જામનગર એરફોર્સ સ્ટેશન ખાતે ભારતીય વાયુસેના દ્વારા બહુરાષ્ટ્રીય HADR કવાયત ‘સહાયતા સેતુ-2026’નું સફળ આયોજન કરાયું...
ભારતીય વાયુસેના દ્વારા હેડક્વાર્ટર ઇન્ટિગ્રેટેડ ડિફેન્સ સ્ટાફ (HQ IDS) અને હેડક્વાર્ટર સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડ (HQ SWAC)ના માર્ગદર્શન હેઠળ જામનગર એરફોર્સ સ્ટેશન ખાતે તા. 17થી 19 નવેમ્બર, 2026 દરમિયાન બહુરાષ્ટ્રીય માનવતાવાદી સહાયતા અને આપત્તિ રાહત (Humanitarian Assistance and Disaster Relief - HADR) કવાયત ‘સહાયતા સેતુ-2026’નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કવાયતનું આયોજન ભાગ લેનારી રાષ્ટ્રીય એજન્સીઓ અને મિત્ર વિદેશી દેશો (Friendly Foreign Countries - FFCs)ના સંકલનથી કરવામાં આવ્યું હતું.

આ કવાયતનું સમાપન આજે મલ્ટી-એજન્સી ક્ષમતા પ્રદર્શન (Multi-Agency Capability Demonstration - MACD) સાથે થયું હતું. જેમાં આપત્તિ સમયે વિવિધ એજન્સીઓ દ્વારા સંકલિત રીતે હાથ ધરવામાં આવતી રાહત અને બચાવ કામગીરીની ક્ષમતાઓનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ભાગ લેનારા મિત્ર વિદેશી દેશોના પ્રતિનિધિઓ સાથે સંવાદ યોજાયો હતો.
આ પ્રસંગે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ એન.એસ. રાજા સુબ્રમણિ, PVSM, AVSM, SM, VSM મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે એર ચીફ માર્શલ આશુતોષ દીક્ષિત, PVSM, AVSM, VM, VSM,ચીફ ઓફ એર સ્ટાફ, ગુજરાત સરકારના વન અને પર્યાવરણ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા, જનરલ ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ, સાઉધર્ન કમાન્ડ, ફ્લેગ ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ, વેસ્ટર્ન નેવલ કમાન્ડ, એર ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ, સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડ સહિતના વરિષ્ઠ સૈન્ય અને પ્રતિષ્ઠિત વ્યક્તિઓ, મીડિયા પ્રતિનિધિઓ તેમજ શાળાના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

‘સહાયતા સેતુ-2026’ કવાયતમાં સામૂહિક સજ્જતા વધારવા અને પરસ્પર અનુભવ તથા જ્ઞાનના આદાન-પ્રદાનને પ્રોત્સાહન આપવા માટે વિવિધ પ્રવૃત્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. કવાયત અંતર્ગત યોજાયેલા સેમિનારમાં જ્ઞાન અને નિષ્ણાતોના અનુભવનું આદાન-પ્રદાન કરવામાં આવ્યું હતું. ટેબલ ટોપ એક્સરસાઇઝ (TTX) દ્વારા કાલ્પનિક આપત્તિની પરિસ્થિતિઓમાં નિર્ણય લેવાની પ્રક્રિયા અને પ્રતિભાવ આયોજન માટે સહભાગી દેશો અને એજન્સીઓને સંયુક્ત મંચ પૂરું પાડવામાં આવ્યું હતું.
