ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા ઔદ્યોગિક એકમો દ્વારા કરવામાં આવતી નામફેરની અરજીઓ પર ઝડપથી અને પારદર્શક રીતે નિર્ણય લેવાય તે હેતુથી રજૂ થતા દસ્તાવેજોની યાદીમાં મહત્વપૂર્ણ સુધારો કરવામાં આવ્યો છે. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા વહીવટી તંત્રમાં 'ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસ' અંતર્ગત ત્વરિત નિર્ણયો લેવાય તે માટે નીતિગત સ્તરે આ ફેરફારો કરવામાં આવી રહ્યા છે.
નવા નિયમો અનુસાર, ઔદ્યોગિક વિસ્તાર સિવાયના સ્થળોએ આવેલા ઉદ્યોગોના નામફેરની અરજીઓ સાથે જમીન સંબંધિત દસ્તાવેજો રજૂ કરવાના રહેશે. આના ભાગરૂપે, ઔદ્યોગિક સિવાયના વિસ્તારોમાં મોટા પાયે ધમધમતા ઉદ્યોગોની સ્થાપના અને તેની કાયદેસરતાની બાબત તંત્રને ઉપલબ્ધ થાય તે માટે જીપીસીબી દ્વારા આ નિર્ણય લેવાયો છે.
જો કોઈ ખાણકામનો પ્રોજેક્ટ હોય, તો અરજી સાથે ખાણ વિભાગની લીઝની મંજૂરી જોડવી અનિવાર્ય છે, તેમજ ભૂસ્તર વિજ્ઞાન અને ખાણ વિભાગ તરફથી અપાયેલી લીઝની મંજૂરી પણ રજૂ કરવી પડશે.
અરજી સાથે નવા માલિકનું નામ, સરનામું અને આધાર કાર્ડ જોડવાનું રહેશે.જો સંબંધિત વિસ્તાર ઔદ્યોગિક વિસ્તાર હોય, તો જીઆઈડીસી અથવા નોટિફાઈડ એરિયા બોર્ડ-કોર્પોરેશનનો એલોટમેન્ટ લેટર આપવાનો રહેશે.
જો વિસ્તાર ઔદ્યોગિક ન હોય, તો રજિસ્ટર્ડ સેલ ડીડ (દસ્તાવેજ), સાત-બારાનો ઉતારો અને ગામ નમૂના નંબર-૨ આપવાના રહેશે.
જો મિલકત ભાડે કે લીઝ પર અપાયેલી હોય, તો લીઝ એગ્રીમેન્ટ તથા જરૂરિયાત મુજબ એનસીએલટી ઓર્ડર અને બેંકની હરાજીનો માલિકી હક સિદ્ધ કરતો પત્ર પણ રજૂ કરવો પડશે.
આ તમામ દસ્તાવેજોની પૂર્તતા બાદ જ જીપીસીબી દ્વારા નામફેરની અરજી પર આગળની કાર્યવાહી કરવામાં આવશે, જેથી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અંકુશમાં રહે અને વહીવટી સરળતા જળવાઈ રહે.