જાપાનની પ્રખ્યાત ગેમિંગ કંપની પોકેટપેર (Pocketpair) એ પોતાના કર્મચારીઓ માટે એક અનોખી પહેલ કરી છે. લાંબા સમયથી રાહ જોવાઈ રહેલી ગેમ 'ગ્રાન્ડ થેફ્ટ ઓટો VI' (GTA VI) ના રિલીઝના અવસરે, કંપનીએ તમામ કર્મચારીઓને પાંચ દિવસની વિશેષ 'GTA રજા' (GTA Day-offs) આપવાની જાહેરાત કરી છે. કંપનીનું માનવું છે કે કર્મચારીઓ આ ગેમનો પૂરેપૂરો આનંદ માણી શકે તે માટે આ જરૂરી છે.
19 નવેમ્બર, 2026 ના રોજ ટોક્યો સ્થિત ઓફિસમાં આ જાહેરાત બાદ માહોલ ઉત્સવ જેવો બની ગયો હતો. કંપનીના સીઈઓ (CEO) તાકુરો મિઝોબેએ કર્મચારીઓ માટે એક ભવ્ય સુશી પાર્ટીનું આયોજન કર્યું હતું, જ્યાં ઓફિસમાં જ મોટી સ્ક્રીન પર GTA VI ચલાવવામાં આવી રહી હતી અને કર્મચારીઓ તેનો આનંદ માણતા નજરે પડ્યા હતા.
કર્મચારીઓની પ્રતિક્રિયા 31- વર્ષીય ગેમ ડિઝાઇનર કઝુમાસા તાશિરોએ આ અનુભવ શેર કરતા કહ્યું, "હું ખૂબ હસ્યો. એકલા રમવું મજેદાર છે, પરંતુ ઓફિસમાં બધા સાથે મળીને રમવાનો અનુભવ અદ્ભુત છે. વાસ્તવિક જીવનમાં ન કરી શકાય તેવી વસ્તુઓ, જેમ કે લોકોને મુક્કા મારવા કે ગોળીબાર કરવો, તે અહીં શક્ય છે. મને એક્શન ગેમ્સમાં બહુ રસ નથી, પણ બધા સાથે મળીને મારી ગેમિંગ સ્કિલ્સની મજાક ઉડાવતા હતા, તેનાથી ખૂબ જ મજા આવી."
કર્મચારી સુઝુના ઓનોડાએ કહ્યું, "શરૂઆતમાં મને લાગ્યું કે આ ગેમ માત્ર પુરુષો માટે જ છે કારણ કે તેમાં હિંસક દ્રશ્યો છે, પરંતુ હવે મને લાગે છે કે મહિલાઓ પણ તેનો એટલો જ આનંદ માણી શકે છે. મને લાગે છે કે મહિલાઓ માટે પણ કોઈને મારપીટ કરવી એ તણાવ મુક્ત કરવાનો એક સારો રસ્તો છે."
સીઈઓ તાકુરો મિઝોબેનું નિવેદન આ રજાઓ આપવા પાછળના કારણ વિશે વાત કરતા સીઈઓ તાકુરો મિઝોબેએ જણાવ્યું, "જેમ-જેમ GTA VI ની રિલીઝ ડેટ નજીક આવી રહી હતી, તેમ-તેમ કર્મચારીઓ તરફથી સંકેતો મળવા લાગ્યા હતા. તેઓ અવારનવાર પૂછતા હતા કે શું આપણે આ ગેમ માટે રજા લઈશું? અમારા સ્ટાફમાંથી જે લોકો પાસે PS5 અને Xbox છે, તેમણે પણ આગ્રહ કર્યો કે રજા આપવી પડશે."
મિઝોબેએ વધુમાં ઉમેર્યું, "એક ગેમ ડેવલપર તરીકે, બીજી ગેમ કેવી રીતે આટલી શાનદાર બની તે જાણવાથી અમને ઘણું શીખવા મળે છે, જેનાથી અમે અમારું કામ સુધારી શકીએ. પરંતુ એક ગેમર તરીકે, જ્યારે આવી અદ્ભુત ગેમ બહાર આવે છે, ત્યારે મને પણ સ્વાભાવિક રીતે જ તે રમવાની તીવ્ર ઈચ્છા થાય છે."
ગેમિંગ જગતમાં ઉત્સાહ અન્ય એક ગેમ ડિઝાઇનર, 28 વર્ષીય કિમ મિન્જાએ કહ્યું, "GTA V તેર વર્ષ પહેલાં રિલીઝ થઈ હતી, છતાં તે આજે પણ એટલી જ લોકપ્રિય છે કે મને ક્યારેય લાગ્યું નથી કે તે જૂની ગેમ છે. પરંતુ આજે GTA VI રમ્યા પછી, હું ખરેખર પ્રભાવિત થયો છું. મેં કલ્પના પણ નહોતી કરી કે GTA V ના સ્તરથી પણ આગળ કોઈ ગેમ વિકસી શકે છે." ટોક્યોમાં પણ આ ગેમનો ભારે ક્રેઝ જોવા મળી રહ્યો છે. શિબુયા ક્રોસિંગ પર ડિજિટલ બોર્ડ પર GTA VI ના ગ્રાફિક્સ પ્રદર્શિત કરવામાં આવી રહ્યા છે.