ચોમાસાની ઋતુ દરમિયાન દેશમાં સાપ કરડવાના બનાવોમાં ભારે વધારો જોવા મળે છે. લિવરપૂલ સ્કૂલ ઓફ ટ્રોપિકલ મેડિસિનના સંશોધકો દ્વારા કરવામાં આવેલા એક અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે વિશ્વભરમાં સૌથી વધુ સર્પદંશની ઘટનાઓ ભારતમાં બને છે. આ સંશોધનમાં વિશ્વના ૭૯ દેશોના જાન્યુઆરી ૨૦૦૭થી માર્ચ ૨૦૨૫ સુધીના આંકડાઓનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. આ રિપોર્ટ અનુસાર, ભારતમાં દર વર્ષે આશરે ૧૩ લાખ લોકો સાપ કરડવાનો શિકાર બને છે. વૈશ્વિક સ્તરે દર વર્ષે આશરે ૭૦ લાખ સર્પદંશના કિસ્સા નોંધાય છે, જેમાંથી ૭૫ ટકા બનાવો માત્ર ૨૦ દેશો પૂરાતા સીમિત છે. સંશોધન મુજબ, વિશ્વમાં સાપ કરડવાથી દર વર્ષે આશરે ૨.૭૪ લાખથી લઈને ૫.૧૩ લાખ લોકો પોતાના જીવ ગુમાવે છે. આંકડા દર્શાવે છે કે આફ્રિકાના સહારા રણની દક્ષિણે આવેલા આફ્રિકન દેશોમાં વિશ્વના લગભગ ૪૫ ટકા સર્પદંશના કિસ્સાઓ સામે આવે છે. ત્યાં મૃત્યુઆંક પણ ખૂબ જ ઊંચો રહે છે, જેનું મુખ્ય કારણ સમયસર તબીબી સુવિધાઓ અને ખાસ કરીને ઝેરવિરોધી દવાની (એન્ટી-વેનમ) ભારે અછત છે. દક્ષિણ એશિયાની સરખામણીએ આ વિસ્તારમાં સાપ કરડવાની સમસ્યા લગભગ ત્રણ ગણી વધુ જોવા મળે છે. ભારત બાદ વિશ્વમાં સૌથી વધુ સર્પદંશ ધરાવતા અગ્રણી દેશોમાં નાઇજીરિયા, ઇન્ડોનેશિયા અને ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોનો સમાવેશ થાય છે. પ્રાપ્ત ડેટા અનુસાર, નાઇજીરિયામાં દર વર્ષે આશરે ૬.૬૬ લાખ, ઇન્ડોનેશિયામાં ૪.૯૦ લાખ અને ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોમાં ૪.૬૭ લાખ સર્પદંશની ઘટનાઓ બને છે. આમ, ગ્રામીણ વિસ્તારોમાં યોગ્ય જાગરૂકતા અને પ્રાથમિક સારવારની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવી ખૂબ જ જરૂરી બની ગઈ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application