BREAKING NEWS

ગુજરાતના ખેડૂતો માટે ખુશખબરઃ 3 સિસ્ટમ સક્રિય થતાં ત્રણ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં એલર્ટ આપવામાં આવ્યું

  • September 09, 2026 04:33 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજ્યમાં છેલ્લા એક મહિનાથી નોંધપાત્ર વરસાદ ન વરસવાના કારણે ખેડૂતો અને સરકાર બંનેની ચિંતામાં મોટો વધારો થયો છે. રાજ્યના 23 જેટલા જિલ્લાઓમાં સામાન્ય કરતાં વરસાદની મોટી ઘટ વર્તાઈ રહી છે. આ પરિસ્થિતિ વચ્ચે હવામાન વિભાગ તરફથી રાહતના સમાચાર આવ્યા છે. રાજ્ય અને તેની આસપાસના વિસ્તારોમાં એકસાથે ત્રણ અલગ-અલગ હવામાન સિસ્ટમ સક્રિય થવાને કારણે 12થી 14 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદની સત્તાવાર આગાહી કરવામાં આવી છે. ભૂતકાળમાં પણ ભાદરવા મહિનામાં સારો વરસાદ નોંધાયો હોવાથી આ વર્ષે પણ પાકને જીવનદાન મળે તેવી આશા સેવાઈ રહી છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, બંગાળની ખાડી અને બાંગ્લાદેશ પાસે એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે, જે 10મી તારીખ સુધીમાં લો પ્રેશર સિસ્ટમમાં પરિવર્તિત થવાની શક્યતા છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર વિસ્તાર પર પણ એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે અને સાથે મોન્સૂન ટ્રફ પણ પસાર થઈ રહ્યો છે. આ ત્રણેય હવામાન સિસ્ટમની સંયુક્ત અસરના ભાગરૂપે 12થી 14 સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.

રાજ્યમાં હાલની પરિસ્થિતિની વાત કરીએ તો સરેરાશ સરખામણીમાં 19 ટકા વરસાદની તંગી નોંધાઈ છે. અત્યાર સુધીમાં મોસમનો કુલ સરેરાશ 75.62 ટકા વરસાદ વરસ્યો છે. ઝોનવાઈઝ આંકડા જોઈએ તો દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ સરેરાશ સામે 104 ટકા અને પૂર્વ-મધ્ય ગુજરાતમાં 75 ટકા વરસાદ નોંધાયો છે. બીજી તરફ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં સરેરાશ સામે માત્ર 56 ટકા, જ્યારે કચ્છ ઝોનમાં સૌથી ઓછો માત્ર 29 ટકા વરસાદ જ વરસ્યો છે. રાજ્યના 23 જિલ્લાઓમાં 1 ટકાથી લઈને 89 ટકા સુધીની વરસાદી ઘટ સામે આવી છે.

હવામાન વિભાગની આગાહી મુજબ, 12 સપ્ટેમ્બરના રોજ દક્ષિણ ગુજરાતના વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લાઓમાં યલો એલર્ટ સાથે ભારે વરસાદની શક્યતા છે. 13 સપ્ટેમ્બરે વરસાદનો વ્યાપ વધશે અને અમદાવાદ, રાજકોટ, બોટાદ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, આણંદ, પંચમહાલ, દાહોદ સહિત દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરાયું છે.

જ્યારે 14 સપ્ટેમ્બરના રોજ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારો જેવા કે દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, પોરબંદર, રાજકોટ, બોટાદ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, ભરૂચ, સુરત, નવસારી, તાપી, ડાંગ અને વલસાડમાં ભારે વરસાદ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ વરસાદી રાઉન્ડથી સૂકાઈ રહેલા પાકને નવું જીવન મળશે તેવી સંભાવના છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News