કમોસમી વરસાદ ગુજરાત પર આફત બનીને મંડરાયો છે. ત્યારે વધુ એક આફતના સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગના જણાવ્યાનુસાર ગુજરાતમાં વધુ એક વરસાદી સિસ્ટમ એક્ટિવ થઈ છે. આથી રાજ્યમાં ચાર દિવસ અતિભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે.
ધોધમાર વરસાદની સાથે 55થી 65 કિમીની ઝડપે પવન ફૂંકાશે
ઉલ્લેખનીય છે કે, દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ઘણા સ્થળોએ છેલ્લા 2 દિવસમાં સરેરાશ 4થી 12 ઈંચ જેટલો વરસાદ પડી ચૂક્યો છે. આવતીકાલ સુધીમાં ગુજરાત પર ડીપ ડિપ્રેશન ત્રાટકવાની તૈયારી હોવાથી આ કમોસમી વરસાદ ખેડૂતો માટે વધુ ખરાબ સાબિત થઈ શકે. ધોધમાર વરસાદની સાથે 55થી 65 કિમી પ્રતિકલાકની ઝડપે પવન પણ ફૂંકાશે, જેથી માછીમારોને 5 દિવસ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.
રાજકોટમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
હવામાન વિભાગની આગાહી મુજબ, ગીર સોમનાથમાં અતિભારે વરસાદ પડવાનું એલર્ટ છે. જ્યારે પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરત, ભરૂચ, અમદાવાદ, ગાંધીનગર, સુરેન્દ્રનગર, આણંદ, ખેડા અને વડોદરામાં ભારેથી અતિભારે વરસાદ પડશે. આજે 30 ઓક્ટોબર અને આવતીકાલે 31 ઓક્ટોબરના આ વિસ્તારોમાં 48 કલાકમાં વધારાનો 8 ઈંચ કે તેથી વધુ વરસાદ પડી શકે છે. કચ્છમાં છૂટા-છવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ પડશે. પૂર્વ મધ્ય અને ઉત્તર ગુજરાતમાં ખાસ કરીને આજે એટલે કે, 30 ઓક્ટોબર અને આવતીકાલે 31 ઓક્ટોબરના રોજ મધ્યમથી ભારે વરસાદ અને સામાન્ય વાવાઝોડા થવાની શક્યતા છે.
ભાવનગરના મહુવામાં આજે અઢી ઈંચથી વધુ વરસાદ ખાબક્યો
આજે વહેલી સવારથી રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ શરૂ થતાં વરાપની રાહ જોઈને બેઠેલા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ભાવનગરના મહુવામાં બે કલાકમાં બે ઈંચ વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. તો અમરેલી અને ઉના પંથકમાં પણ કમોસમી વરસાદ શરૂ થયો છે. અમદાવાદમાં અંધારપટ્ટ સાથે અનેક વિસ્તારોમાં ઝરમર વરસાદ વરસી રહ્યો છે.
શેત્રુંજી ડેમના 20 દરવાજા 1 ફૂટ ખોયાલા
ભાવનગર જિલ્લામાં આવેલો જીવાદોરી સમાન શેત્રુંજી ડેમ ગત 27ના રોજ ચોમાસાની સીઝન બાદ 8મી વખત ઓવરફ્લો થયો હતો. હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી વરસાદી આગાહીના પગલે સતત 5 દિવસથી ઉપરવાસમાં પડેલા સારા વરસાદના પગલે ડેમમાં સતત પાણીની આવક શરૂ છે. આજે સવારના ઉપરવાસથી સતત પાણીની આવકમાં વધારો થતાં ડેમના 20 દરવાજા 1 ફૂટ ખોલવામાં આવ્યા છે. જિલ્લાનો શેત્રુંજી ડેમમાં 1800 ક્યુસેકની આવક સામે 1800 ક્યુસેકની જાવક થઈ રહી છે.