રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં છેલ્લા ૨૦ દિવસથી વરસાદ નથી, રાજકોટ શહેરમાં છેલ્લે તા.૧૧ ઓગસ્ટના રોજ ફક્ત એક મી.મી.વરસાદ નોંધાયો હતો, શ્રાવણ મહિનો સંપૂર્ણ કોરાકટ જઇ રહ્યો છે, અલબત્ત અધિક માસ સહિતની ગણતરી કરીએ તો હાલ ભાદરવો મહિનો ગણાય જો આ મહિનામાં વરસાદ ન વરસે તો હવે દસેક દિવસમાં ચોમાસું પૂર્ણ થયું ગણાય. દરમિયાન સ્થાનિક માંગણી ગ્રાહ્ય રાખીને સરકારે સૌની યોજનાનું નર્મદાનીર છોડતા રાજકોટના ન્યારી ડેમ અને સુરેન્દ્રનગરના ધોળીધજા ડેમની સપાટીમાં વધારો નોંધાયો છે.
વિશેષમાં રાજકોટ સિંચાઇ વર્તુળના ફ્લડ સેલના સૂત્રોના જણાવ્યા મુજબ છેલ્લા ૨૪ કલાકમાં કુલ ૮૩ પૈકી એક પણ ડેમ સાઇટ ઉપર વરસાદ નથી કે ૮૩ પૈકી એક પણ ડેમ સાઇટમાં વરસાદી પાણીની આવક થઇ નથી. દરમિયાન સૌની યોજનાનું નર્મદાનીર છોડવામાં આવતા રાજકોટ શહેરના ન્યારી ૧ ડેમની સપાટીમાં ૦.૧૬ ફૂટનો વધારો થયો છે, કુલ ૨૫.૧૦ ફૂટની ઉંડાઈના ન્યારી ડેમની સપાટી હાલ ૧૫.૪૦ ફૂટે પહોંચી છે. જ્યારે સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ ભોગાવો-૨ (ધોળી ધજા) ડેમની સપાટીમાં ૦.૩૦ ફૂટનો વધારો થયો છે. કુલ ૨૦ ફૂટની ઉંડાઇના ધોળી ધજા ડેમની સપાટી હાલ ૧૫.૫૦ ફૂટે પહોંચી છે.
દરમિયાન સૂત્રોએ ઉમેર્યું હતું કે રાજકોટ શહેરની જીવાદોરી સમાન મુખ્ય જળસ્ત્રોત આજી-૧ ડેમમાં આગામી તા.૪ સપ્ટેમ્બરને જન્માષ્ટમીથી નર્મદાનીર ઠાલવવાનું શરૂ કરાશે.
રાજકોટના જળાશયોની આજની સ્થિતિ
ડેમ કુલ ઉંડાઇ નવી આવક હાલની સપાટી
આજી-૧ ૨૯.૦૦ ફૂટ ૦.૦૦ ફૂટ ૨૦.૪૦ ફૂટ
ન્યારી-૧ ૨૫.૧૦ ફૂટ ૦.૧૬ ફૂટ ૧૫.૪૦ ફૂટ
ભાદર-૧ ૩૪.૦૦ ફૂટ ૦.૦૦ ફૂટ ૧૮.૧૦ ફૂટ