ગુજરાત રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતા મુખ્ય શિક્ષકો (હેડ ટીચર)ની જિલ્લા આંતરિક અને જિલ્લા અરસ-પરસ બદલી અંગે શિક્ષણ વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ આદેશ બહાર પાડવામાં આવ્યો છે. પ્રાથમિક શિક્ષણ નિયામકને પાઠવવામાં આવેલા સત્તાવાર પત્ર અનુસાર, મુખ્ય શિક્ષકોની જિલ્લા આંતરિક અને અરસ-પરસ બદલી કેમ્પ આગામી દિવાળી વેકેશન દરમિયાન યોજવાનો નિર્ણય લેવાયો છે.
આ સમગ્ર બદલી પ્રક્રિયા ઓફલાઇન પદ્ધતિથી હાથ ધરવામાં આવશે, જેના માટેની ચોક્કસ તારીખો અને વિસ્તૃત શિડ્યુલ ટૂંક સમયમાં જ પ્રાથમિક શિક્ષણ કચેરી દ્વારા જાહેર કરવામાં આવશે.
ભરતી રેશિયો અને સીધી ભરતી પર અસર ન પડે તે માટે નિર્ણય
શિક્ષણ વિભાગ દ્વારા પરિપત્રમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે, ભરતી રેશિયો જાળવી રાખવા તેમજ હાલમાં ચાલી રહેલી સેમી-ડાયરેક્ટ ભરતી પ્રક્રિયા પર કોઈ પ્રતિકૂળ અસર ન પડે તે હેતુથી જિલ્લા અરસ-પરસ બદલીની મંજૂરી હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવી છે.
નિયમ અનુસાર, જો કોઈ મુખ્ય શિક્ષકની એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં અરસ-પરસ બદલી કરવામાં આવે અને સીધી ભરતીથી નિમાયેલા મુખ્ય શિક્ષકની સામે પ્રમોશનથી નિમાયેલા મુખ્ય શિક્ષકની બદલી થાય, તો બંને જિલ્લામાં નિયત થયેલા ભરતી રેશિયો પર અસર પડવાની પૂરી સંભાવના રહેલી છે. આ ઉપરાંત, ચાલી રહેલી સેમી-ડાયરેક્ટ ભરતી અંતર્ગત સંખ્યામાં પણ ફેરફાર થઈ શકે છે. આ તમામ પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને જિલ્લા અરસ-પરસ બદલીની મંજૂરી હાલ પૂરતી ન આપવા અને આગામી જિલ્લાફેર બદલી કેમ્પ સમયે જ આપવા ઈચ્છનીય હોવાનું જણાવાયું છે.
પારદર્શિતા માટે વેટિંગ લિસ્ટ રદ
બદલી પ્રક્રિયામાં સંપૂર્ણ પારદર્શિતા જળવાઈ રહે તે માટે શિક્ષણ વિભાગે સ્પષ્ટતા કરી છે કે ઓનલાઇન કે ઓફલાઇન માધ્યમથી કરવામાં આવતી આ બદલીઓ અંગે કોઈ પણ પ્રકારનું 'વેટિંગ લિસ્ટ' નિભાવવામાં આવશે નહીં. બદલી અંગેની તમામ વિગતો અને સ્પષ્ટતાઓ સત્તાવાર જાહેરાત સાથે જ કરવામાં આવશે. શિક્ષણ વિભાગના આ આદેશને પગલે રાજ્યના હજારો મુખ્ય શિક્ષકોમાં આગામી બદલી કેમ્પને લઈને ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે.