કચ્છમાં રહેતી અને નર્સિંગનો કોર્સ કરનાર ૨૦ વર્ષીય યુવતીએ સરધારના નવા ગામમાં રહેતા રામ મુકેશભાઈ છૈયા તેનો ભાઈ શ્યામ અને તેના પિતા મુકેશ છૈયા અને તેના સંબંધી અને ભાજપના અગ્રણી એવા એવા રાજાભાઈ ઉર્ફે રાજેશ મેણંદભાઈ ચાવડા વિરુદ્ધ દુષ્કર્મ અને ધમકીની ફરિયાદ નોંધાવી છે. યુવતી સાથે અભ્યાસ કરનાર રામ તેને કચ્છથી ગાડીમાં કરી અહીં સરધારના નવાગામમાં ગોંધી રાખી તેના પર દુષ્કર્મ આચાર્ય હતું. જ્યારે તેના ભાઈ અને પિતા તેને માનસિક ત્રાસ અને ધમકી આપતા હતા. આગેવાન રાજા ચાવડાએ યુવતીના માથે બંદૂક જેવું હથિયાર રાખી તેને છોડવા માટે ૨૦ લાખની ખંડણી માંગી હતી. જે અંગે યુવતીએ કચ્છમાં ફરિયાદ નોંધાવ્યા બાદ ઝીરો નંબરથી ટ્રાન્સફર થઈ આજીડેમ પોલીસ સ્ટેશનમાં ચાલી શખસો વિરુદ્ધ ગુનો નોંધાયો છે.
યુવતીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ધોરણ ૧૨ પછી તેણે બે વર્ષ નર્સિંગનો કોર્સ કર્યો છે ત્રણેક વર્ષ પહેલાં તે રાજકોટના કોટડા તાલુકાના ગામમાં આવેલી શૈક્ષણિક સંસ્થામાં ધોરણ ૧૨ માં અભ્યાસ કરતી હતી ત્યારે સાથે અભ્યાસ કરનાર નવા ગામનો રામ છૈયા તેના પર ખરાબ નજર રાખતો હતો અને તેની સાથે સંપર્કમાં રહેવા પ્રયત્ન કરતો હતો. ધોરણ ૧૨ નો અભ્યાસ પૂરો કરી યુવતી ધ્રોલ ખાતે નર્સિંગનો અભ્યાસ કરવા ગઈ હતી. બે વર્ષ નર્સિંગનો અભ્યાસ કર્યા બાદ વતન પરત ફરી હતી. તા. ૬-૧-૨૦૨૬ ના તે ધ્રોલ ખાતે રીઝલ્ટ લેવા માટે એકલી આવી હતી ત્યારે ગ્રે કલરની કારમાં રામ આવ્યો હતો અને યુવતીને પકડી ગાડીમાં બેસાડી કોઈ કાગળમાં સહી કરાવી લીધી હતી. ત્યારબાદ ફોટા પાડી લીધા હતા અને યુવતીને રાજકોટ મૂકી જતો રહ્યો હતો.
બાદમાં તા.૨૩-૩-૨૦૨૬ ના યુવતી વતન હતી ત્યારે સામખયાળીમાં રહેતા તેના સંબંધી બીમાર હોય જેથી તે સામખયાળી જવા માટે નીકળી હતી. અહીં સામખયારી બસ સ્ટેન્ડ પાસે ઉતરીને જતી હતી ત્યારે યુવતી કારમાં રામ તથા બે અજાણ્યા શખસો આવ્યા હતા અને યુવતીનો ફોન આંચકી બંધ કરી તેને કારમાં બેસાડી રામ નવાગામ સરધાર ખાતે તેના ઘરે લઈ ગયો હતો જ્યાં યુવતીને એક રૂમમાં પૂરી દીધી હતી અને ત્યાં રામ છૈયાએ તેની સાથે અવારનવાર સંબંધ બાંધ્યો હતો. એટલું જ નહીં રામના પિતા મુકેશ અને તેનો ભાઈ શ્યામ યુવતીને જાનથી મારી નાખવાની ધમકી આપી ત્રાસ આપતા હતા. યુવતીએ તેમને છોડી દેવા માટે આજીજી કરતા તેઓ રૂપિયાની માંગણી કરતા હતા આરોપીના સંબંધી રાજેશભાઈ ઉર્ફે રાજાભાઈ ચાવડાએ યુવતીના માથે બંદૂક જેવું હથિયાર રાખી તારા પિતાજી અમોને રૂપિયા ૨૦ લાખ આપશે તો તને છોડીશું નહીં તેમ કહી આ બધા યુવતીને ટોર્ચર કરતા હતા.
પંદરેક દિવસ યુવતીને ગોંધી રાખ્યા બાદ આરોપી રામનો મોબાઇલ યુવતીના હાથમાં આવતા તેણે સ્નેપ ચેટમાંથી પોતાના ભાઈના નંબર મેળવી તેણે ફોન કરી પોતાની જાણ કરી હતી. જેથી તા. ૩૦-૫-૨૦૨૬ ના બપોરના યુવતીનો ભાઈ તેના પિતા તથા બીજા ત્રણથી ચાર વ્યક્તિઓ અહીં નવાગામ આવ્યા હતા અને તેમણે આરોપીના પરિવારજનોને સમજાવી દીકરી પાછી આપી દો તેવું કહ્યું હતું. પરંતુ તેઓએ રૂપિયાની માંગણી કરી હતી દરમિયાન યુવતી જે રૂમમાં હતી તે રૂમનો દરવાજો તેના ભાઈએ તોડી નાખી યુવતીને ક્રેટા કારમાં બેસાડી અહીંથી નીકળી ગયા હતા વતન પહોંચ્યા બાદ યુવતી આ અંગે કચ્છમાં ફરિયાદ નોંધાવી હતી જે ઝીરો નંબરથી ટ્રાન્સફર થઈ આજીડેમ પોલીસે ચારેય આરોપીઓ વિરુદ્ધ બીએનએસની કલમ ૧૧૫(૨), ૩૦૮(૩), ૧૨૭(૪), ૩૫૧ (૩) અને ૫૪ મુજબ ગુનો દાખલ કરી જરૂરી કાર્યવાહી કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, યુવતીએ જેની સામે ફરિયાદ નોંધાવી છે તેમાં રાજા ઉર્ફે રાજેશ ચાવડા સિવિલ હોસ્પિટલમાં રોગી કલ્યાણ સમિતિમાં સભ્ય છે. અને તેના પત્ની બેડી જિલ્લા પંચાયતની બેઠક પરથી ચૂંટાયા છે. તેમજ તેના કાકા નાગદાનભાઇ ચાવડા રાજકોટ જિલ્લા ભાજપના આગેવાન છે.
ભાઇએ દરવાજો તોડી ગોંધી રાખાયેલી બહેનને મુકત કરાવી
યુવતીના પરિવારજનો અહીં સરધારમાં દીકરની લેવા માટે આવ્યા હતાં. ત્યારે પણ આરોપી યુવતીને જવા દેતા ન હતાં. દરમિયાન યુવતીના ભાઇને બહેન રૂમમાં હોવાની જાણ થયા બાદ તેણે દરવાજો તોડી બહેનને મુકત કરાવી હતી.