રવિભાઇ હિન્ડોચાએ ‘આજકાલ’ને આપી વિગતો : ડો.પાર્શ્વ વોરાએ અમને ડરાવીને મારા પિતાને બે સ્ટેન્ટ બેસાડી દીધા હતા
આઠ મહિના બાદ જ પિતાનું મૃત્યુ થઇ ગયું: યુવાને એ ડીવી. પોલીસમાં આપેલી અરજી
જામનગરની જેસીસી હાર્ટ ઈન્સ્ટીટયુટ અને હોસ્પિટલમાં ૧૦૫ કેસમાં ગેરરીતિ અને ૫૩ દર્દીને હદયની સારવારની જરૂર ન હોવા છતાં કાર્ડીયાક સર્જરી કરવામાં આવી હોવાની ચોંકાવનારી વિગતો ગુજરાતના આરોગ્ય મંત્રાલયે જાહેર કરી હતી અને પીએમજેએવાય યોજનામાં કૌભાંડનો ઘટસ્ફોટ થતાં આ ઇન્સ્ટીટયુટમાં સારવાર કરવાનાર દર્દીઓના જીવ તાળવે ચોંટયા છે ત્યારે આ જ ઇન્સ્ટીટયુટમાં પીએમજેએવાય યોજનામાં તમારા પિતાની હદયની બે નળી બ્લોક છે તેમ જણાવી ડરાવીને પિતાને બે સ્ટેન્ટ મુકી દીધા હોવાનું આજકાલની ઓફીસે આવેલા તેમના પુત્રએ જણાવ્યું હતું, આટલું જ નહીં ઓપરેશન બાદ પિતાનું સ્વાસ્થ્ય સુધરવાને બદલે વધુ બગડી ગયું હતું અને સ્ટેન્ટ બેસાડવા છતાં કોઇ ફાયદો ન થવાથી તેમનું અવસાન થયાનો આક્ષેપ પણ પુત્રએ કર્યો છે.
જામનગરની જેસીસી હાર્ટ ઇન્સ્ટીટયુટ અને હોસ્પિટલમાં પીએમજેએવાય યોજના અંતર્ગત દર્દીઓની બિનજરૂરી હદયની સારવાર કરવાના મીની ખ્યાતીકાંડના ઘટસ્ફોટ બાદ ચોંકાવનારા ખુલાસાઓ થયા છે, ત્યારે હવે આ ઇન્સ્ટીટયુટમાં સારવાર લેનાર દર્દીઓ અને તેના પરીવારજનો પણ ચિંતામાં મુકાયા છે, આ સ્થિતિમાં આ જ ઇન્સ્ટીટયુટમાં પીએમજેએવાય યોજના અંતર્ગત પિતા રસીકભાઇ હીંડોચાની સારવાર કરાવનાર પુત્ર રવિએ જેસીસી હાર્ટ ઇન્સ્ટીટયુટમાં હદયની સારવાર બાદ પણ પિતાને સારૂ ન થતાં તેમનું અવસાન થયાની આપવીતી જણાવી હતી, આ બાબતે તેમણે તા.૨૧-૧૧-૨૦૨૫ના સીટી-એ ડીવીઝન પોલીસ મથકમાં અરજી પણ આપી છે.
