ગુજરાતમાં હાલ ગરમીનો પારો આસમાને પહોંચ્યો છે, ત્યારે હવામાન વિભાગે રાજ્યના વાતાવરણમાં મોટા પલટાની આગાહી કરી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સક્રિયતાને કારણે આજથી 21 એપ્રિલ દરમિયાન સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના વિવિધ ભાગોમાં કમોસમી વરસાદ એટલે કે માવઠું પડવાની શક્યતા છે. આ વાતાવરણમાં ફેરફારને કારણે ગરમીથી તો થોડી રાહત મળશે, પરંતુ ખેડૂતો માટે ચિંતાના વાદળો ઘેરાયા છે.
તાપમાનમાં ઘટાડો અને વાદળછાયું વાતાવરણ
હાલમાં રાજ્યના અડધો ડઝનથી વધુ શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર કરી ગયું છે. જોકે, આગામી ત્રણ દિવસ દરમિયાન માવઠાની અસરને પગલે મહત્તમ તાપમાનમાં 2થી 4 ડિગ્રીનો ઘટાડો નોંધાઈ શકે છે. આજે શનિવારથી જ રાજ્યના અનેક શહેરોમાં વાદળછાયું વાતાવરણ સર્જાયું છે, જે ગરમીના પ્રકોપને થોડો અંકુશમાં રાખશે.
ક્યા દિવસે ક્યાં પડશે વરસાદ?
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, વરસાદી સિસ્ટમની અસર નીચે મુજબના જિલ્લાઓમાં જોવા મળશે
19 એપ્રિલ: અમરેલી, ભાવનગર, છોટા ઉદેપુર, દાહોદ અને મહીસાગર.
20 એપ્રિલ: તાપી, ડાંગ, અમરેલી અને ભાવનગર.
21 એપ્રિલ: અમરેલી, ભાવનગર, સુરત અને ભરૂચ.
હવામાનમાં ફેરફારનું કારણ
આ અણધાર્યા ફેરફાર માટે દક્ષિણ-પૂર્વ પાકિસ્તાન અને તેની આસપાસના રાજસ્થાન પર સર્જાયેલું 'અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન' જવાબદાર છે. આ સિસ્ટમને કારણે દરિયાઈ પવનો દ્વારા ભેજ જમીન તરફ ધકેલાઈ રહ્યો છે, જેને પગલે પ્રી-મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ છે.
2026નું ચોમાસું નબળું રહેવાની ભીતિ
માવઠાની આ આગાહી વચ્ચે ભારતીય હવામાન વિભાગ (IMD) એ વર્ષ 2026 ના ચોમાસા અંગે ચિંતાજનક સંકેતો આપ્યા છે. IMD મુજબ, આ વર્ષે દક્ષિણ-પશ્ચિમ ચોમાસું સામાન્ય કરતાં નબળું રહી શકે છે. જૂનથી સપ્ટેમ્બર દરમિયાન વરસાદ લોંગ પીરિયડ એવરેજ (LPA) ના 92 ટકા રહેવાનો અંદાજ છે, જે 'બિલો નોર્મલ' શ્રેણીમાં આવે છે.
અલ નીનોની અસર
હવામાન વિભાગે વધુમાં ચેતવણી આપી છે કે આ વર્ષે 'અલ નીનો' સક્રિય થવાની પ્રબળ શક્યતા છે. અલ નીનોની અસરને કારણે પેસિફિક મહાસાગરની સપાટી ગરમ થાય છે, જે સીધી રીતે ભારતીય ચોમાસાને નબળું પાડે છે. જો આમ થશે, તો રાજ્યમાં વરસાદની ભારે ખેંચ વર્તાઈ શકે છે, જે કૃષિ ક્ષેત્ર અને જળસ્તર માટે ચિંતાનો વિષય બની શકે છે.