રાજકોટના શાપર(વેરાવળ)માં આવેલા સુહાની એન્જીનીયરીંગ નામના કારખાનાની છત ઉપર શ્રમિક યુવકને લાકડાનો ધોકો, તવો અને પથરો મારી હત્યા નિપજાવવામાં આવતા ચકચાર મચી જવા પામી છે. છત ઉપરથી યુવકના કાન અને નાકમાંથી લોહી નીકળેલો મૃતદેહ મળી આવતા આસપાસના લોકોના ટોળા એકઠા થયા હતા બનાવની જાણ પોલીસને કરવામાં આવતા શાપર પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલમા ખસેડી તપાસ હાથ ધરી હતી. યુવકની હત્યા નિપજાવનાર પરપ્રાંતીય ધીરજ નામના શખસને પોલીસે ઝડપી લઈ પુછપરછ હાથ ધરી છે. જેમાં બંને એક જ કારખાનામાં કામ કરતા હોય સાંજે છત ઉપર દારૂ પીવા બેઠા હતા ત્યારે બંને વચ્ચે બોલાચાલી થતા મામલો બિચક્યો હતો અને ધીરેજે નજીકમાં પડેલા લાકડાનો ધોકો, રોટલી કરવાનો તવો, અને પથરો મારી ઢીમ ઢાળી દીધું હોવાનું સામે આવ્યું છે.
બનાવની પ્રાપ્ત વિગત મુજબ મૂળ બિહારનો અને હાલમાં શાપરમાં આવેલા કારખાનામાં કામ કરી ભાડાની ઓરડીમાં રહેતો ગુડુ બાલક મહંતો (ઉ.વ.28)ની લાશ સુહાની એન્જીનીયરીંગ નામના કારખાનાની છત ઉપરથી લોહી નીતરતી હાલતમાં મળી આવતા કારખાનામાં કામ કરતા શ્રમિકો અને આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા અને બનાવની પોલીસને જાણ કરતા શાપર પોલીસ ઘટના સ્થળે પહોંચી યુવકના મૃતદેહને પ્રથમ શાપર અને ત્યાંથી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડી જરૂરી કાર્યવાહી કરી હતી.
મૃતક મૂળ બિહારનો વતની હતો અને પાંચ ભાઇમાં બીજા નંબરે હતો, સંતાનમાં એક પુત્રી અને બે પુત્ર છે, ગઈકાલે બિહારના જ વતની અને સાથે જ કારખાનામાં કામ કરતા ધીરજ ભલન તાંતી સાથે દારૂ પીવા કારખાનાની છત ઉપર બેઠો હતો દરમિયાન બંને વચ્ચે કોઈ વાતને લઈને બોલાચાલી થઈ હતી જે ઝગડામાં પરિણમતા બંને ઝપાઝપી કરવા લાગ્યા હતા. જેમાં ધીરજે ઉશ્કેરાઈ જઈ લાકડાનો ધોકો, લોઢી, અને કર્બીન પથ્થર માથામાં મારતા ગુડુ ત્યાં જ ઢળી પડ્યો હતો. ઝગડા દરમિયાન ધીરજને પણ ઇજા થઇ હતી. બનાવ અંગે શાપર પોલીસે મૃતકના કૌટુંબિક ભાઈ બહાદુર સુભાષ મહંતોની ફરિયાદના આધારે ધીરજ તાંતી વિરુધ્ધ હત્યાનો ગુનો નોંધી ગણતરીની કલાકોમાં જ સંકજામાં લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.