ગુજરાત રાજ્યના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા સમગ્ર ગુજરાત રાજ્યમાં એનાલોગ ડેરી ઉત્પાદનોના ઉત્પાદન, વેચાણ અને સંગ્રહ તેમજ પરિવહન ઉપર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂકવામાં આવેલ છે. જે અન્વયે રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય શાખાના ફૂડ વિભાગ દ્વારા રાજકોટ શહેરના તમામ ફૂડ બિઝનેસ ઓપરેટરો જેમકે રિટેલ, હોલસેલ વેચાણ કરતાં તેમજ હોટેલ, રેસ્ટોરન્ટ, કેટરર્સ અને કેન્ટીન કે ક્લાઉડ કિચન દ્વારા વાનગી બનાવવા માટે એનાલોગ ડેરી પ્રોડક્ટ્સનો ઉપયોગ ન કરવા આદેશ આપવામાં આવ્યો છે જે અંગે પણ તમામ ધંધાર્થીઓને કડક તાકીદ કરવામાં આવી રહી છે.
ફૂડ વિભાગ દ્વારા ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળ અને ગંદકી સામે કડક કાર્યવાહી અર્થે સર્વેલન્સ ચેકિંગ દરમિયાન કુલ મળી ૭૮ પેઢીની તપાસ કરવામાં આવેલ તેમજ કાર્યવાહી દરમિયાન કુલ ૧૧૩ કિલો અખાદ્ય-વાસી જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો.તપાસ દરમિયાન કુલ ૧૬ પેઢીને સ્ટોરેજ, લાઇસન્સ, હાઈજેનિક કન્ડિશન બાબતે નોટિસ આપવામાં આવેલ તેમજ કૂલ મળી રૂ.૨૧,૫૦૦નો વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્યો હતો. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ-૨૦૦૬ હેઠળ ચકાસણી માટે કુલ ચાર નમૂના લેવામાં આવ્યા હતા.
મ્યુનિ.અધિકારી વર્તુળોએ જાહેર કરેલી વિગતો મુજબ, કનૈયા ડેરી ફાર્મ, દિનદયાલ ઇન્ડસ્ટ્રીયલ એરીયા -૧, શેરી નં-૩, આજીડેમ ચોકડી પાસે મહીકા રોડ ખાતે હાઈજીનિક કન્ડિશન તથા લાયસન્સ બાબતે નોટીસ ફટકારી સ્થળ ઉપર સંગ્રહ કરેલ વાસી, પડતર માવાના પેંડા, કેસર પેંડા, મિક્સ પડતર મીઠાઈ, પડતર શ્રીખંડ નો કુલ મળી ૯૫ કિલો પડતર વાસી જથ્થો નાશ કરેલ તેમજ રૂ.પાંચ હજારનો દંડ વસુલી પેઢીમાંથી શુદ્ધ ઘી લુઝ તથા મોળો માવો લુઝના બે સેમ્પલ લેવામાં આવ્યા હતા.
આ ઉપરાંત જલારામ ઘી ડિપો, વિનાયક નગર, ઉદયનગર -મવડી મેઇન રોડ ખાતેથી બે પેક્ડ ઘી, નમિત બ્રાન્ડ કાઉ ઘી તેમજ શ્રીકાંત બ્રાન્ડ કાઉ ઘીના બે નમુના લેવામાં આવ્યા હતા.
જ્યારે વાહેગુરુ એન્ટરપ્રાઇઝ, સમજુપાર્ક પાસે, ૪૦નો રોડ, નવાગામ ખાતે યોગ્ય સ્ટોરેજ તથા લાયસન્સ અંગે નોટીસ આપી સ્થળ ઉપરથી ૧૫ કિલો અખાધ્ય ખોરાક નાશ કર્યો હતો તેમજ રૂ.૧૦ હજારનો દંડ વસુલ્યો હતો.
આ ઉપરાંત અન્ય નાની મોટી દુકાનોમાં ચેકીંગ કરીને અખાદ્ય તેમજ વાસી પદાર્થોનો નાશ કરી નોટિસ ફટકારવામાં આવી હતી તેમજ દુકાન દીઠ રૂ.૫૦૦નો દંડ વસૂલવામાં આવ્યો હતો.