BREAKING NEWS

રાજકોટ મનપામાં છ મહિનામાં જ નવા કોર્પોરેટરોનો હરિ રસ ખાટો? 72માંથી ફ્ક્ત 9એ જ પ્રશ્ન પૂછ્યા

  • November 19, 2026 03:47 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ મહાનગરપાલિકામાં આવતીકાલે તા.૨૦ નવેમ્બરે સવારે ૧૧ કલાકે મેયર ડો.નેહલ શુક્લના અધ્યક્ષસ્થાને મળનારી જનરલ બોર્ડ મિટિંગના પ્રશ્નકાળમાં શાસક પક્ષ ભાજપ અને વિપક્ષ કોંગ્રેસ સાથે મળીને મહાનગરપાલિકાના કુલ વીજ ખર્ચ અંગે ઊંડાણપૂર્વક ચર્ચા વિચારણા કરશે. વિપક્ષના ચાર કોર્પોરેટરોએ ટીપી બ્રાન્ચને લગતા પ્રશ્નો પૂછ્યા છે ત્યારે જો મેયર દ્વારા આ મામલે વિસ્તૃત ચર્ચા થવા દેવામાં આવશે તો ટીપી બ્રાન્ચના કરતુત અને ટીપી સ્ટાફની બેદરકારી મામલે પણ તડાપીટ બોલશે તે નક્કી છે.


જનરલ બોર્ડ મિટિંગના પ્રશ્નકાળમાં કુલ ૭૨માંથી ફ્ક્ત ૯ કોર્પોરેટરે કુલ ૨૨ પ્રશ્નો પૂછ્યા છે જેમાં શાસકપક્ષ ભાજપના પાંચ કોર્પોરેટરના ૧૧ પ્રશ્ન અને વિરોધપક્ષ કોંગ્રેસના ચાર કોર્પોરેટરના ૧૧ પ્રશ્ન સહિત કુલ ૨૨ પ્રશ્નો ઇનવર્ડ થયા છે. પ્રશ્નકાળમાં પ્રથમ ક્રમે મહાનગરપાલિકાના વીજખર્ચનો પ્રશ્ન ઇનવર્ડ થયો હોય હાલ ગુજરાત રાજ્યમાં વીજ કટોકટી જેવી સ્થિતિ અને વીજ બચત કરવા સરકારની અપીલ વચ્ચે આ પ્રશ્નની લંબાણપૂર્વક ચર્ચા થાય તેવી શક્યતા છે.


પ્રશ્નકાળમાં પ્રથમ ક્રમે વોર્ડ નં.૫ના ભાજપના કોર્પોરેટર સંજય ચાવડાનો પ્રશ્ન ઇનવર્ડ થયો છે જેમાં તેમણે પૂછ્યું છે કે રાજકોટ મહાનગરપાલિકામાં મુખ્ય કચેરી અને બે ઝોન સહિત કુલ કેટલી બિલ્ડીંગ આવે છે તેનું વીજળીનું બિલ કેટલું આવે છે તે પૈકીની કેટલી બિલ્ડીંગ પર સોલાર પેનલ છે? સરકારની આ યોજનાને અનુસરવા શું આયોજન છે? જ્યારે પ્રશ્નકાળમાં ચોથા ક્રમે ઇનવર્ડ વિપક્ષી નેતા દિપ્તીબેન સોલંકીના પ્રશ્નમાં તેમણે મહાનગરપાલિકાનો કુલ વાર્ષિક વીજબીલ કેટલો ? તેમાં મુખ્ય કચેરી, ઝોનલ અને વોર્ડ કચેરીઓ, પાર્ક વગેરેનો વીજબીલનો ખર્ચ કેટલો? અલગ અલગ ચેમ્બરમાં કુલ કેટલા એ.સી.ફીટ કરેલા છે? તેનું ચોખ્ખું વાર્ષિક વીજબીલ કેટલું, સરકારના પરિપત્ર મુજબ કોને એ.સી.મળવાપાત્ર છે ? તે સહિતની વિગતો માંગી છે.


આ દરખાસ્તો અંગે થશે નિર્ણય

(૧) વર્ષ-૧૯૮૩માં મચ્છર તથા અન્ય જીવાતોના ઉપદ્રવ સામે ઉપચારાત્મક અને પ્રતિબંધાત્મક પગલાંને નિયંત્રિત કરતા બાયલોઝમાં જરૂરી સુધારા કરવા

(૨) જુવેનાઈલ ડાયાબિટીસ ફાઉન્ડેશન- રાજકોટને તેની દૈનિક પ્રવૃત્તિ માટે ગુરૂ ગોવિંદસિંઘ કોમ્યુનિટી હોલ ટોકન દરે ફાળવવા

(૩) કોમ્યુનિટી હોલ તથા પાર્ટી પ્લોટના ઉપયોગ માટેના નિયમો નિયત કરવા

(૪) અરવિંદભાઇ મણીઆર પુસ્તકાલયના બોર્ડમાં સભ્ય તરીકે પ્રતિનિધિની નિમણુંક કરવા

(૫) અધ્યક્ષ સ્થાનેથી અરજન્ટ બિઝનેશ તરીકે જે કંઈ બાબત રજુ થાય તે


પ્રશ્નકાળમાં કોનો પ્રશ્ન ક્યા ક્રમે?

ક્રમ-કોર્પોરેટર-પ્રશ્ન સંખ્યા

૧. સંજયભાઈ ચાવડા ૨

૨. અંજનાબેન મોરઝરીયા ૨

૩. મોહિતસિંહ જાડેજા ૨

૪. દિપ્તીબેન સોલંકી ૩

૫. અર્જુનભાઇ ચૌહાણ ૨

૬. ઇબ્રાહિમભાઈ સોરા ૩

૭. રસિલાબેન ગરૈયા ૩

૮. જયશ્રીબા જાડેજા ૩

૯. કૌશિકભાઈ ટાંક ૩


ટીપી અંગેના સવાલો પાછલા ક્રમે ધકેલ્યા

-વિપક્ષી નેતા દિપ્તીબેન સોલંકી: ટીપી સ્કીમોના દબાણ ગ્રસ્ત પ્લોટમાંથી દબાણો દૂર કરવા શું કાર્યવાહી કરાઇ ? ગેરકાયદે બાંધકામો અને દબાણોના વ્યક્તિગત કિસ્સામાં કેટલી નોટીસો અપાઈ અને નોટિસો અપાઈ તેમાંથી કેટલા સ્થળે ડિમોલિશન થયા ? ક્યા ઝોનલ ટાઉન પ્લાનર સામે ક્યા મામલે ખાતાકીય તપાસ ચાલે છે તેમનું નામ જણાવશો.

- અર્જુન ચૌહાણ: ટીપી સ્કિમોની કેટલી જમીનો વેંચાઈ ? રાજ્ય સરકારની મંજૂરી મેળવી હતી ? અપસેટ પ્રાઈસ કોણ અને નક્કી કરે ?

- ઇબ્રાહિમ સોરા: ટીપી સ્કીમોમાં એસ.ઇ.ડબલ્યુ.એસ.હેતુના પ્લોટ કેટલા ? તેમાંથી કેટલા પ્લોટમાં હેતુફેર કરાયો ?

-રસીલાબેન ગરૈયા: મવડી ટીપી સ્કિમ નં.૨૧ને લગતી વિવિધ માહિતીઓની માંગણી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application