BREAKING NEWS

રેલકર્મીઓમાં ગણગણાટ: હાપામાં કોરોના કાળથી એક હજારમાં રેશનકાર્ડ નીકળતા હતા

  • November 19, 2026 06:21 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગરીબી રેખા હેઠળ જીવતા જરૂરિયાતમંદ પરિવારોને સસ્તા દરે અનાજ મળી રહે તે હેતુથી અમલી બનેલા નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ (NFSA) હેઠળ રાજકોટ રેલવે ડિવિઝનના પાંચ ગેઝેટેડ ઓફિસર સહિત કુલ 774 કર્મચારીઓના નામે રેશનકાર્ડ નોંધાયેલા હોવાની વિગતો બહાર આવ્યા બાદ રેલવે તંત્રમાં ભારે ચર્ચા જાગી છે. સરકારી કર્મચારીઓ રેશનકાર્ડ મેળવવા માટે લાયક ન હોવા છતાં આટલી મોટી સંખ્યામાં કર્મચારીઓના નામે કાર્ડ કેવી રીતે ઇશ્યૂ થયા તે સવાલ ઉઠ્યો છે.


કેન્દ્રીય ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયના ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગ દ્વારા દેશભરના રેલવેના કુલ 1,82,283 કાર્યરત કર્મચારીઓ NFSA હેઠળના રેશનકાર્ડ ધરાવતા હોવાનું ધ્યાન પર લાવવામાં આવ્યું છે. આ યાદીમાં રાજકોટ ડિવિઝનના 774 કર્મચારીઓનો સમાવેશ થાય છે. આ વિગતોના આધારે રેલવે તંત્ર દ્વારા સંબંધિત કર્મચારીઓને વ્યક્તિગત રીતે બોલાવી રેશનકાર્ડ અંગેની ખરાઈ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત કર્મચારીઓ પાસે ખાસ ડિકલેરેશન ફોર્મ પણ ભરાવવામાં આવી રહ્યાં છે.


બીજી તરફ રાજકોટ ડિવિઝનના હાપા જંકશન ખાતે કોરોના કાળથી જ આ પ્રકારનાં રેશનકાર્ડ રૂ. એક હજાર આપીને બનાવી આપવામાં આવતાં હોવાની ચર્ચાએ પણ જોર પકડ્યું છે. આ સમગ્ર પ્રક્રિયામાં ડીઝલ શેડના એક કર્મચારીની વચેટિયા તરીકે ભૂમિકા હોવાની અને તે કર્મચારી હાલ નિવૃત્ત થઈ ગયા હોવાની પણ કર્મચારીઓમાં ચર્ચા થઈ રહી છે.


જોકે, આક્ષેપો અને ચર્ચાઓની સત્તાવાર પુષ્ટિ થવાની બાકી છે. બીજી તરફ 774 કર્મચારીઓનાં નામે કાર્ડ નોંધાવાની બાબતને પગલે રેલવે તંત્ર દ્વારા શરૂ કરાયેલી તપાસમાં કયા કર્મચારીઓએ કયા આધારે રેશનકાર્ડ મેળવ્યાં હતાં અને તેની પાછળ કોઈ વ્યવસ્થિત નેટવર્ક કાર્યરત હતું કે કેમ તે સહિતના મુદ્દા સ્પષ્ટ થવાની શક્યતા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application