ગુજરાતમાં ચાલુ વર્ષે નબળું ચોમાસું વિધિવત રીતે વિદાય લઈ ચૂક્યું છે અને હવે રાજ્યમાં વરસાદની કોઈ સંભાવના દેખાતી નથી. ચોમાસું પૂરું થતાં જ રાજ્ય પર જળસંકટની ચિંતાના વાદળો ઘેરાવા લાગ્યા છે. આ વર્ષે રાજ્યના અનેક નાના-મોટા ડેમોમાં પૂરતા પ્રમાણમાં પાણીની આવક થઈ નથી. હાલ સરદાર સરોવર નર્મદા ડેમ સિવાયના રાજ્યના અન્ય ૨૦૬ ડેમોમાં તેમની કુલ ક્ષમતાના માત્ર ૬૯.૫૬ ટકા પાણી જ ઉપલબ્ધ છે. જે પૈકી માત્ર ૨૩ ડેમ સંપૂર્ણ ભરાયા છે, જ્યારે ૭૮ ડેમ એવા છે જેમાં પચ્ચીસ ટકા પણ પાણી નથી. આવી ચિંતાજનક સ્થિતિમાં દિવાળી પછી જળ વ્યવસ્થાપન જાળવી રાખવું એ સરકારી તંત્ર માટે ખરી અગ્નિપરીક્ષા સાબિત થશે.
રાજ્યમાં આ વર્ષે સિઝનનો સરેરાશ ૮૯.૧૯ ટકા વરસાદ નોંધાયો હોવા છતાં ડેમોમાં પાણીનો સંગ્રહ ૭૦ ટકા સુધી પણ પહોંચી શક્યો નથી. આ સ્થિતિને કારણે આગામી ઉનાળાની ઋતુમાં પીવાના પાણી અને ખેતી માટે સિંચાઈના પાણીની વ્યવસ્થા કેવી રીતે કરવામાં આવશે તે મોટો પ્રશ્ન બની ગયો છે. રાજ્યના મુખ્ય જળાશયો પર નજર કરીએ તો સીપુ ડેમમાં માત્ર ૪.૧૧ ટકા, ઉંડ-૧ માં ૧૩.૮૦ ટકા, ભાદર ડેમમાં ૧૯.૪૫ ટકા અને દાંતીવાડા ડેમમાં ૨૩.૮૦ ટકા પાણી બચ્યું છે. બીજી તરફ, ધરોઈ ડેમમાં ૫૨.૨૨ ટકા અને મચ્છુ-૧ ડેમમાં ૬૦.૧૦ ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે.
અન્ય ડેમોની સરખામણીએ રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની પૂર્ણ સપાટીએ ભરાયેલો છે. તેમાં ૩,૩૪,૦૮૦ એમસીએફટી પાણીનો સંગ્રહ નોંધાયો છે. આ વિપુલ જળરાશિ આવનારા મુશ્કેલ સમયમાં રાજ્યના પીવાના પાણી અને સિંચાઈના સંકટને ટાળવામાં મોટી રાહત સાબિત થઈ શકે છે.
રાજ્યમાં પ્રદેશવાર વરસાદની સ્થિતિમાં ઘણો તફાવત જોવા મળ્યો છે. દક્ષિણ ગુજરાતમાં સરેરાશ કરતાં વધુ ૧૧૪.૨૩ ટકા વરસાદ નોંધાયો છે. જ્યારે પૂર્વ-મધ્ય ગુજરાતમાં ૮૯.૬૭ ટકા, ઉત્તર ગુજરાતમાં ૭૧.૦૪ ટકા, સૌરાષ્ટ્રમાં ૭૧.૪૩ ટકા અને કચ્છ પ્રદેશમાં સૌથી ઓછો માત્ર ૫૭.૬૦ ટકા વરસાદ થયો છે. દક્ષિણ ગુજરાત સિવાયના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ મોટાભાગે ધીમીધારે થયો હોવાથી પાણી વહીને જળાશયો સુધી પૂરતા પ્રમાણમાં પહોંચી શક્યું નથી, જેને કારણે ડેમો ખાલી રહ્યા છે.