BREAKING NEWS

રાજકોટમાં બી.ટી.સવાણી કિડની હોસ્પિટલની મુલાકાતે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયા: આરોગ્ય સુવિધાઓનું નિરીક્ષણ કરી દર્દીઓની પૃચ્છા કરી

  • October 01, 2026 08:08 PM 

ગુજરાતના આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યકક્ષાના મંત્રી પ્રફુલ પાનશેરીયાએ રાજકોટના યુનિવર્સિટી રોડ પર આવેલી બી.ટી.સવાણી કિડની હોસ્પિટલની સત્તાવાર મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે હોસ્પિટલ દ્વારા દર્દીઓને પૂરી પાડવામાં આવતી વિવિધ સુવિધાઓની ઝીણવટભરી સમીક્ષા કરી હતી. મંત્રીશ્રીએ હોસ્પિટલના ડાયાલિસિસ વિભાગ, રોબોટિક સર્જરી યુનિટ, ઓપરેશન થિયેટર, આઈસીયુ, કિડની ટ્રાન્સપ્લાન્ટ વિભાગ અને નિર્માણાધીન મલ્ટી ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ સેન્ટરનું પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યું હતું અને તબીબી ટીમ સાથે વાતચીત કરી હતી.

આ મુલાકાત દરમિયાન મંત્રીશ્રીએ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓની રૂબરૂ મુલાકાત લઈને તેમના સ્વાસ્થ્ય વિશે ખબરઅંતર પૂછ્યા હતા. તેમણે તબીબોને ઉપલબ્ધ સાધનો, દવાનો સ્ટોક અને સારવાર પદ્ધતિ બાબતે જરૂરી સૂચનો આપ્યા હતા. ત્યારબાદ હોસ્પિટલના ટ્રસ્ટીઓ અને તબીબી ટીમ સાથે યોજાયેલી બેઠકમાં સરકારી આરોગ્ય યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડવા અને ગુણવત્તાયુક્ત કિડની સારવાર ઉપલબ્ધ કરાવવા અંગે ચર્ચા કરવામાં આવી હતી.

મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY) હેઠળ દર્દીઓને ડાયાલિસિસ સહિતની તમામ જરૂરી તબીબી સારવાર વિનામૂલ્યે પૂરી પાડવામાં આવી રહી છે. તેમણે ઉમેર્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા નાગરિકના જન્મથી લઈને સમગ્ર જીવન દરમિયાન જરૂરી તબીબી સહાય મળી રહે તે માટે બજેટમાં પણ મોટું ભંડોળ ફાળવવામાં આવે છે. આ સાથે હોસ્પિટલ પરિસરમાં સ્વચ્છતા જાળવવા પર પણ ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો.


​​​​​​​રાજ્યની ઈમરજન્સી સેવાઓ અંગે વાત કરતાં મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં 108 ઈમરજન્સી સેવાની શરૂઆત માત્ર 14 એમ્બ્યુલન્સથી થઈ હતી. આજે આ સેવા વટવૃક્ષ બનીને અંદાજે 1500 એમ્બ્યુલન્સના વિશાળ નેટવર્ક સાથે સમગ્ર ગુજરાતમાં કાર્યરત છે. હાલમાં સરેરાશ દર 12.5 મિનિટે એક કોલ પ્રાપ્ત કરીને 108 ની ટીમ પીડિત સુધી ત્વરિત પહોંચે છે. આ પ્રસંગે ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા, જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી આર. આર. ફૂલમાળી તેમજ હોસ્પિટલના ચેરમેન નાનુભાઈ મકવાણા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application