમસીનું કામ અંતિમ તબકકામાં

કલેકટર સહીતના અધિકારીઓ સાથે રહ્યા: ઉપલબ્ધ થનાર સુવિધાઓની માહીતી મેળવી

કોવિડની મહામારીમાં પરંપરાગત ચિકિત્સાનું મહત્વ સામે આવ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિઝન મુજબ વહુ અને ભારતના આયુષ મંત્રાલય દ્વારા જામનગર નજીક બની રહેલા હુ-ગ્લોબલ ટ્રેડિશનલ મેડિસીન સેન્ટર (જીટીએમસી)નું કામ પુરજોશમાં અને અંતિમ ચરણ તરફ જઈ રહ્યું છે. ગઇકાલે દિલ્હીથી આવેલા સિનિયર આઈએએસ અધિકારીએ સેન્ટરની મુલાકાત લીધી હતી. આ તકે ઈટ્રાના ડાયરેક્ટર સહિતના જીટીએમસીની કાર્યકારી ઓફીસના તજજ્ઞો સાથે રહ્યા હતા.

૩૫ એકરમાં ફેલાયેલા કેમ્પસ સાથેના આ સેન્ટરની પ્રગતિમાં રહેલી કામગીરીની સમીક્ષા માટે પી.એમ. ઓફીસના ડાયરેક્ટર સિનિયર આઈએએસ અધિકારી મંગેશ ઘડલીયાલ આવેલા હતા. તેઓએ ગોરધનપર ખાતેની જીટીએમસી સાઈટની મુલાકાત દરમ્યાન તજજ્ઞો અને ઈટ્રાના ડાયરેક્ટર ડો. તનુજા નેસરી પાસેથી વિગતો મેળવી હતી. ત્યારબાદ ઈસ્ટિટ્યુટ ફોર ટીચીંગ એન્ડ રિસર્ચ ઈન આયુર્વેદ (ઈટ્રા) સંસ્થાનના વિવિધ વિભાગો, હોસ્પિટલની સુવિધાનું પણ નીરીક્ષણ કર્યું હતું. સાથે સાથે વ્હુ-જીટીએમસીની કામચલાઉ કચેરી ખાતે  બેઠક કરી તજજ્ઞો પાસેથી વિગતો મેળવી હતી. ઉલ્લેખનિય છે કે, વિશ્ર્વ આરોગ્ય સંગઠન દ્વારા નિર્માણ પામી રહેલું જીટીએમસી વિશ્ર્વનું એકમાત્ર આઉટપોસ્ટ સ્ટેશન છે, જ્યાં સમગ્ર વિશ્ર્વમાં પ્રચલિત ૧૦૦થી વધુ પરંપરાગત ચિકિત્સા પદ્ધતિઓના સંશોધન અને અભ્યાસનું કાર્ય હાથ ધરવામાં આવશે.

ભારત સરકારના આયુષ મંત્રાલયના માર્ગદર્શન હેઠળ આઈટીઆરએ જામનગરના સહયોગથી આ મહત્ત્વાકાંક્ષી કેન્દ્રનું નિર્માણ કાર્ય પ્રગતિમાં છે. આશરે ૨૦ એકર વિસ્તારમાં વિકસાવવામાં આવી રહેલું જીટીએમસી સંપૂર્ણ આધુનિક સુવિધાઓથી સજ્જ હશે. કેમ્પસમાં અત્યાધુનિક કચેરી વ્યવસ્થા, ટ્રેડિશનલ મેડિસિન ગ્લોબલ લાયબ્રેરી, એક્સપિરિયન્સ ઝોન, વિશ્વભરની પરંપરાગત ચિકિત્સા પદ્ધતિઓને આવરી લેતી પ્રદર્શન ગેલેરી, અલ્ટ્રા-મોડર્ન ત્રણ ઓડિટોરિયમ, વિશાળ પાર્કિંગ, સોલાર સિસ્ટમ, સ્યુઅર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, હાઈ-સિક્યોરિટી સિસ્ટમ, કર્મચારી આવાસ તથા બાળકો માટે ડે-કેર જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે.આ તમામ સુવિધાઓ વિશે માહિતી અને કેન્દ્રની મુલાકાત લઈ પીએમઓના ડાયરેક્ટરએ લગત અધિકારીઓને જરૂરી સૂચનો કર્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application