BREAKING NEWS

સાવરકુંડલાના મોટા જીંજુડાની ભત્રીજીની નવ વીઘા જમીન ઉપર મોટાબાપુએ કબ્જો કરી લેતા લેન્ડ ગ્રેબિંગ હેઠળ ગુનો

  • December 05, 2025 10:37 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સાવરકુંડલાના મોટા જીંજુડા ગામે નાના ભાઈની નવ વીઘા જમીન ઉપર મોટાભાઈએ કબ્જો કરી લેતા ભત્રીજીએ મોટાબાપુ ઉપર અમરેલી કલેકટરમાં લેન્ડ ગ્રેબીંગ હેઠળ ફરિયાદ નોંધવા અરજી કરતા કલેકટરના આદેશના પગલે સાવરકુંડલા રૂરલ પોલીસે સુરત સ્થિત આધેડ સામે લેન્ડ ગ્રેબિંગ હેઠળ ગુનો નોંધ્યો છે.


બનાવની પ્રાપ્ત વિગત મુજબ હાલ અમદાવાદના નિકોલમાં રહેતી અને મૂળ સાવરકુંડલાના મોટા જીંજુડા ગામની સમીક્ષાબેન ભૌતિકભાઈ કોલડિયા (ઉ.વ.25)એ સાવરકુંડલા રૂરલ પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, મોટા જીંજુડા ગામની રેવન્યુ સર્વે નંબર 212 પૈકી 4માં આવેલી 1.42.14 હેકટર ચો.મી.જમીન (18 વીઘા) મારા દાદા જેરામભાઈ રૂડાભાઈના નામે હતી અને તેની હયાતીમાં આ જમીનના ભાગ પાડતા મારા પિતા મનસુખભાઇ અને મોટા બાપુજી હિંમતભાઇના ભાગે નવ-નવ વીઘા આવી હતી. મારા પિતાનું અવસાન થતા જમીન બાબતેની મને કોઈ માહિતી ન હતી આથી મારા પિતાના ભાગની નવ વીઘા જમીન મારા મોટાબાપુ હિંમતભાઈએ કબ્જો કરી તેમાં વાવણી કરવા લાગ્યા હતા. મને કૌટુંબિજનો મારફતે જમીન બાબતેની ખબર પડતા ત્રણેક વખત મોટાબાપુ પાસે જમીનની વાત કરવા જતા કહેવા લાગ્યા હતા કે, જમીન મારી પાસે છે પણ આપવી નથી, આ જમીન તારા પિતા એની સાથે લઇ ગયા છે અને હવે જીંજુડા જમીન બાબતે આવવું નહીં. આથી સાવરકુંડલા મામલતદાર કચેરીમાં જઈ તપાસ કરતા મોટાબાપુએ જમીન પોતાના અને દાદીના નામે કરવા માટે વર્ષ 2008-9-12 એમ ત્રણ વખત અરજી કરી હતી પરંતુ અરજી રદ કરવામાં આવી હતી. બાદમાં મેં 15-2-24ના મારા પિતાના નામે આવેલી જમીનમાં વારસાઈ કરવા માટેની અરજી આપતા અરજી માન્ય રાખી વારસાઈ નોંધ કરાવી હતી. તેમજ જમીન પર ધિરાણ પણ મેં મેળવ્યું હતું. એમ છતાં સુરત રહેતા મોટાબાપુ હિંમતભાઇ મારા પિતાની વારસાઈ જમીન જે મારા નામે હોય તે ખાલી કરતા ન હોય અને તેમાં વાવેતર કરી ઉપજ મેળવી રહ્યા છે. આથી જમીન પર ગેરકાયદેસર કબ્જો કરી લેતા અમરેલી ક્લેક્ટરમાં ઓનલાઈન અરજી કરી હતી જે અરજીના આધારે તપાસ કરી પોલીસે સુરત સ્થિત હિંમતભાઇ જેરામભાઈ દુધાત સામે લેન્ડ ગ્રેબીંગ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application