કૌન બનેગા કરોડપતિના તાજેતરના એક એપિસોડમાં ગાંધીનગરનો ધોરણ પાંચનો વિદ્યાર્થી ઈશિત ભટ્ટ હોટ સીટ પર આવ્યો હતો. જ્યારે અમિતાભ બચ્ચને ઈશિતને પૂછ્યું કે તેને કેવું લાગી રહ્યું છે, તો તેણે કહ્યું 'હું ખૂબ ઉત્સાહિત છું, પણ આપણે સીધા મુદ્દા પર આવીએ. તમે મને ગેમના નિયમો સમજાવવા ન બેસતા, કારણ કે મને તેના તમામ નિયમો વિશે ખબર છે.
આ સાંભળીને અમિતાભ બચ્ચન સ્મિત કરીને આગળ વધ્યા અને રમતની શરૂઆત કરી. ઇશિતે અમિતાભ બચ્ચનને અન્ય પ્રશ્નો દરમિયાન ઘણી વખત અટકાવ્યા, જેનાથી તણાવપૂર્ણ વાતાવરણ સર્જાયું. અમિતાભ બચ્ચનના હાવભાવ બદલાયા, પરંતુ તેમણે ખૂબ જ શાંત અને સંયમથી પરિસ્થિતિને સંભાળી. બડાઈ મારવાના ચક્કરમાં ઇશિતે 'રામાયણ' વિશેના પ્રશ્નનો ખોટો જવાબ આપ્યો અને જીતની રકમ ગુમાવી દીધી. બાળકના આ વર્તનથી ઇન્ટરનેટ પર લોકોએ તેના પર નારાજગી વ્યક્ત કરી અને તેના સંસ્કારો પર સવાલો ઊઠવાના શરૂ થયા, જોકે આ રિયાલિટી શો છે, આથી એવું પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે આ રમૂજ માટે સ્ક્રિપ્ટનો એક ભાગ હોઈ શકે છે.
ભોજપુરી એક્ટ્રેસ રાની ચેટર્જીએ પણ બાળકની ટીકા કરી છે. તેણે પૂછ્યું, શું બાળકોને આ જ શિક્ષણની જરૂર છે? રાની ચેટર્જીએ તેમના સત્તાવાર સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ઇશિત ભટ્ટ પર પ્રહાર કરતાં લખ્યું, શું આ શિક્ષણ છે? દુઃખની વાત છે કે આ આપણી આગામી પેઢી છે. સારું છે, મારા ઘરનાં બાળકો મારી સાથે ખૂબ જ સારી રીતે વર્તે છે. તે જે કરી રહ્યો છે એનાથી મને શરમ આવે છે.