કોમોડિટી માર્કેટમાં ચાંદીના ભાવમાં આવેલા તીવ્ર કડાકાને કારણે સિલ્વર ઇટીએફમાં રોકાણ કરનારા રોકાણકારોને ભારે નુકસાનનો સામનો કરવો પડી રહ્યો છે. ફેબ્રુઆરીમાં ચાંદીનો ભાવ રૂ.૪.૨૦ લાખ પ્રતિ કિલોના ઓલ-ટાઇમ હાઇ સ્તરે પહોંચ્યા બાદ સતત ઘટીને રૂ.૧.૯૫ લાખ પ્રતિ કિલોના સ્તરે ગબડી ગયો છે. આ કારણે સિલ્વર ઇટીએફ પણ તેના રેકોર્ડ હાઇ સ્તરથી સરેરાશ ૫૦ ટકા સુધી નીચે ફેંકાઈ ગયા છે. ઊંચા ભાવે બજારમાં પ્રવેશ કરનારા રોકાણકારો માટે આ સ્થિતિ ખૂબ જ ચિંતાજનક બની ગઈ છે.
ગ્લોબલ માર્કેટમાં સર્જાયેલી વિવિધ આર્થિક અને રાજકીય સ્થિતિના કારણે ચાંદીની કિંમતોમાં આ મોટો ઘટાડો જોવા મળ્યો છે. પશ્ચિમ એશિયામાં વધી રહેલા સંકટને કારણે મોંઘવારી વધી છે, જ્યારે અમેરિકા સહિત દુનિયાભરમાં વ્યાજદરો વધવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ ઉપરાંત સોલર ઇન્ડસ્ટ્રીમાં ચાંદીની માંગ ઘટી જવાથી ફેબ્રુઆરી ૨૦૨૬થી ચાંદીના ભાવમાં સતત ઘટાડાનો દૌર શરૂ થયો છે. શુક્રવારે ક્રૂડ ઓઇલ ૧૧૫ ડોલર પ્રતિ બેરલને પાર પહોંચવા અને અમેરિકામાં ઓક્ટોબરમાં વ્યાજદરો વધવાની શક્યતાથી આંતરરાષ્ટ્રીય બજારમાં ચાંદી બે ટકા ઘટીને ૫૩ ડોલર પ્રતિ ઔંસ પર આવી ગઈ હતી.
વૈશ્વિક બજારની આ નકારાત્મક અસર ભારતીય કોમોડિટી માર્કેટ પર પણ સ્પષ્ટપણે જોવા મળી છે. ભારતમાં એમસીએક્સ પર ચાંદી ઘટીને રૂ.૧.૯૨ લાખ પ્રતિ કિલોના નીચલા સ્તરે પહોંચી ગઈ હતી. જોકે, આશ્ચર્યજનક રીતે છેલ્લા એક વર્ષમાં ચાંદીની મૂળ કિંમતમાં ૩૧ ટકાથી વધુનો વધારો નોંધાયો છે, છતાં પણ સિલ્વર ઇટીએફમાં રોકાણ કરનારા સરેરાશ રોકાણકારોની કમાણી કે રિટર્ન ૧૦ ટકાથી પણ ઓછું રહ્યું છે. આ સ્થિતિએ રોકાણકારોની ચિંતામાં મોટો વધારો કર્યો છે.
રોકાણકારોના આ નુકસાન પાછળનું મુખ્ય કારણ ખોટા સમયે કરવામાં આવેલું રોકાણ છે. સિલ્વર ઇટીએફમાં અત્યાર સુધી થયેલા કુલ રૂ.૪૭,૭૧૫ કરોડના રોકાણમાંથી રૂ.૨૬,૫૦૦ કરોડથી વધુનું રોકાણ ઓક્ટોબર ૨૦૨૫ પછી આવ્યું હતું, જ્યારે ચાંદીના ભાવ પીક એટલે કે સર્વોચ્ચ સ્તરે પહોંચી રહ્યા હતા. પરિણામે કુલ રોકાણમાંથી અંદાજે ૫૬ ટકા ઇન્વેસ્ટમેન્ટ હાલમાં ભારે નુકસાનમાં ચાલી રહ્યું છે. જાન્યુઆરીમાં ગોલ્ડ ઇટીએફમાં પણ સર્વોચ્ચ સ્તરથી પચ્ચીસ ટકાનો સરેરાશ ઘટાડો નોંધાયો છે.
ચાંદીની તેજીના પ્રારંભિક તબક્કામાં એટલે કે વર્ષ ૨૦૨૪-૨૫ દરમિયાન સિલ્વર ઇટીએફમાં ખૂબ ઓછું માત્ર રૂ.૮,૦૫૬ કરોડ રોકાણ થયું હતું. તેથી ચાંદીના ભાવ વધવાનો લાભ ખૂબ ઓછા રોકાણકારોને મળી શક્યો હતો. ભાવ એકદમ વધ્યા બાદ મોટા પ્રમાણમાં નવું રોકાણ આવ્યું અને ત્યારબાદ ચાંદીના ભાવમાં તીવ્ર કડાકો બોલાયો, જેના કારણે રોકાણકારોનું વાસ્તવિક સામૂહિક રિટર્ન ખૂબ ઓછું રહ્યું અને તેમને મોટો નાણાકીય ફટકો પડ્યો છે.
દેશના વિવિધ અગ્રણી સિલ્વર ઇટીએફ તેમના ૫૨-વીક હાઇ સ્તરથી નોંધપાત્ર પ્રમાણમાં તૂટ્યા છે. આંકડાઓ મુજબ કોટક સિલ્વર ઇટીએફ માઈનસ ૫૧.૮ ટકા, નિપ્પોન સિલ્વર માઈનસ ૪૮.૯ ટકા, એચડીએફસી સિલ્વર માઈનસ ૪૮.૫ ટકા, એસબીઆઈ સિલ્વર માઈનસ ૪૮.૧ ટકા અને ટાટા સિલ્વર ઇટીએફ માઈનસ ૪૬.૬ ટકા સુધી ગબડ્યા છે. નિષ્ણાતોના મતે બજારમાં ચાંદીના ભાવનું આઉટલુક હાલ નકારાત્મક જળવાઈ રહેવાની શક્યતા હોવાથી રોકાણકારોએ અત્યારે સાવચેતીપૂર્વક નિર્ણયો લેવા જરૂરી છે.