ડાયમંડ સિટી સુરતના હીરા ઉદ્યોગ માટે ચીન તરફ મોટો ઝટકો આપવામાં આવ્યો છે. વિશ્વભરમાં લેબગ્રોન ડાયમંડના રફનો મુખ્ય સપ્લાય કરતી ચીનની બે દિગ્ગજ કંપનીઓએ ભાવ વધારાની સત્તાવાર જાહેરાત કરી છે. ચીનની 'લિઆન ડાયમંડ' અને 'ઝોંગનાન ડાયમંડ' કંપની દ્વારા રફ હીરાના ભાવમાં દસ ટકા વધારો ઝીંકવામાં આવતા સુરતના લેબગ્રોન ડાયમંડ ઉદ્યોગકારોની ચિંતામાં વધારો થયો છે. કાચા માલ એટલે કે રફ હીરા મોંઘા થવાથી સ્થાનિક ઉદ્યોગકારોની પડતર કિંમત સીધી રીતે વધી જવાની ભીતિ સેવાઈ રહી છે, જેની સીધી અસર આગામી દિવસોમાં તૈયાર થતા પોલિશ્ડ લેબગ્રોન ડાયમંડના ભાવ પર પણ જોવા મળી શકે છે.
સુરત શહેર જે રીતે નેચરલ ડાયમંડના કટિંગ અને પોલિશિંગ માટે વિશ્વપ્રસિદ્ધ છે, તે જ રીતે છેલ્લા કેટલાક સમયથી લેબગ્રોન ડાયમંડના કટિંગ અને પોલિશિંગનું પણ સૌથી મોટું હબ બનીને ઉભરી આવ્યું છે. સુરતના આ ઉદ્યોગ માટે મોટાભાગનો રફ સપ્લાય ચીનથી આવે છે. તાજેતરમાં ચીનની હેનાન સ્થિત લિઆન ડાયમંડ અને ઝોંગનાન ડાયમંડ કંપનીએ ભાવ વધારા અંગે પરિપત્ર બહાર પાડ્યો છે. જે મુજબ, લિઆન ડાયમંડ કંપનીએ 1 નવેમ્બર, 2026થી જ રફ લેબગ્રોન ડાયમંડના વર્તમાન ભાવમાં સીધો 10 ટકાનો વધારો લાગુ કરી દીધો છે.
બીજી તરફ, ચીનની અન્ય અગ્રણી કંપની ઝોંગનાન ડાયમંડ દ્વારા પણ રફ હીરાના ભાવ વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે, ઝોંગનાન ડાયમંડે કોઈ ચોક્કસ ટકાવારી જાહેર કરવાને બદલે રફ હીરાના મૂળ ભાવ અને ગુણવત્તાના આધારે યોગ્ય પ્રમાણમાં ભાવ વધારો કરવાની જાહેરાત કરી છે. આ બંને કંપનીઓએ ભાવ વધારા પાછળનું કારણ સ્પષ્ટ કરતા જણાવ્યું છે કે, આંતરરાષ્ટ્રીય બજારમાં રો-મટિરિયલ્સ અને અન્ય કાચા માલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે, જેના કારણે તેમનો ઉત્પાદન ખર્ચ ઘણો વધી ગયો છે.
ચીનની આ બંને કંપનીઓના નિર્ણયથી સુરતના હીરા વેપારીઓ અને મેન્યુફેક્ચરર્સ માટે લેબગ્રોન રફની ખરીદી હવે વધુ મોંઘી બનશે. સુરતના ઉદ્યોગકારોના મત મુજબ, પહેલાથી જ બજારમાં વિવિધ પડકારો ચાલી રહ્યા છે ત્યારે રફ હીરા મોંઘા થવાથી મેન્યુફેક્ચરિંગ કોસ્ટ એટલે કે પડતર કિંમત ઊંચી જશે. ઉદ્યોગકારો પર ખર્ચનું દબાણ વધતા માર્જિન જાળવી રાખવું મુશ્કેલ બનશે. પરિણામે, આગામી સમયમાં આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક બજારમાં પોલિશ્ડ લેબગ્રોન ડાયમંડના ભાવમાં પણ ઉછાળો જોવા મળે તેવી પૂરી શક્યતા છે.