BREAKING NEWS

અરવલ્લીમાં ફરી બિશ્નોઈ ગેંગ-પોલીસ વચ્ચે ધડાધડ ફાયરિંગ, એકને પગમાં ગોળી વાગી, ત્રણ પોલીસકર્મી ઘાયલ

  • October 02, 2026 09:36 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના મોરડુંગરી નજીક આજે બીજી ઓક્ટોબરની વહેલી પરોઢે નશાના કારોબારીઓ અને પોલીસ વચ્ચે ફિલ્મીઢબે સામસામે ગોળીબારની ઘટના સામે આવી હતી. જેમાં એક આરોપીને પગમાં ગોળી વાગી હતી. જ્યારે ત્રણ પોલીસકર્મી ઘાયલ થતા તેઓને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા હતા. પોશડોડાની ગેરકાયદે હેરાફેરી કરતા કુખ્યાત બિશ્નોઈ ગેંગના આરોપીઓ અને અરવલ્લી એલસીબીની ટીમ વચ્ચે થયેલી આ અથડામણને કારણે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. 

મળતી પ્રાથમિક વિગતો મુજબ, અરવલ્લી એલસીબીની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે એક ફોર્ચ્યુનર કારમાં પોશડોડાનો મોટો જથ્થો ગેરકાયદેસર રીતે હેરાફેરી કરવામાં આવી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે માલપુર નજીક આવેલા મોરડુંગરી વિસ્તારમાં સઘન વોચ ગોઠવી હતી. દરમિયાન શંકાસ્પદ ફોર્ચ્યુનર કાર નજરે પડતા જ પોલીસે તેને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ, કાયદાની પકડથી બચવા માટે કારમાં સવાર બે આરોપીઓએ એકાએક પોલીસ ટીમ પર પોઈન્ટ બ્લેન્ક રેન્જમાં બે રાઉન્ડ ફાયરિંગ કરી દીધું હતું.

આરોપીઓ દ્વારા કરવામાં આવેલા અચાનક હુમલા સામે એલસીબીની ટીમે પણ ભારે સાહસ અને બહાદુરી બતાવીને જવાબી કાર્યવાહી કરી હતી અને ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આ સામસામે થયેલા ગોળીબાર અને અથડામણમાં એક આરોપીના પગના ભાગે પોલીસની ગોળી વાગવાથી તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો, જેને પોલીસે તુરંત જ દબોચી લીધો હતો. જોકે, આ દરમિયાન તેનો બીજો સાથીદાર આરોપી અંધારાનો લાભ લઈને સ્થળ પરથી ફરાર થવામાં સફળ રહ્યો હતો. પોલીસે ઝડપાયેલા આરોપી પાસેથી એક માઉઝર પિસ્તોલ કબજે કરી હતી અને ત્યારબાદ ફોર્ચ્યુનર કારની ઝીણવટભરી તલાશી લેતા તેમાંથી વધુ એક માઉઝર પિસ્તોલ મળી આવી હતી. આમ પોલીસે કાર અને જથ્થા સાથે કુલ બે પિસ્તોલ જપ્ત કરી છે.

આ ખતરનાક અને દિલધડક ઓપરેશન દરમિયાન અરવલ્લી એલસીબીના ત્રણ  અધિકારીઓને પણ નાની-મોટી ઈજાઓ પહોંચી છે. ઈજાગ્રસ્ત થનાર પોલીસ અધિકારીઓમાં એલસીબી પીઆઈ એમ.એચ. ઝાલા, પીએસઆઈ પી.પી. સોલંકી અને એએસઆઈ કલ્પેશસિંહનો સમાવેશ થાય છે. આ ત્રણેય પોલીસ કર્મીઓને ફરજ દરમિયાન સામાન્ય ઈજાઓ થઈ હોવાનું જાણવા મળ્યું છે.

ઉલ્લેખનીય છે કે આ માદક પદાર્થોની ગેરકાયદે હેરાફેરી અને નેટવર્ક પાછળ કુખ્યાત બિશ્નોઈ ગેંગનું નામ સામે આવી રહ્યું છે, જેના કારણે આ કેસ વધુ ગંભીર બન્યો છે. અગાઉ ગત બાવીસ સપ્ટેમ્બરે પણ અરવલ્લીમાં સ્કોર્પિયો કાર પર ફાયરિંગની ઘટના બની ચૂકી છે. માત્ર ૧૦ દિવસના ટૂંકા ગાળામાં બનેલી આ બીજી મોટી ઘટનાથી એનડીપીએસ એક્ટ હેઠળ કાર્યવાહી કરતી અરવલ્લી પોલીસ વધુ આક્રમક મૂડમાં આવી ગઈ છે. હાલ પોલીસ ફરાર આરોપીની શોધખોળ ચલાવી રહી છે અને આટલા મોટા પ્રમાણમાં પોશડોડાનો જથ્થો તેમજ હથિયારો ક્યાંથી લાવવામાં આવ્યા હતા તે દિશામાં ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application