BREAKING NEWS

ઈન્સ્ટાગ્રામમાં પ્રેમ થતા લવ મેરેજ કર્યા, પતિએ પત્નીને છરીના 5થી વધુ ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી, રાજકોટમાં હત્યાથી હાહાકાર

  • December 08, 2025 08:58 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

27 વર્ષીય નિલેશ્વરી બોરીચા નામની પરિણીતાની હત્યા તેના જ પતિ યોગેશ બોરીચા દ્વારા રવિવારના રોજ રાજકોટ શહેરના થોરાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા ચકચાર મચી ગઈ છે.  દૂધસાગર રોડ ઉપર ગુજરાત હાઉસિંગ બોર્ડ શેરી નંબર 10 ખાતે આવેલા નિલેશ્વરીની બહેનપણી જલ્પાના ઘર ખાતે છરીના 5થી વધુ ઘા ઝીંકી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. ત્યારે બનાવ સંદર્ભે થોરાળા પોલીસ દ્વારા મૃતક નિલેશ્વરીના પતિ યોગેશની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં હત્યાનું કારણ ઘર કંકાસ હોવાનું સામે આવ્યું છે. 


પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો અનુસાર નિલેશ્વરી અને યોગેશના ચાર વર્ષ પૂર્વે લવ મેરેજ થયા હતા. નિલેશ્વરી મૂળ અમદાવાદની રહેવાસી છે. પાંચ વર્ષ પૂર્વે ઈન્સ્ટાગ્રામના માધ્યમથી બંને એકબીજાના સંપર્કમાં આવ્યા હતા. તેમજ ત્યારબાદ બંને વચ્ચે મિત્રતા અને પ્રેમ સંબંધ બંધાયો હતો. ત્યારબાદ બંને પરિવારોની રાજી ખુશીથી નિલેશ્વરી અને યોગેશે લગ્નજીવન શરૂ કર્યું હતું. પરંતુ છેલ્લા કેટલાય સમયથી યોગેશ કંઈ કામ ધંધો કરતો ન હતો. તેમજ નશો કરવાની ટેવ વાળો પણ હતો. જેના કારણે અવારનવાર પતિ-પત્ની વચ્ચે ઝઘડાઓ થતા હતા. દરમિયાન રાજકોટના ભગવતી પરા વિસ્તારમાં આવેલી બોરીચા સોસાયટીમાં પોતાના સાસરીયામાં રહેતી નિલેશ્વરી છેલ્લા ચાર દિવસથી પોતાના પતિનું ઘર છોડીને પોતાની બહેનપણી જલ્પાના ઘરે દૂધસાગર રોડ ઉપર રહેવા જતી રહી હતી. 


દરમિયાન રવિવારના રોજ સવારના 12:30 વાગ્યાના અરસામાં યોગેશ પોતાની પત્ની નિલેશ્વરીની બહેનપણી જલ્પાના ઘર ખાતે પહોંચ્યો હતો. જ્યાં શરૂઆતમાં પતિ-પત્ની વચ્ચે બોલાચાલી થઈ હતી. દરમિયાન યોગેશ દ્વારા પોતાની પાસે રહેલ છરી વડે પાંચથી વધુ ઘા પોતાની પત્ની નિલેશ્વરીને ઝીંકી દઈ સ્થળ પરથી તે ફરાર થઈ ગયો હતો. તેમજ ગંભીર રીતે ઘાયલ નિલેશ્વરીને તેની બહેનપણી જલ્પા દ્વારા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. જ્યાં સાંજના 5:30 વાગ્યા આસપાસ તેણીનું સારવાર દરમિયાન હોસ્પિટલ ખાતે મૃત્યુ થયું હોવાનું સામે આવ્યું છે. ત્યારે બનાવ સંદર્ભે થોરાળા પોલીસ સ્ટેશન ખાતે યોગેશ વિરુદ્ધ હત્યા સહિતની કલમ હેઠળ ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application