પિતા રસીકભાઇ વલ્લભદાસ હીંડોચાની જેસીસી હાર્ટ ઇન્સ્ટીટયુટમાં સારવાર કરાવનાર પુત્ર રવિએ આજકાલ કાર્યાલયે આવીને આપવીતી વર્ણવતા જણાવ્યું હતું કે, મારા પીતા રસીકભાઇ વલ્લભદાસ હીંડોચા (ઉ.વ.૬૫)ને સામાન્ય શ્ર્વાસ ચડતો હોય જેસીસી હાર્ટ ઇન્સ્ટીટયુટ એન્ડ હોસ્પિટલમાં ગત તા.૧૭-૨-૨૦૨૫ના સારવાર અર્થે લઇ ગયા હતાં જયાં પ્રથમ તે જ દિવસે મારા પિતાની એન્જીયોગ્રાફી ડો.પાર્શ્ર્ચ વોરા દ્વારા કરવામાં આવી હતી, એન્જીયોગ્રાફી બાદ ડો.વોરાએ જણાવ્યું હતું કે, તમારા પિતાની હદયની તકલીફ હોવાથી સ્ટેન્ટ બેસાડવા પડશે, આમ જણાવી તેમણે મારા પિતાને ઇન્સ્ટીટયુટમાં એડમીટ કરી તા.૧૮-૨-૨૦૨૫ના રોજ એમના હદયની સર્જરી કરી બે સ્ટેન્ટ બેસાડી આ જ દિવસે હોસ્પિટલમાંથી ડીસ્ચાર્જ એટલે કે રજા આપી દેવામાં આવી હતી, આથી અમો મારા પિતાને ઘેર લઇ ગયા હતાં, પરંતુ મારા પિતાની હદયની સારવાર બાદ પણ એમના સ્વાસ્થ્યમાં કોઇપણ સુધારો થયો ન હતો અને શ્ર્વાસ ચડવાનું ચાલું રહ્યું હતું, આથી અમો બેથી ત્રણ વખત પુન: જેસીસી હાર્ટ ઇન્સ્ટીટયુટમાં જ મારા પિતાને ચેકઅપ માટે લઇ ગયા હતાં, પરંતુ હાર્ટ ઇન્સ્ટીટયુટમાં દવા લખી આપી હતી, જેનો ચાર્જ ખુબ જ વધારે હોય તે પરવડતું ન હતું, આખરે મારા પિતાને હદયમાં સ્ટેન્ટ બેસાડવા છતાં પણ કોઇ ફાયદો ન થવાથી તા.૧-૧૧-૨૦૨૫ના રોજ તેમનું અવસાન થયાનો આક્ષેપ તેમણે કર્યો હતો.
આટલું જ નહીં આ મામલે રવિએ સીટી-એ ડીવીઝન પોલીસ મથકમાં કરેલી અરજીમાં જણાવ્યા અનુસાર જેસીસી હાર્ટ ઇન્સ્ટીટયુટમાં મારા પિતાને સામાન્ય શ્ર્વાસ ચડતો હોવા છતાં ઇન્સ્ટીટયુટ અને હોસ્પિટલના તબીબે સ્ટેન્ટ બેસાડવાનું કહી અમોને બીવડાવીને અમારી પાસેથી પીએમજેએવાય યોજના અંતર્ગત રૂ.૫ લાખ જેટલો ચાર્જ લઇને મારા પિતાના હદયમાં બે સ્ટેન્ટ બેસાડયા હતાં, પરંતુ કોઇ ફાયદો થયો ન હતો, આટલું જ નહીં ઓપરેશન બાદ પણ પિતાનું સ્વાસ્થ્ય સારૂ ન થતાં સારવાર અર્થે જેસીસી હાર્ટ ઈન્સ્ટીટયુટમાં ત્રણથી ચાર વખત સારવાર અર્થે ગયા હતાં, પરંતુ યોગ્ય સારવાર આપી ન હતી, ફકત મસમોટો ચાર્જ વસુલ્યો હતો જે પરવડતા જી.જી.હોસ્પિટલનો સહારો લેવો પડયો હતો.
ત્યારે જેસીસી હાર્ટ ઇન્સ્ટીટયુટ એન્ડ હાર્ટ હોસ્પિટલમાં દર્દીઓને હદયની સારવારની જરૂર ન હોવા છતાં કાર્ડીયાક સર્જરી કરવાનું પીએમજેએવાયનું કૌભાંડ ખુલ્યું છે ત્યારે મારા પિતાને પણ સામાન્ય શ્ર્વાસની બિમારી હોય અમોને બીવડાવીને ખોટુ ઓપરેશન કરી સ્ટેન્ટ બેસાડયાની ભીતિ હોય હોસ્પિટલ તથા તબીબ સામે યોગ્ય કાર્યવાહી કરી ન્યાય આપવાની માંગણી પણ પોલીસને કરેલી અરજીમાં કરી છે.