BREAKING NEWS

રાજકોટના 200 ફૂડ સેમ્પલના લેબ રિપોર્ટ પેન્ડિંગ, સમયસર રિપોર્ટ આવતા ન હોય કોર્ટ કેસ દાખલ કરવામાં વિલંબ

  • September 16, 2026 12:23 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ મહાપાલિકાની ફૂડ બ્રાન્ચ દ્વારા છેલ્લા બે મહિનાથી ખાધ્ય પદાર્થોમાં થતી ભેળસેળ પકડવા માટે સર્વેલન્સ, ચેકિંગ, સેમ્પલિંગ ડ્રાઇવ હાથ ધરવામાં આવી છે જે અંતર્ગત શંકાસ્પદ જણાય તેવા ખાધ્ય પદાર્થોના અંદાજે કુલ ૨૦૦ જેટલા ફૂડ સેમ્પલ લઇને તેને પરીક્ષણ અર્થે ફૂડ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા જેમાંથી આજ દિવસ સુધીમાં એક પણ સેમ્પલનો રિપોર્ટ આવ્યો નહીં હોવાનું જાણવા મળે છે.

વિશેષમાં મ્યુનિ.સૂત્રોમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર સતત ચાલતી ચેકિંગ ડ્રાઇવ અંતર્ગત લગાતાર સેમ્પલ લેવામાં આવી રહ્યા છે અને ફૂડ લેબોરેટરીમાં મોકલવામાં આવી રહ્યા છે. પરંતુ હાલ લેબોરેટરીમાં સેમ્પલનો ભરાવો થઇ જતાં પરીક્ષણ રિપોર્ટ આવવામાં વિલંબ થઇ રહ્યો છે. જો કે હવે તબક્કાવાર રિપોર્ટ આવવાનું શરૂ થશે તેવો આશાવાદ સ્ટાફના વર્તુળો વ્યક્ત કરી રહ્યા છે.

રાજકોટમાં ભેળસેળ પકડવા માટે ૩૬૫ દિવસીય ઝુંબેશ જાહેર કરવામાં આવી હોય અને હાલ ફક્ત પાંચ જ ફૂડ ઓફિસર કાર્યરત હોય હવે વધુ ચાર ઓફિસરોની ભરતી કરવાની પ્રક્રિયા આગળ ધપાવવામાં આવી છે જેથી ટૂંક સમયમાં ફૂડ બ્રાન્ચમાં નવા અધિકારીઓનું આગમન થશે તેમ જાણવા મળે છે.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા લેવાતા ફૂડ સેમ્પલ બરોડા લેબમાં પરીક્ષણ અર્થે મોકલાતા હોય છે, ક્યારેક બરોડા લેબમાં સેમ્પલનો ભરાવો થઇ જાય તો પુના પણ મોકલવામાં આવતા હોય છે, જો કે સેમ્પલ કઇ લેબમાં મોકલ્યા છે તે બાબત નિયમાનુસાર જાહેર આરોગ્યના હિતમાં ગોપનીય રાખવામાં આવતી હોય છે.

સેમ્પલના રિપોર્ટ સમયસર આવતા ન હોય ભેળસેળ કરતા ધંધાર્થીઓ તેમની પ્રવૃતિ ચાલું રાખે છે અને કોર્ટ કેસ દાખલ કરવાની પ્રક્રિયા પણ વિલંબિત થાય છે.


૩૬ ફૂડ ઓફિસરની ભરતી દરખાસ્ત

રાજકોટની વધતી જતી વસતી અને વિસ્તાર વચ્ચે ખાણીપીણીના ધંધાર્થીની સંખ્યા દિન પ્રતિદિન વધતી જતી હોય હાલ કાર્યરત પાંચ ફૂડ સેફ્ટી ઓફિસરો ઉપરાંત મહાપાલિકાના કુલ ૧૮ વોર્ડમાં વોર્ડ દીઠ બબ્બે તેમ કુલ ૩૬ ફૂડ ઓફિસર ફાળવવા માટે માંગણી દરખાસ્ત કરાઇ છે.ભેળસેળ પકડવા નિયમિત ફૂડ ચેકિંગ કરવું હોય તો આટલી ભરતી કરવી અત્યંત જરૂરી છે.


ફૂડ લેબમાં નિર્માણ કરતા મહેકમ ખર્ચ વધુ !

રાજકોટમાં ફૂડ સેમ્પલના ટેસ્ટિંગ માટે ફૂડ લેબોરેટરીનું નિર્માણ કરવાના મહાપાલિકાના બજેટરી પ્રોજેક્ટ ઉપર હાલ કામ શરૂ થઇ ચૂક્યું છે, બેથી અઢી વર્ષમાં આ પ્રોજેક્ટ સાકર થઇ જશે ત્યારબાદ રાજકોટના ફૂડ સેમ્પલનું રાજકોટમાં જ ચેકિંગ થઇ શકશે. જો કે હાલ તો એવી વિગતો સામે આવી રહી છે નિયમ મુજબ લેબમાં જેટલા ક્વોલિફાઇડ કર્મચારી નિયુક્ત કરવા પડે તે જોતા ઇન્ફ્રાસ્ટ્રક્ચરની તુલનાએ મહેકમનો ખર્ચ વધી જશે. એવી પણ સંભાવના છે કે સૌરાષ્ટ્રના અન્ય શહેરોના સેમ્પલ પણ રાજકોટ લેબમાં ટેસ્ટિંગ માટે આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application