અમદાવાદ શહેરમાં ચોરી કરેલા ક્રૂડ ઓઈલના જથ્થા સાથે છ શખ્સો ઝડપાતા મોટો ખુલાસો થયો છે. ગુજરાત એન્ટિ ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) ની ટીમે મળેલી ચોક્કસ બાતમીના આધારે વટવા-વિંઝોલ રિંગ રોડ પર આવેલા હેપ્પી ભરવાડના પાર્કિંગમાં દરોડા પાડ્યા હતા. આ કાર્યવાહી દરમિયાન ONGCના કૂવામાંથી ચોરી કરવામાં આવેલા આશરે 8,000 લિટર ક્રૂડ ઓઈલના જથ્થા સાથે છ આરોપીઓને રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા છે. પ્રાથમિક વિગતો મુજબ, ખેડા જિલ્લાના સારસા ખાતે આવેલા ONGCના ઓઈલ કૂવામાંથી આ ક્રૂડ ઓઈલની ચોરી કરીને વેચાણ કરવાના ઈરાદે અમદાવાદ લાવવામાં આવ્યું હતું.
આ સમગ્ર મામલે મળતી વિગતો અનુસાર, ગુજરાત ATSને એવી બાતમી મળી હતી કે અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં રહેતા ગફારભાઈ રંગરેજ, મોહસીન રંગરેજ, ઉસ્માનભાઈ તેમજ ONGCમાં કોન્ટ્રાક્ટ પર ફરજ બજાવતો નસરુદ્દીન મલેક ઉર્ફે વીકી નામના શખ્સો ONGCની પાઈપલાઈન અને કૂવામાંથી ક્રૂડ ઓઈલની ચોરી કરે છે. આ શખ્સો ચોરીનું ઓઈલ વટવા-વિંઝોલ રિંગ રોડ પર આવેલા હેપ્પી ભરવાડના પાર્કિંગમાં ખાલી કરી રહ્યા હોવાની માહિતી મળતા ATSની ટીમ સક્રિય થઈ હતી.
બાતમીના આધારે ગુજરાત ATSની ટીમે વટવા-વિંઝોલ રિંગ રોડ સ્થિત પાર્કિંગમાં અચાનક દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન ONGC લખેલા એક ટેન્કરમાંથી ટ્રકમાં મૂકેલા ટાંકામાં પાઈપ મારફતે ક્રૂડ ઓઈલ ટ્રાન્સફર કરીને ખાલી કરવામાં આવી રહ્યું હતું. ATSની ટીમે ઘટનાસ્થળેથી ગફાર અને મોહસીન સહિત કુલ છ આરોપીઓને દબોચી લીધા હતા. પોલીસે સ્થળ પરથી ટેન્કરમાંથી 4,500 લિટર અને ટ્રકમાંથી અન્ય જથ્થા સહિત કુલ 8,000 લિટર ક્રૂડ ઓઈલનો જથ્થો કબજે કર્યો છે.
ઝડપાયેલા આરોપીઓની પ્રાથમિક પૂછપરછમાં ચોરીની સમગ્ર મોડસ ઓપરેન્ડી સામે આવી હતી. આરોપીઓએ કબૂલાત કરી હતી કે તેમણે ખેડા જિલ્લાના સારસા ગામ ખાતે આવેલા ONGCના ઓઈલ કૂવા નંબર-26 પરથી કેશીંગ વાલ્વ મારફતે ફાઈટર પંપ ફિટ કરીને ક્રૂડ ઓઈલની ચોરી કરી હતી. ત્યારબાદ આ ચોરીનું ક્રૂડ ઓઈલ અમદાવાદમાં વેચાણ અર્થે લાવવામાં આવ્યું હતું.
આ મામલે પોલીસે છ આરોપીઓની ધરપકડ કરી છે, જેમાં ગફ્ફાર રંગરેજ (ઉ.વ. 61), મોહસીન રંગરેજ (ઉ.વ. 35), મોહમદ જાવેદ રંગરેજ (ઉ.વ. 44), નસીરૂદ્દીન ઉર્ફે વિકી તાજુદ્દીન મલેક (ઉ.વ. 42), ભીખા ચૌહાણ (ઉ.વ. 46) અને રાયસંગ ઠાકોર (ઉ.વ. 40) નો સમાવેશ થાય છે. આ નેટવર્કમાં અન્ય કોણ-કોણ સામેલ છે અને અગાઉ કેટલી વખત આ રીતે ચોરી કરવામાં આવી છે, તે દિશામાં તપાસ એજન્સીઓ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.