ભારત અને અમેરિકા વચ્ચે વેપાર કરાર નજીકના ભવિષ્યમાં થવાની આશા ધૂંધળી લાગી રહી છે તેમ યુએસટીઆર જેમિસન ગ્રીરે દાવો કર્યો છે. મને નથી લાગતું કે કંઈક તાત્કાલિક થવાનું છે, પરંતુ અમે એવા મુદ્દાઓની યાદી તૈયાર કરી છે જે અવરોધરૂપ બની રહ્યા છે. અમે તે મુદ્દાઓના ઉકેલ માટે ખંતપૂર્વક કામ કરી રહ્યા છીએ તેમ તેમણે સમાચાર એજન્સીને જણાવ્યું હતું.
જ્યારે ભારતના કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયૂષ ગોયલે કહ્યું હતું કે જ્યારે વોશિંગ્ટન નવી દિલ્હીને અમેરિકન બજારમાં યોગ્ય સ્પર્ધાત્મક લાભ આપશે ત્યારે જ ભારત-અમેરિકા વચ્ચે વેપાર કરાર થશે. એક કાર્યક્રમ દરમિયાન ગોયલે કહ્યું, આપણે આપણા હરીફની તુલનામાં યોગ્ય સ્પર્ધાત્મક લાભ શોધવાની જરૂર છે જેથી આપણે ઝડપથી કરારને અમલમાં મૂકી શકીએ. તેમણે ઉમેર્યું કે ભારતે નવ મુક્ત વેપાર કરારોને આખરી ઓપ આપ્યો છે, જેમાં અમેરિકા સાથેના કરારનો પણ સમાવેશ થાય છે, જેનું કામ લગભગ પૂર્ણ થઈ ગયું છે.
જોકે અમેરિકા અને ભારતે ફેબ્રુઆરીમાં જ દ્વિપક્ષીય વેપાર કરારના પ્રથમ તબક્કા માટેના વેપાર માળખાને આખરી ઓપ આપવાની જાહેરાત કરી હતી, તેમ છતાં ટેરિફ (આયાત જકાત) માળખામાં થયેલા ફેરફારોને કારણે વધુ વાટાઘાટો કરવાની જરૂર ઊભી થઈ હતી.
ભૌગોલિક-રાજકીય તણાવ અને અચાનક કરવામાં આવતી ટેરિફ અંગેની જાહેરાતોના માહોલ વચ્ચે ભારત તેના મુક્ત વેપાર કરારો (એફટીએ)નું નેટવર્ક વિસ્તારી રહ્યું છે. ગોયલે કહ્યું હતું કે, ભારતના વેપાર કરારો આખરે એવા બજારો સુધી વિશેષ પહોંચ પૂરી પાડશે જે વૈશ્વિક જીડીપીમાં લગભગ 75 ટકા હિસ્સો ધરાવે છે.