દિલ્હીમાં મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને હટાવવાની માગ સાથે ચાલી રહેલા વિરોધ પ્રદર્શનોની અસર ગુજરાતમાં ન થાય તે માટે રાજ્યનું ગુપ્તચર તંત્ર (આઈ.બી) સક્રિય બન્યું છે. ગુજરાતમાં પણ કેટલાક યુવાનો વિરોધ પ્રદર્શન અને આંદોલનની તૈયારી કરી રહ્યા હોવાની ચર્ચાઓ વચ્ચે આઈ.બી દ્વારા વિવિધ સ્તરે માહિતી એકત્ર કરવાની કામગીરી તેજ કરવામાં આવી છે. સંભવિત બેઠકો, આંદોલનકારીઓની ગતિવિધિઓ અને સોશિયલ મીડિયા પરની પ્રવૃત્તિઓ પર નજર રાખવામાં આવી રહી છે.
છેલ્લા કેટલાક દિવસોથી દિલ્હી સહિત દેશનાં વિવિધ રાજ્યોમાં કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો દ્વારા મુખ્ય ચૂંટણી કમિશનરને હટાવવાની માગ સાથે વિરોધ પ્રદર્શનો કરવામાં આવી રહ્યાં છે. ગુજરાતમાં પણ આ મુદ્દે વિરોધ નોંધાવવાના પ્રયાસો થઈ રહ્યા હોવાનું જાણવા મળે છે. જોકે, પ્રદર્શનની મંજૂરી ન મળતાં કેટલાક લોકો દિલ્હી જઈને આંદોલનમાં જોડાવાનો પ્રયાસ કરી રહ્યા હોવાની માહિતી વચ્ચે પોલીસ દ્વારા કાયદાકીય જોગવાઈઓ મુજબ કાર્યવાહી કરવામાં આવી રહી છે.
આશરે એક દાયકા પહેલાં ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલને વ્યાપક સ્વરૂપ ધારણ કર્યું હતું. તે સમયે તંત્ર સામે ઊભા થયેલા પડકારોને ધ્યાનમાં રાખીને ફરી કોઈ મુદ્દે અચાનક મોટું જનઆંદોલન ઊભું ન થાય અને તેની જાણ તંત્રને મોડી પડે તેવી સ્થિતિ ટાળવા ગુપ્તચર તંત્રને સતર્ક રહેવા સૂચના અપાઈ હોવાનું સૂત્રો જણાવે છે.
આઈ.બી દ્વારા છેલ્લા અઢી દાયકામાં વિવિધ આંદોલનોમાં સક્રિય રહેલા નેતાઓ, કાર્યકરો અને સંગઠકોની વિગતો એકત્ર કરવામાં આવી રહી છે. આ લોકો હાલમાં કઈ પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા છે અને યુવાનોને માર્ગદર્શન આપી રહ્યા છે કે કેમ તેની પણ તપાસ થઈ રહી છે.
મહાનગરો ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં સક્રિય રહેલા આંદોલનકારીઓની વર્તમાન ગતિવિધિઓ અંગે પણ માહિતી મેળવાઈ રહી છે. ખાસ કરીને યુવા નેતાઓ અને જેન-ઝી સાથે જોડાયેલા કાર્યકરોની પ્રવૃત્તિઓ સમજવા પર ભાર મૂકાયો છે.
સોશિયલ મીડિયા પરની પોસ્ટ, આંદોલનને લગતી ચર્ચાઓ અને સંગઠનાત્મક ગતિવિધિઓ ઉપરાંત સંભવિત ગુપ્ત બેઠકો પર પણ નજર રાખવામાં આવી રહી છે. મહિલાઓ અને યુવતીઓમાં પ્રવર્તતા અસંતોષ તથા વિરોધના મુદ્દાઓ જાણવા મહિલા અધિકારીઓને પણ કામગીરી સોંપાઈ હોવાનું સૂત્રોનું કહેવું છે. આ સમગ્ર કવાયતના ભાગરૂપે વર્તમાન અને પૂર્વ આંદોલનકારી નેતાઓની પ્રોફાઇલ તૈયાર કરવામાં આવી રહી છે.