દારૂની હેરાફેરીના કેસમાં જપ્ત કરાયેલા વાહનોના માલિકો માટે ગુજરાત હાઈકોર્ટે મહત્ત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. દારૂનો જથ્થો 20 લિટરથી વધુ હોય તો પણ માત્ર આ કારણસર જપ્ત વાહનને ટ્રાયલ પૂર્ણ થાય ત્યાં સુધી પોલીસ કસ્ટડીમાં રાખવું જરૂરી નથી. યોગ્ય સુરક્ષા અને શરતો સાથે વાહન તેના માલિકને વચગાળાના ધોરણે પરત સોંપી શકાય છે, તેમ હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું છે. આ ચુકાદાથી નીચલી અદાલતોને વાહનોનો વચગાળાનો કબજો સોંપવાની સત્તા હોવાનો માર્ગ સ્પષ્ટ થયો છે.
ગુજરાત પ્રોહિબિશન એક્ટની કલમ 98(2)ના અગાઉના અર્થઘટન મુજબ, વાહનમાં 20 લિટરથી વધુ દારૂ મળી આવે તો જપ્ત વાહન છોડવા પર પ્રતિબંધ હોવાનું માનવામાં આવતું હતું. પરિણામે ફોજદારી કેસની કાર્યવાહી પૂર્ણ ન થાય ત્યાં સુધી નીચલી અદાલતો વાહનો મુક્ત કરી શકતી નહોતી. જોકે, જસ્ટિસ જે.સી. દોશીએ આ અર્થઘટન અંગે સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે કલમ 98(2) હેઠળ વાહન છોડવા પર સંપૂર્ણ પ્રતિબંધ નથી. બીએનએસએસની કલમ 497 હેઠળ મેજિસ્ટ્રેટ યોગ્ય શરતો અને સુરક્ષા સાથે વાહનનો વચગાળાનો કબજો સોંપી શકે છે.
સુરતના ડીસીબી પોલીસ સ્ટેશનમાં દારૂના ગુનામાં જપ્ત કરાયેલી સ્વિફ્ટ કારના માલિકે વાહન પરત મેળવવા હાઈકોર્ટમાં અરજી કરી હતી. જોકે, સરકારી વકીલે દારૂનો જથ્થો 20 લિટરની મયર્દિા કરતાં વધુ હોવાથી વાહન છોડવાનો વિરોધ કર્યો હતો. આ દલીલને પૂરતી ગણવાનો ઇનકાર કરતાં હાઈકોર્ટે નોંધ્યું હતું કે ભવિષ્યમાં વાહન જપ્ત થવાની શક્યતા હોવાના આધારે તેને સમગ્ર ટ્રાયલ દરમિયાન કસ્ટડીમાં રાખવું અનિવાર્ય બની જતું નથી.
હાઈકોર્ટે જણાવ્યું હતું કે પોલીસ સ્ટેશનના કમ્પાઉન્ડમાં લાંબા સમય સુધી પડેલા વાહનોનો ઘસારો થાય છે અને તેમની સ્થિતિ બગડે છે. વાહનના પુરાવાકીય મહત્ત્વને વિગતવાર પંચનામું, ફોટોગ્રાફ્સ અને વિડિયોગ્રાફી દ્વારા જાળવી શકાય છે.
કોર્ટે નિર્દેશ આપ્યો છે કે એફઆઈઆરમાં દશર્વિેલી વાહનની કિંમત જેટલા પર્સનલ બોન્ડ અને સોલ્વન્ટ સ્યોરિટી સામે વાહન માલિકને સોંપવામાં આવે. માલિકે જરૂર પડ્યે વાહન રજૂ કરવું પડશે. ટ્રાયલ કોર્ટની મંજૂરી વિના વાહન વેચી, ટ્રાન્સફર કે ગીરો મૂકી શકાશે નહીં. ઉપરાંત, વાહનનો ઉપયોગ પ્રોહિબિશનના ગુનામાં નહીં થાય તેની બાંયધરી આપવી પડશે.
કોર્ટે સ્પષ્ટ કર્યું કે વાહનનો વચગાળાનો કબજો સોંપવાથી આરોપી નિર્દોષ સાબિત થતો નથી કે ભવિષ્યમાં વાહન જપ્ત કરવાની સત્તા પણ સમાપ્ત થતી નથી.