આ ઉપરાંત, સ્ટેટિક ડિસ્પ્લે દ્વારા વિવિધ સાધનો અને તેમની કાર્યક્ષમતાઓ અંગે ટેકનિકલ જાણકારી મેળવવાની તક મળી હતી. જ્યારે મલ્ટી-એજન્સી ક્ષમતા પ્રદર્શન (MACD)માં જમીન, હવાઈ અને દરિયાઈ ક્ષેત્રોમાં પસંદગીની ઓપરેશનલ ક્ષમતાઓ તથા વિવિધ એજન્સીઓ વચ્ચેના સંકલનનું પ્રાયોગિક નિદર્શન કરવામાં આવ્યું હતું. આ તમામ પ્રવૃત્તિઓ દ્વારા પરસ્પર સહયોગ, સમજણ અને સંયુક્ત આપત્તિ પ્રતિભાવ ક્ષમતાને વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
આ કવાયત દરમિયાન QUAD HADR વર્કિંગ ગ્રૂપની બેઠક પણ યોજાઈ હતી. જેમાં ભાગ લેનારા દેશોએ સંકલિત આપત્તિ પ્રતિભાવ વ્યવસ્થાને આગળ વધારવા અને QUAD HADR ભાગીદારી હેઠળ પ્રાદેશિક ક્ષમતા નિર્માણને વધુ મજબૂત બનાવવા માટેની પોતાની સહિયારી પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો.
મીડિયા સાથેની વાતચીત દરમિયાન ચીફ ઓફ ડિફેન્સ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, આપત્તિ રાહત કામગીરી માટે સમગ્ર રાષ્ટ્રના સંકલિત અભિગમ (Whole-of-Nation Approach)ની આવશ્યકતા છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ભારતની ‘નેબરહુડ ફર્સ્ટ’ નીતિ અને ‘મહાસાગર’ના વિઝનના માર્ગદર્શન હેઠળ ભારત ઇન્ડો-પેસિફિક ક્ષેત્ર અને હિંદ મહાસાગર ક્ષેત્ર (IOR)માં વિશ્વસનીય પ્રથમ પ્રતિભાવક (First Responder) તરીકેની ભૂમિકા ભજવી રહ્યું છે.
આ કવાયતની સફળતાએ કુદરતી આપત્તિઓ અને માનવતાવાદી કટોકટીની પરિસ્થિતિઓમાં અસરકારક પ્રતિસાદ આપવા માટે સંકલિત આયોજન, સુચારુ સંકલન, વિવિધ એજન્સીઓ વચ્ચે પરસ્પર કાર્યક્ષમતા (Interoperability) અને ટેકનોલોજીકલ નવીનતાના ઉપયોગનું મહત્ત્વ ઉજાગર કર્યું હતું. સાથે જ, સમગ્ર સરકાર અને સમગ્ર સમાજના સંકલિત અભિગમ દ્વારા જટિલ આપત્તિની પરિસ્થિતિઓનો સામનો કરવા માટે ભાગ લેનારા સંરક્ષણ દળો, રાષ્ટ્રીય એજન્સીઓ અને આંતરરાષ્ટ્રીય ભાગીદારોની સામૂહિક ક્ષમતાને વધુ મજબૂત બનાવી હતી.
આમ, ‘સહાયતા સેતુ-2026’ કવાયત દ્વારા માનવતાવાદી સેવા, આંતરરાષ્ટ્રીય સહયોગ અને કાર્યકારી શ્રેષ્ઠતા પ્રત્યે તમામ સહભાગીઓની પ્રતિબદ્ધતાને પુનઃસ્થાપિત કરવામાં આવી હતી.
‘મેક ઇન ઇન્ડિયા’ના સંકલ્પ સાથે ભારત સંરક્ષણ ક્ષેત્રે આત્મનિર્ભરતાની નવી ઊંચાઈઓ સર કરી રહ્યું છે : મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા
આ પ્રસંગે રાજ્યના વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ, વિજ્ઞાન અને પ્રોદ્યોગિક વિભાગના મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ‘મેક ઇન ઇન્ડિયા’ના સંકલ્પને સાકાર કરવાની દિશામાં આજે ભારત સંરક્ષણ ક્ષેત્રે આત્મનિર્ભર બની રહ્યું છે. સેનાની જરૂરિયાત મુજબનાં વિમાનો, જહાજો, યુદ્ધ જહાજો અને આધુનિક સંરક્ષણ ઉપકરણોનંિ ભારતમાં જ ઉત્પાદન થાય તેવા નિર્ધાર સાથે દેશ આગળ વધી રહ્યો છે. આ અંતર્ગત સ્વદેશી ટેક્નોલોજીથી નિર્મિત વિમાનો, જહાજો અને અન્ય આધુનિક યુદ્ધ સાધનોનું પણ આજે પ્રદર્શન કરવામાં આવ્યું હતું.