હાલારના સાંસદ દ્વારા સૌની યોજના અંતર્ગત પાણી છોડવા મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત
જામનગર-દ્વારકા જિલ્લામાં ઓછા વરસાદ પડતાં પૂનમબેન માડમ દ્વારા ખેડૂતોના સિંચાઇ માટે પાણીની માંગ કરાઇ
જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચાલુ વર્ષે ઓછા વરસાદના કારણે ઉભી થયેલી પાણીની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, ખેડૂતો અને નાગરિકોના હિતમાં સૌની યોજના અંતર્ગત જરૂરી પાણી છોડવા અંગે જામનગર-દેવભૂમિ દ્વારકા લોકસભાના સાંસદ પૂનમબેન માડમે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને રજૂઆત કરી છે.
સાંસદ પૂનમબેન માડમે રજૂઆતમાં જણાવ્યું કે, ચાલુ ચોમાસામાં જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પર્યાપ્ત માત્રામાં વરસાદ નોંધાયો નથી, ઓછા વરસાદના કારણે ખેડૂતોને સિંચાઈ માટે પાણીની અછતનો સામનો કરવો પડી રહ્યો છે તેમજ આગામી દિવસોમાં પીવાના પાણીની વ્યવસ્થા અંગે પણ ચિંતા ઉભી થઈ શકે છે.
આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ખેડૂતોને રાહત મળે અને પાણીની સમસ્યાનું સમયસર નિરાકરણ આવે તે માટે સૌની યોજના અંતર્ગત જરૂરી પાણીનો જથ્થો છોડવામાં આવે તેવી માંગ સાંસદ પૂનમબેન માડમે મુખ્યમંત્રી સમક્ષ કરી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સમક્ષ કરાયેલી આ રજૂઆતમાં જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખેડૂતો તથા નાગરિકોના હિતને લક્ષમાં લઈ તાત્કાલિક યોગ્ય નિર્ણય લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.