BREAKING NEWS

પોલીસને ગાળો ભાંડી, ઝપાઝપી, છેડતી અને એટ્રોસિટીમાં ફિટ કરી દેવાની ધમકી

  • November 25, 2026 02:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



કોરાટ ચોકમાં ટ્રાફિકને અડચણરૂપ વાહન સામે કાર્યવાહી કરતાં ચાલક ઉશ્કેરાયો હતો. બાદમાં તેના પરિવારજનો શાપર પોલીસ મથકે ધસી જઈ હોબાળો મચાવી કોમ્પ્યુટર પણ પાડી દીધું હતું. એટલુ જ નહીં પોલીસને છેડતી અને એટ્રોસિટીના ખોટા કેસમા ફિટ કરી દેવાની ધમકી આપી હતી. આ અંગે પોલીસે ફરજમાં રુકાવટ, રાયોટ સહીતની ગંભીર કલમો હેઠળ બે મહિલા સહીત છ શખ્સો સામે ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી.



શાપર(વેં.) પોલીસ મથકમાં ફરજ બજાવતાં એએસઆઈ દિશાબેન મહેશભાઈ જોષીએ નોંધાવેલી ફરિયાદ મુજબ, ગત તા. 24/11/2026ના રોજ તેઓ જી.આર.ડી. જવાનો સાથે કોરાટ ચોક ખાતે ટ્રાફિક નિયમનની કામગીરીમાં હતાં. દરમિયાન અશોક લેલનનું ગુડ્સ કેરિયર વાહન નં. જીજે-03-બીઝેડ-0977 પોલીસ ચોકી પાસે ટ્રાફિકને અડચણ થાય તે રીતે પડ્યું હતું અને ચાલક હાજર ન હતો. જેથી ઇ-ચલણ એપ્લિકેશન મારફત માલિકનો સંપર્ક કરતાં તિલક ચાંડપા સ્થળ પર આવ્યો હતો.


વાહન ઓવરલોડ હોવા ઉપરાંત ડ્રાઇવિંગ લાયસન્સ અને જરૂરી કાગળો રજૂ નહીં કરતાં પોલીસે કાયદેસરની કાર્યવાહી કરવાની સમજ આપી હતી. આથી ઉશ્કેરાયેલા તિલકે પોલીસને ગાળો ભાંડી ઝપાઝપી કરી હતી અને પોતાની ઊંચી લાગવગ હોવાનું જણાવી ખોટી એટ્રોસિટીની ફરિયાદ કરવાની તેમજ પોલીસના પટ્ટા-ટોપી ઉતરાવી દેવાની ધમકી આપી હતી.


ત્યારબાદ તિલકને 112ની વાન મારફત શાપર(વેં.) પોલીસ મથકે લઈ જવાયો હતો. જ્યાં તેના સગા સુરજ, કાજલ, કંચન, રાજ અને કમલેશ ચાંડપા કાળા રંગની કિયા કેરેન્સ કારમાં ધસી આવ્યા હતા. પોલીસ કર્મચારીઓ પર હપ્તા ઉઘરાવવાના આક્ષેપો કરી ગાળો ભાંડવા લાગ્યા હતા. પોલીસને ગાળો ભાંડીઇન્વે રૂમમાં જઈ કાજલે કોમ્પ્યુટરને હાથ મારી નીચે પાડી દીધું હતું. તમામે પોલીસ સાથે ઉદ્ધતાઈભર્યું વર્તન કરી છેડતી અને એટ્રોસિટીની ખોટી ફરિયાદમાં ફિટ કરી દેવાની ધમકી આપી ઝપાઝપી કરી હતી.


આ બનાવ અંગે એએસઆઈની ફરિયાદ પરથી તિલક, સુરજ, કાજલ, કંચન, રાજ અને કમલેશ ચાંડપા (તમામ રહે. કણકોટ) સામે શાપર(વેં.) પોલીસે ફરજમાં રુકાવટ, રાયોટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application