ગુજરાત યુનિવર્સિટી માટે ગર્વની ક્ષણ સામે આવી છે. યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (યુજીસી) દ્વારા ગુજરાત યુનિવર્સિટીને ‘ગ્રેડ-2 ઓટોનોમી’નો દરજ્જો સત્તાવાર રીતે પ્રદાન કરવામાં આવ્યો છે. આ અભૂતપૂર્વ સિદ્ધિ સાથે ગુજરાત યુનિવર્સિટી આ પ્રકારે સ્વાયત્તતા મેળવનારી રાજ્યની પ્રથમ સરકારી યુનિવર્સિટી બની ગઈ છે. રાજ્યના ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે આ એક ઐતિહાસિક માઈલસ્ટોન સાબિત થશે, જેનાથી સંસ્થાની શૈક્ષણિક અને પ્રશાસનિક ક્ષમતામાં અનેકગણો વધારો થશે.
ગુજરાત યુનિવર્સિટીના પ્રથમ મહિલા કુલપતિ રહી ચૂકેલા ડૉ. નિરાજા ગુપ્તા દ્વારા આ ઓટોનોમી માટે ખાસ દરખાસ્ત તૈયાર કરીને મોકલવામાં આવી હતી. જેને યુજીસી તરફથી મંજૂરી મળતા હવે યુનિવર્સિટી પોતાના સ્તરે મોટા અને સ્વતંત્ર શૈક્ષણિક નિર્ણયો લઈ શકશે. આ દરજ્જો મળવાથી યુનિવર્સિટી હવે પોતાના અદ્યતન સ્કિલ કોર્સીસ મુક્તપણે શરૂ કરી શકશે તેમજ વિદેશી ફેકલ્ટી (ફોરેન ફેકલ્ટી)ની પણ નિમણૂક કરી શકશે. આ ઉપરાંત, ઓફ કેમ્પસથી માંડીને પોતાના નવા શૈક્ષણિક પ્રોગ્રામ્સ પણ હવે સંપૂર્ણ સ્વાયત્તતા સાથે શરૂ કરી શકાશે.
શૈક્ષણિક સ્વાયત્તતા મળવાની સાથે જ યુનિવર્સિટી દ્વારા રાજ્ય બહાર જ નહીં પરંતુ દેશની સીમાઓ વટાવીને વિદેશમાં પણ પોતાનું પ્રથમ ઓફ કેમ્પસ સ્થાપવાની તૈયારીઓ ઝડપી બનાવી દેવામાં આવી છે. આફ્રિકા ખંડના યુગાન્ડા દેશમાં ગુજરાત યુનિવર્સિટીનું નવું કેમ્પસ શરૂ કરવા માટેની પ્રક્રિયા અગાઉ શરૂ કરવામાં આવી હતી. આ ભગીરથ પ્રોજેક્ટને કેન્દ્ર સરકારના ગૃહ વિભાગ દ્વારા પણ સત્તાવાર મંજૂરી આપી દેવામાં આવી ચૂકી છે. હાલમાં માત્ર સિક્યુરિટી ડિપોઝિટ અને અન્ય કેટલીક વહીવટી પ્રક્રિયાઓ જ બાકી રહી છે, જે ટૂંક સમયમાં પૂર્ણ કરી દેવાશે.
આ ઓટોનોમી મેળવવા માટે ગુજરાત યુનિવર્સિટીએ કેન્દ્ર સરકારના કઠોર શૈક્ષણિક ધોરણો અને માપદંડો સફળતાપૂર્વક પાર કર્યા છે. યુજીસીના નિયમો મુજબ ઓટોનોમી માટે નેકમાં ૩.૦ થી વધુ સ્કોર હોવો આવશ્યક હતો, જે શ્રેષ્ઠ સ્કોર યુનિવર્સિટી પાસે પહેલેથી જ ઉપલબ્ધ હતો. આ ઉપરાંત નેશનલ ઇન્સ્ટિટ્યૂશનલ રેન્કિંગ ફ્રેમવર્કના નેશનલ રેન્કિંગમાં પણ ઉચ્ચ સ્થાન હોવું જરૂરી છે. યુનિવર્સિટીને નેશનલ રેન્કિંગના ટોપ-૧૦૦માં પણ અગાઉ સ્થાન મળી ચૂક્યું છે, જેના આધારે જ યુજીસી દ્વારા આ મહત્ત્વપૂર્ણ સ્વાયત્તતા પ્રદાન કરવામાં આવી છે.
આગામી સમયમાં આ સ્વાયત્તતા મળવાના કારણે રાજ્યના વિદ્યાર્થીઓને આંતરરાષ્ટ્રીય સ્તરનું ગુણવત્તાસભર શિક્ષણ અને આધુનિક ડિગ્રી કોર્સીસ ઘરઆંગણે જ ઉપલબ્ધ બનશે. યુનિવર્સિટીના આ ક્રાંતિકારી અને દૂરંદેશી પગલાંથી ગુજરાતના યુવાનોને વૈશ્વિક સ્તરે સ્પર્ધા કરવા માટે પૂરતી આધુનિક તકો અને પ્લેટફોર્મ પ્રાપ્ત થશે.